Spread the love
“પિતા” જેને આપણે આપણાં ઘરની છત કહીએ છીએ. તેઓ મોભી છે ઘરનાં. ઘરની ચાર દિવાલ હોય પરંતુ માથે છત ન હોય તો વરસાદનું પાણી, શિયાળાની ઠંડી અને ઉનાળાનો તાપ તો સહન કરવો જ પડે છે. બસ કંઈક આવી જ રીતે કુટુંબ ગમે તેટલું મોટું કેમ ન હોય પિતાની ખોટની અસર એના પરિવાર પર પડે જ છે !
પપ્પા તમે હોત ને તો જીવન કંઈક અલગ જ હોત.
મમ્મીનાં અંગે સફેદ નહિ પણ રંગબેરંગી કપડાં હોત.
કરૂણતાનાં રસની જગ્યાએ એ પણ સોળે શણગાર સજતી હોત.
બાંધીને રાખી મૂકી એને જવાબદારીએ,
નહિતર, શોખ એમનાં પણ આસમાને પહોંચે એવા ઊંચા હોત.
પચીસ અને પચાસ પૈસાનો હિસાબ કરતાં જોયો છે મે એને,
નહિતર એ પણ ક્યાંક બ્યુટી પાર્લરના ખર્ચા કરતી હોત.
પપ્પા તમે હોત ને તો જીવન કંઈક અલગ જ હોત.
હાથે મહેંદીની નથી, હવે તો માત્ર લકીરો જ દેખાય છે.
કાશ એ લકિરોમાં તમારો સાથ કંઈક વધુ જ હોત.
ઘરચોળું અને પાનેતર વર્ષમાં એકવાર બહાર કાઢે છે,
નિહાળી છાનું એ પાછું ત્યાંનું ત્યાં જ રાખી દે છે.
એ અશ્રુ કદાચ પાંપણને ભીંજવી ન ગયા હોત.
ખોટું હસી અમને એણે મૂર્ખ ન બનાવ્યાં હોત.
પપ્પા તમે હોત ને તો જીવન કંઈક અલગ જ હોત.
ઘણી નિષ્ઠુર છે આ દુનિયા, એ તો જાણી લીધું,
નહિતર સગા સબંધી એ આમ મોં ન ફેરવ્યું હોત.
એકલાં હાથે એણે ઉછેરી છે મને, સંસ્કારોનું સિંચન કરીને,
બાકી જો કોઈ બીજું હોત તો ક્યારનું પોતાની એકલતાને દૂર કરી લીધી હોત.
રડે છે એ હસતાં હસતાં,
અને હસે છે રડતાં રડતાં
મા છે ને !
બાકી એને પણ જીવન એટલું જ વહાલું હોત.
દીકરી નહિ દીકરો બનાવ્યો છે એને મને,
દરેક પરિસ્થિતિમાં ખડે પગે રહેતાં શિખવ્યું છે મને.
શું ઋણ ચૂકવું હું એનું?
જો એ મારી મા ન હોત તો આજે આ “સોનું” તમારી સમક્ષ ન હોત.
વહાલા છે પપ્પા દરેક દીકરીને,
તમારી સાથેની મારી લાગણી પણ કંઈક એવી જ રહી છે.
પરંતુ પપ્પા,
તમે હોત ને તો જીવન કંઈક અલગ જ હોત!
Nikita Vadhiya