દરવાજો એટલે
બે બારણાં અને બંને બાજુએથી કમાડ વાસી શકાય
દરવાજાને બારસાખ, ઉંબરો, આકડિયો, સ્ટોપપર નામના વિભાગો છે.
આ બધા વિભાગોની પોતાની એક વાર્તા છે.. તેમની જિંદગીમાં તેઓ ઘણું સહન કરે છે..બારસાખ પર નભતો દરવાજો આજીવન તેની ઓરસ ચોરસ વિટળાઈને જીવતો હોઈ..દરવાજાની ગોઠવણ બરાબર થઈ શકે એટલે કેટકેટલાય નટબોલ અને સ્ક્રુ પોતાની અંદર સમાવી લેતો હોઈ છે. બારસાખ અડીખમ ઉભો રહે એટલે એના પાયાને બરોબર મજબૂતાઇ આપવામાં આવે છે..દરવાજાની કડી કદાચ છૂટી પડી જાય પણ બારસાખ ક્યારેય તૂટી પડતું નથી.
ઉંબરો
ઓળગવો કે નહિ એનું ચિંતન સીતાને પણ હતું અને કદાચ આજની દરેક નારીને પણ હશે..ઘરની બહાર ઉંબરાને ઓળગીને ક્યારે અને ક્યાં સમયે જવું તે ઘરના સભ્યો અને ઉંબરા એ જાણે મનોમન નક્કી કરી લીધું હોય છે…એ નિયમોનું ઉલ્લંઘન ઘરના વડીલની સાથે ઉંબરાને પણ નથી ગમતું, ફર્ક એટલો છે કે ઘરનું વડીલ ખિજાઈ જાય છે, રિસાઈ જાય છે, ઉંબરો ઓળગવા બદલ ઉંબરે ધક્કો મારી દે છે પણ ઉંબરો ત્યારે પણ તમને સંભાળી લે છે..એ રિહ – ધોક્કો કરવામાં માનતો નથી..બિચારો એવો કશો વ્યવહાર જ કદાચ જાણતો નથી.
આકડીયો બે બારણાંને જોડતી એક કળ. જેની મદદથી આડશ થઈ શકે.
કડી બંધ કરી દેવાથી મુશ્કેલીઓ દૂર નથી થઈ જતી પણ હળવી જરૂર પડી જાય છે..જેનાથી તમે સલામત છો એવો ભાસ થઈ શકે..જેના થકી તમે તાળું મારીને તમારા કિંમતી અસબાબને કિંમતી રાખી શકો..આ આકડીયો જોડાણ છે અને એ જોડાણથી તમને ખાતરી મળે છે તમે સલામત છો સાથોસાથ તમને ખાતરી થાય છે કે બારણાંની ભીતરે હું અભય છું આ આકડિયા એ મારી લાજ રાખી છે.. અહીં હું નિર્ભય છું.
જીવનમાં આવા બારણાં એટલે કેટલાંક સંબંધો..
કેટલાંક સંબંધો દરવાજા જેવા તો કેટલાક બારણાંના બારસાખ જેવા કેટલાક આકડીયા જેવા તો કેટલાક જોડતી કડી..કેટલાક અંદર ખુલ્લે એવા તો કેટલાક બહાર ખુલ્લે એવા સંબંધો.. કેટલાક ખૂબ જાડાઈ ધરાવતા મજબૂત હોઈ એવા તો કેટલાક આરપાર નીરખી ઉઠે ત્વરિત દેખાઈ આવે એવા પારદર્શક સંબંધો.. કેટલાંક ભીનાશ વધતા ફુલ્લી જાય એવા તો કેટલાક દબાણ વધતા તૂટી પડે એવા સંબંધો… સમારકામ કરીને ઠીક કરવા પડે એવા તો કેટલાક દરેક ધોરણે અંકબંધ રહેતા હોઈ એવાં સંબંધો
જાત જાતના અને ભાત ભાતના દરવાજા અને એવા જ ભાત ભાતના સંબંધોની વચ્ચે સજીવન રહેતા આપણે આ ભાત ભાતના સંબંધોની વાર્તા જાણીને વર્તશો તો તમને સંબંધમાં ફરિયાદ ઓછી અને અધૂરપ વધારે જોવા મળશે..તમારા વ્યક્તિત્વને પોષતા આ દરેક સંબંધોના દરવાજાને જરાં સંભાળી રાખજો..
તમે તમારા સંબંધોના દરવાજાની અંદર સલામત રહો
– હિરલ જગડ ‘ હીર ‘