Spread the love
“નમામિ દેવી નર્મદે!” લોકમાતા નર્મદા અમરકંટક ના ‘મેકલ પર્વત’ પરથી નિસરી ને પૃથ્વી પર જળ સ્વરૂપે ખળખળ વહી રહયા છે જેમને આપણે “રેવા” ના ના નામથી પણ ઓળખીએ છીએ. વર્તમાન સમયમાં આ નર્મદાના નીર ઘર-ઘર સુધી પહોંચાડવાની યોજના નો અમલ થઈ રહ્યો છે આ નર્મદામૈયા હકીકતમાં શિવ સુતા એટલે કે શિવ કન્યા છે. ભગવાન મહાદેવના પુત્રી છે.
આ નર્મદાની ઉત્પત્તિ અંગે પુરાણોમાં એક અલગથી “રેવાખંડ”ના નામે આંખો ખંડ છે. યુગ અને કલ્પો પ્રમાણે કથાઓ માં થોડો ઘણો ફેરફાર છે પરંતુ નર્મદા ભગવાન શિવજીના પુત્રી છે, એ વાતનું સમર્થન બધી જ કથાઓ કરે છે.
સૃષ્ટિના પ્રારંભ સમયે એક વાર શિવજી તાંડવ નૃત્ય કરી રહ્યા હતા. તે સમયે તેમના સ્વેદ-પરસેવામાંથી નર્મદા ઉત્પન્ન થયા. દેવતાઓની પ્રાર્થનાથી લોક કલ્યાણ અર્થે પૃથ્વી પર અવતર્યા. તેમના વેગીલા પ્રવાહને વિંધ્ય પર્વત ના પુત્ર મેકલ પર્વતે ધારણ કર્યો.
સર્વાંગ સુંદર એવી આ શિવ કન્યાને જોઇને દેવો અને દાનવો મોહ પામ્યા. અને તેની સાથે લગ્ન કરવા ઉત્સુક બન્યા. શિવજીએ કહ્યું કે તમારામાંથી જે તેને શોધી લાવશે તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ અનેક રૂપોમાં દેખાતી, ઘડીમાં અહીં-તહીં દેખાતી, તો ઘડીમાં અદ્રશ્ય થતી આ કન્યાને કોઈ શોધી શક્યું નહિં. આમ એક હજાર દિવ્ય વર્ષ સુધી તે કન્યા ક્રીડા કરતી રહી. તેથી આ કન્યાનું નામ “નર્મ ક્રીડા દદાતિ ઇતિ નર્મદા” પડ્યું. ત્યારબાદ આ કન્યા શિવ સન્મુખ પ્રગટ થયા. શિવજીએ તેને અનેક વરદાનો આપીને લોક કલ્યાણ અર્થે સમુદ્રને અર્પણ કર્યા.
શિવ કન્યા હોવાથી નર્મદે હર! એવો જ તેમના નામનો ઉચ્ચાર કરવામાં આવે છે.આ ઉપરાંત તેના વિવિધ નામો છે: શિવ જટામાં વસતી હોવાથી ‘જટાશંકરી’, શિવના લલાટના ચંદ્રકલા માંથી ઉદભવી માટે ‘સોમો ભવા’, શિવના દેહના પ્રસ્વેદમાં થી જન્મી માટે ‘રુદ્ર દેહા’, મેકલ પર્વત એ તેના પ્રવાહને ધારણ કર્યો હોવાથી ‘મેકલ કન્યા’, અતિ ચંચલ ગતિએ અવાજ કરતી હોવાથી ‘રેવા’,પ્રલયમાં પણ નષ્ટ થતી ન હોવાથી ‘ન મૃતા’.. વગેરે.
એવું માનવામાં આવે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી, અને યમુનાજીનું પાન કરવાથી, સર્વ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ નર્મદાના તો માત્ર દર્શન કરવાથી જ આ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ અને ભગવાન શિવજીએ આપેલા વરદાન ને કારણે નર્મદા ના દરેક કંકર શંકર સમાન છે.
Harsha Thakker