“સર, હું એક ગીતકાર છું. એકવાર મારા ગીત વાંચી તો જુઓ તમને ના ગમે તો હું લખવાનું બંધ કરી દઇશ.” આનંદએ વિનંતી કરી.
“કાલે ઓફિસ આવીને મળજો.” સૂટ પહેરેલા એક સજ્જન માણસએ કારની બારી નીચે કરી જવાબ આપ્યો.
બીજા દિવસે.
“ભાઈ, મને અંદર તો જવા દો, તમારા સાહેબએ જ મને બોલાવ્યો છે.” આનંદએ ચોકીદારને કહ્યું.
“અમને તમારી વિશે કોઈ જ માહિતી નથી, તમે જરાક આમ બાજુમાં ઊભા રહો.” ચોકીદારએ કહ્યું.
થોડીવારમાં પેલા સજ્જન માણસ બહાર આવે છે.
“સર, સર, હું કાલે તમને મળેલો. તમે કહ્યું હતું કાલે આવજે ઓફિસે પણ તમારા ચોકીદાર મને અંદર આવવા નથી દેતા.” આનંદ ઉતાવળે બોલ્યો.
“હા, હા આવ અંદર ઓફિસમાં.”
બન્ને ઓફિસમાં બેઠા છે, સજ્જન માણસ આનંદના લખેલા ગીત વાંચે છે અને ખુશ થઈને બોલે છે,
“વાહ કવિ વાહ, શું શબ્દો છે તમારા. ક્યા હતા તમે અત્યાર સુધી? અરે રે.. ઉત્સુક્તામાં તમારું નામ પૂછતાં જ ભૂલી ગયો.”
“મારુ નામ આનંદ છે.”
“વાહ આનંદ વાહ, ખૂબ જ સારું લખો છો. હું આજે જ તમને મારી આગલી ફિલ્મ માટે સાઇન કરું છું.”
ટેબલ પર પડેલો બેલ વગાડે છે અને પટ્ટાવાળો તરત ઓફિસમાં આવે છે.
“રામલાલ, વકીલને કહો કે એક પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ તૈયાર કરે. આપણી કંપની અને આનંદ વચ્ચે. મુબારક આનંદ હવે તમે અમારી બધી જ આવનારી ફિલ્મો માટે ગીત લખશો અને આ ૫૦,૦૦૦ રૂપિયા તમારી સાઇનિંગ અમાઉન્ટ.”
આનંદ ચકિત થઈ એ ચેક સામે જોયા જ કરે છે અને પેલા સજ્જન માણસના પગે પડી જાય છે.
“બસ, બસ આ બધુ ના કરો. તમારું નામ આનંદ છે ને પણ ફિલ્મો માટે આજથી તમારું નામ “અંજાન” રહેશે. અંજાન એક અદભૂત ગીતકાર.”
એ સજ્જન માણસના શબ્દો ફળ્યા પણ ખરા, આનંદ જે અંજાન બન્યો અને એના ગીતોએ લોકોના મનમાં ઘર કરી લીધું, લગાતાર દસ વર્ષ સુધી તેણે એકથી એક સફળ ગીતો લખ્યા અને દરેક એવોર્ડ તેના નામે કર્યા.
પંદર વર્ષ પછી સમયનું મોજું ફર્યું, લોકોની પસંદ બદલાઈ ગઈ. અંજાનના ગીતો હવે ઓછા ચાલવા લાગ્યા, એક સમયનો દરેક રેકોર્ડ પોતાના નામે કરવા વાળો વ્યક્તિ કામ માટે ભીખ માંગવા લાગ્યો. સફળતાની ચરમસીમા મેળવી ચૂકેલો વ્યક્તિ અસફળતાના કડવા ઘૂટડા ભરી રહ્યો હતો ખૂબ જ દયનીય હાલતમાં.
“સર, સર હું અંજાન તમે મારા ગીતો જોવો તો ખરા.”
“ડ્રાઇવર, કોણ છે આ ભિખારી એને દૂર કરો અહિયાથી.” એક યુવાનએ કહ્યું.
“સર, હું તમારા પિતાની કંપનીનો સૌથી સફળ ગીતકાર આનંદ “અંજાન”. મને તમે ભિખારી કહો છો?”
“કોણ અંજાન? તમે દૂર જાવ, ભૂલમાં વાગી જશે તો મિડિયા મને કારણ વગર વિલન બનાવી દેશે.”
કાર લઈ એ યુવાન ત્યાંથી નિકળી જાય છે અને એક સમયનો સૌથી સફળ ગીતકાર આજે તેનો ભૂતકાળ યાદ કરતો ત્યાં જ ઊભો રહી જાય છે.
એક પત્રકાર ઓળખી જાય છે અને તેમને ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરે છે. અંજાનને લાગ્યું કે આ એક સરસ તક છે તેની ઓળખ ફરી ઊભી કરવાની.
“અંજાન, એક સમયના સૌથી સફળ ગીતકાર અચાનક પંદર વર્ષ પછી સામે આવ્યા, કયા હતા તમે?”
“હું તો અહીં જ હતો, બધાની નજર સામે જ બસ બધાએ આંખો બંધ કરી દિધી હતી.”
“તમારી આવી દયનીય હાલત કેવી રીતે થઈ?”
“સમય, મારા સારા સમયની મે કદર ના કરી એટલે સમયએ મારી કદર ના કરી, આર્થિક અને પારિવારિક બધી જ રીતે હું પડી ભાંગ્યો છું,
આજે ૭૨ વર્ષની ઉમરે કામ માટે વલખાં મારુ છું એનું એક જ કારણ છે, મારો પૌત્ર. એને હું સારું જીવન આપી શકું, મારી કલમમાં હજી એ જ તાકાત રહેલી છે. મારે કામ કરવું છે, મારા ઇન્ડસ્ટ્રીના લોકોને હું તમારા માધ્યમથી એટલું કહેવા માંગુ છું, મને કામ આપો. હું ફક્ત મારી સફાઈમાં એટલું જ કહીશ કે, મારો સમય ખરાબ છે પણ હું માણસ ખરાબ નથી.”
છેલ્લા શબ્દો બોલતા બોલતા અંજાન રડી પડ્યા અને બોલ્યા, “અંજાન ફક્ત મારુ ઉપનામ હતું, પરંતુ અહીંના લોકોએ તો આ નામને સાર્થક કરી બતાવ્યું.”
આ વાર્તા મહાન ગીતકાર અને કવિશ્રી સંતોષ આનંદજીના જીવનપ્રસંગ પરથી પ્રેરિત થઈને લખી છે, સાચું આવું જ કાઈક ને કાઈક આપણાં જીવનમાં થાય છે. કામની કદર અને કામ કરે છે એ વ્યક્તિની કદર કરતાં રહીએ તો કદાચ આવી સંતોષ આનંદ જેવી હાલત ના થાય.
સંતોષ આનંદજીના જ શબ્દોમાં કહીશ, “अब तो उजालाभी अंधेरा नज़र आता है। कोई याद करे तो अच्छा लगता है।
સુનિલ ગોહિલ “માસ્તર”