અવનીનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું અને થોડા દિવસ બાદ એને ઘરે લઈ જવામાં આવી. ત્યાં સુધી અવનીને ખબર જ નહોતી કે એના માટે કોને પોતાની કીડનીનું દાન કર્યું છે. એને એમજ હતું કે એના પતિ અવિનાશે જ એને કિડની આપી છે. ઘરે આવ્યાના બે દિવસ બાદ અવનીને જ્યારે અવિનાશ દવા આપતો હતો, ત્યારે અવનીએ અવિનાશને કહ્યું, અવી તું ના હોત તો આજે હું ન બચી શકી હોત… આટલું કહેતા જ અવિનાશ અવનીના પાસે આવીને બેસ્યો અને કહ્યું અરે ગાંડી! આવું કેમ બોલે છે. હું હંમેશા તારી સાથે હતો, છું અને રહીશ.

 

અને હા, આભાર માનવો હોય તો તારા ભાઈનો માન કે જેણે તને કિડની આપી છે. ભાઈ! આ શબ્દ સંભાળતા જ અવની ચોંકી ઉઠી. કારણકે અવનીને કોઈ સગો ભાઈ નહોતો, અવી તું શું બોલે છે, તને તો ખબર છે ને કે મારે કોઈ ભાઈ નથી. એનો મતલબ એ કે તે મને કિડની નથી આપી?

 

અવિનાશે અવનીને શાંત પડતા કહ્યું શાંતિ…. શાંતિ….. બધું જ કહું છું, એકચ્યુલી એમાં એવું થયું ને કે જ્યારે ડૉકટરોએ ચેકઅપ કર્યું ત્યારે તારું બ્લડ ગ્રુપ આપણા પરિવારમાંથી કોઈની સાથે મેચ ન થયું. અમે બધા ગભરાઈ ગયા હતા કે હવે શું? ત્યારે અચાનક એક ભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે મને હમણાં ખબર પડી કે અવનીની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની છે, હું એનો દૂરનો ભાઈ છું હુ ઓસ્ટ્રેલિયા હતો તેથી તમારા લગ્નમાં નહોતો આવી શક્યો એટલે આપણે ઓળખાણ થઈ નથી. પણ પહેલા આપણે મારો ટેસ્ટ કરાવી દઈએ અને જો મેચ થઈ જાય તો હું અવનીને કિડની આપી દઈશ. તમે કોઈ ચિંતા ન કરશો. ભગવાનની મહેરબાનીથી તમારા બંનેનું બ્લડ ગ્રુપ મેચ થઈ ગયું અને એણે તને કિડની આપી. મેં એ ભાઈને આપણા ઘરે બોલાવ્યા છે. પણ એમણે કહ્યું હું મારું કામ પતાવી પાછો ઓસ્ટ્રેલિયા જતો રહીશ.

 

અવની હજુ મુંજવણમાં હતી, કે આ દૂરનો ભાઈ કોણ છે એ એને હજુ સુધી ખ્યાલ આવ્યો નહોતો. એણે અવિનાશને પૂછ્યું શું નામ હતું એ ભાઈનું?  અવિનાશે કહ્યું મિલન. મિલન સાવલિયા નામ હતું એ ભાઈનું,  પોતાના મોબાઈલમાંથી ફોટો બતાવતા કહ્યું જો આ ભાઈ….

 

ફોટો જોતા જ અવની આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ અને એકાએક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આમ અચાનક રડતી જોઈ અવિનાશ ને ચિંતા થવા લાગી એણે પૂછ્યું શું થયું અવની? કેમ અચાનક રડવા લાગી?

 

અવનીએ અચકાતા અચકાતા કહ્યું અવિનાશ  આ એ જ મિલન છે જે મને પ્રપોઝ ન કરે એ ડરથી મેં એણે “ભાઈ” કહ્યો હતો.  મેં એને આજ સુધી રાખડી પણ નથી બાંધી….

અને અવની પાછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

 

 

પાર્થ વાળંદ “ગોપાલ”

%d bloggers like this: