“હિના બહુ શોખીન છે”
“હિનાને નીચું જોણું થશે”
“હિના એની ફ્રેન્ડને શું કહેશે”
“હિના એક ખુણામાં બેસીને રોઈ લેશે પણ કોઈને કંઈ કહેશે નહિ”
“પચાસ હજારનો ફોન નથી જોઇતો પણ સાવ હલકો ન ગમે હિનાને..”
“આંગળી મુકી જે વસ્તુ પર તે મળ્યુ છે હિનાને તો તમે જરાંક ધ્યાન રાખજો “
વગેરે………..વગેરે……………. વગેરે……………….
આ કોઇ ફોનની કંપનીની જાહેરાત હોય શકે
કે પછી કોઇ કંપનીને પાડવા માટેનું કાવતરું
પરંતુ અહીં છતુ થાય છે આપણુંં મનોજગત, આપણી માનસિક્તા, આપણા વિચારો,આપણો દ્રષ્ટિકોણ…..
સગાઇ, લગ્ન કે પરસ્પર રચાતો આવો કોઇ નવો સંબંધ પર રખાયેલી આપણી અપેક્ષા…. આપણી પાંગળી માંગણીઓ……
કોઈ ફોન કે તેની કંપની હલ્કી – ભારે કહેવામાં આપણે આપણી જાતને, આપણી માનસિકતાને હલ્કી કરી મુકીએ છીએ…..
આવા કોઇ રેકોર્ડીગ જ્યારે વાઈરલ થાય છે ત્યારે માત્ર એ ઓડિયો ક્લીપ જ નહી પણ વાયરલ થાય છે આપણું આખે આખુ મનોજગત….. વાઈરલ થાય છે આપણી ભૌતિક સુખની ભુખ…વાયરલ થાય છે આપણો સંબંધમાં કંઈ ન ઝંખવાનો દંભ…..આપણી કોઈ જ માંગણી નથીનો વ્યર્થ દાવો…
દહેજ..સ્ત્રી સંશક્તીકરણ…સુ-સજ્જ સમાજ…ધ્યાન અને જ્ઞાનની વાતો…આધુનિકતા..અને બીજું ઘણું
આપણે સગાઈ કે લગ્ન કરવા પાછળ કેમ આવી બધી માંગણીઓને આગવી રાખીએ છીએ..
છીંછરી વાતો તથા ભૌતિક સવલત પાછળ કેમ આટલા ગાંડા થઈ જઈએ છીએ..
કેમ આપણે સમજ, સહજતા, વિનોદવ્રુતિ, આસપાસના વિશ્વની ઓળખ, એકમેકની વફાદારી,નાની મોટી કાળજી, કુંટુંબના સભ્યોની સચવાતી આજ્ઞા અને બીજું ઘણું બધુ જોવાને બદલે શા માટે આ બધી વસ્તુ અને વાતને પ્રાધાન્ય આપીએ છીએ ?
આજે આપણે વિકસિત અને શિક્ષિત થવાના બણગા ફુંકીએ છીએ ત્યારે આપણો વિકાસ એટલો જ છે કે આપણે સંબંધોમાં આર્થિક શોષણની નવી નવી રીતો શોધવામાં સક્ષમ થયા છીએ, આપણે આપણા સંતાનોને એટલા માટે ઊંચી ડિગ્રી કે અભ્યાસ કરવા પ્રેરીએ છીએ કેમ કે સમય આવતા વેવાઇ પાસે એના નામની હરાજી કરી શકીએ. હું ભણેલી કે ભણેલો છું એવું માત્ર કાગળમાં જ દેખાઈ તો એનો કોઈ અર્થ કે મતલબ ખરો…!
હિનાનું વેવિશાળ તુટે કે ફરી વખત જોડાઈ વાત ખાલી એટલી જ છે કે આપણી અંદર અપેક્ષાઓની ઉધઈ દિવસે ને દિવસે ફુટી રહી છે અને એ આપણી ઊચ્ચ હોવાની નિમ્ન માનસિક્તાને કોતરી કોતરીને ખાઈ રહી છે.
– હિરલ એમ. જગડ ‘હિર’