નિરંતર શ્વાસ ગૂંથ્યે જાય જાણે જાળની અટકળ!
જીવન નામે કશું બીજું નથી બસ કાળની અટકળ!
ગનીમત છે મને કે એ ખુલાસો આપવાં આવ્યાં;
નહીંતર પ્રેમમાં કાયમ રહે છે આળની અટકળ!
સૂરજની સાથ ડૂબી જાય છે મારોય પડછાયો;
લગાવું તો લગાવું કઈ રીતે હું ભાળની અટકળ?
અભિવ્યક્તિ કશી મોકા ઉપર આવી નથી શકતી;
પ્રશંસાથી વધારે હોય છે જયાં ગાળની અટકળ!
ચઢાણોથી હકીકતમાં નહોતો થાક લાગ્યો પણ;
પહાડો લાંઘતા પ્હેલા કરેલી ઢાળની અટકળ!
હું તારી આશથી જોઉં બધા ચહેરાઓ એ રીતે;
ભટકતી જેમ હો રસ્તે રઝળતાં બાળની અટકળ!
મર્યું છે એક પંખી આજ પાછું વીજતારો પર;
‘અગન’ ભારે પડે ક્યારેક કેવી ડાળની અટકળ?
-‘અગન’ રાજ્યગુરુ