Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

પરિપક્વતા શિક્ષણનો એક મહત્વનો ભાગ

Spread the love

આજના સમયમાં જ્યારે દરેક પ્રકારની જાણકારી સહેલાઈથી ઉપલબ્ધ બની રહી છે ત્યારે બાળકો ઉચિત તેમ જ અનુચિત પ્રકારની માહિતીના જાણકાર બને એ પણ સ્વાભાવિક બન્યું છે. અપરિપકવ માનસ દરેક પ્રકારની માહિતીને યોગ્ય રીતે મૂલવી શકતું નથી. આ સંજોગોમાં માતાપિતાએ પોતાના બાળકને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બની ગયું છે.

બાળકો અનેક પ્રકારના પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષતા હોય છે. માતાપિતા તેઓના આદર્શ હોય છે. તેથી સ્વાભાવિક રીતે તેઓ દરેક પ્રશ્નોના ઉત્તર પોતાના માતાપિતા પાસેથી મેળવવાનો પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ ક્યારેક માતાપિતા પોતાના બાળકોના કેટલાંક પ્રશ્નોથી મૂંઝાઈ જાય છે. કેટલાંક માતાપિતા આવા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળે છે અથવા અર્ધસત્ય બોલવા પ્રેરાય છે. ખાસ કરીને સેક્સ અંગે વાત કરવાનું માતાપિતા ટાળે છે.

કિશોર વયના બાળકોમાં સેક્સ અંગે ઘણું કુતૂહલ હોય છે. આજના સમયમાં આ વિષય જેટલો વ્યક્ત થઈ રહ્યો છે તેટલો પહેલાં ક્યારેય થયો નહીં હોય. ફિલ્મો, આજની જીવનશૈલી, ઈન્ટરનેટ દ્વારા જોવા મળતા વેબ-સાઈટ્સ વગેરે દ્વારા જીવનનું આ પાસું અકળ રીતે પ્રગટ થાય છે. જે ટીનેજર્સમાં અનેક પ્રકારની જિજ્ઞાાસા જન્માવે છે. આ વિષયમાં જો તેઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપવામાં ના આવે તો તેઓના મનમાં અનેક પ્રકારની ભ્રામક-માન્યતાઓ અને ગેરસમજો પેદા થઈ શકે છે જે તેઓના ભાવિ જીવન માટે જોખમરૂપ બની શકે છે.

જાતિય-શિક્ષણનો અર્થ ફક્ત જનેન્દ્રિયો વિષેની જાણકારી નથી. જીવનમાં સેક્સનું મહત્ત્વ, તેના તરફ સ્વસ્થ અભિગમ અને તેનું ઔચિત્ય વગેરે ટીનેજર્સને સમજાવવાની જરૂર હોય છે. યુવાનો જો સુમાહિતગાર અને સમજદાર હશે તો તેઓ આ બાબતમાં પણ જવાબદારીપૂર્વક વર્તશે. વૈજ્ઞાાનિક સમજ ટીનેજર્સના મનમાં એક સ્વસ્થ દૃષ્ટિકોણ ઊભો કરે છે. જેનાથી તેઓ એક સમજદાર અને જવાબદાર વ્યક્તિત્વ લઈને બહાર આવે છે. સમાજને એક જવાબદાર નાગરિક મળે છે.

સર્વેક્ષણો દર્શાવે છે કે નેવું ટકા જેટલાં બાળકો પોતાના અપરિપકવ મિત્રો પાસેથી સેક્સ અંગે માહિતી મેળવે છે. આ ઉપરાંત પોર્નગ્રાફિક સાહિત્ય, ફિલ્મો, ટીવી, વીડિયો અને દસ ટકા જેટલાં બાળકો માતા પિતા અને શિક્ષકો પાસેથી આ અંગે જાણકારી મેળવે છે. અયોગ્ય સ્ત્રોતો પાસેથી માહિતી મેળવીને નવયુવાઓ ગેરમાર્ગે દોરાય છે. સેક્સ એ કોઈ શરમભરી પ્રવૃત્તિ નથી પરંતુ એક દિવ્ય લાગણી છે એ તેઓને સમજાવવાની જરૂર હોય છે. તે ઉપરાંત સેક્સ એની સાથે એક જવાબદારી પણ લાવે છે તે બાળકોને સમજાવવાની જરૂર હોય છે.

બાળકોના ઉછેર દરમિયાન માતાપિતા કેટલીક બાબતોથી પોતાના બાળકોને દૂર રાખે છે. પોતાના શરીર પ્રત્યેની બાળકની જિજ્ઞાસા, જનેન્દ્રિયોનો સ્પર્શ વગેરે જેવી બાળ-ચેષ્ટાઓને માતાપિતા ઉદારતાથી નથી લેતા. તેઓ આવી ચેષ્ટા માટે પોતાના બાળકને ઠપકો આપે છે. આ બાબતમાં બાળકને પ્રોત્સાહન ના અપાય એ તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ ઠપકો આપવાને બદલે અથવા ગુસ્સો કે અણગમો દર્શાવવાને બદલે માતાપિતાએ બાળકની આ ચેષ્ટાને સ્વાભાવિક ગણીને ચાલવું જોઈએ. બાળકો પોતાના શરીર વિષે, સંબંધો વિષે, વાતચીત વિષે જીવનના પ્રથમ વર્ષમાં જ ઘણી જાણકારી મેળવે છે.

શરૂઆતથી તેઓના મનમાં જાતીયતા (લિંગ) વિષે સ્વસ્થ સમજ કેળવાય તેવો વ્યવહાર તેની સાથે કરવો જોઈએ. તેઓ જેમ મોટા થતાં જાય તેમ વધુ ને વધુ જાણકારી મેળવીને સેક્સ અંગે યોગ્ય, સ્વસ્થ સમજ કેળવે તે માતાપિતાએ જોવું જરૂરી છે. બાળકો નાનપણથી જ પોતાના શરીર અંગે જિજ્ઞાસાવૃત્તિવાળા હોય છે. આ વલણ બિલકુલ સામાન્ય છે. બાળકો માતાપિતાના જાતીય જીવન વિષે વિચારે એ જેટલું ક્ષોભજનક લાગે છે તેટલું જ ક્ષોભજનક માતાપિતા માટે બાળકનું આ પ્રકારનું વલણ હોય છે. છતાં આ એક જરૂરી બાબત છે. બાળક પોતાના લિંગ અંગે સભાન બને ત્યારથી જ માતાપિતાએ એ તરફ સામાન્ય વલણ રાખવું જોઈએ. બાળક કોઈ પ્રશ્ન પૂછે તો ગુસ્સો કે અણગમો દર્શાવવાને બદલે યોગ્ય રીતે તેની જિજ્ઞાસાને સંતોષવી જોઈએ. બાળકો ક્યારેય આ બાબતને ખાનગી ગણતા નથી. તેઓનું આ વલણ જળવાઈ રહે તે જોવાની જવાબદારી માતાપિતાની છે.

બાળક જ્યારે ત્રણેક વર્ષનું થાય ત્યારે માતાપિતા શરીરના અંગોના વૈજ્ઞાાનિક નામોનો ઉપયોગ કરવાનું શરૂ કરે તે યોગ્ય છે. બાળક બોલતું થાય ત્યારે આ પ્રમાણે કરવાથી બાળક પણ દરેક અંગના સાચા નામો બોલતા શીખશે. માતાપિતાએ તે શબ્દોનું ઉચ્ચારણ કરતી વખતે રમૂજ કે મજાકના ભાવો લાવવા નહીં. આથી બાળક પણ કોઈ પ્રકારના ક્ષોભ-સંકોચ વગર આ શબ્દોનો ઉપયોગ કરી શકશે.

ત્રણથી છ વર્ષની વયના બાળકો પોતાના માતાપિતા પર મહત્તમ શ્રધ્ધા રાખતા હોય છે. બાળકને પોતે સંપૂર્ણપણે સ્વસ્થ અને સારું છે એ પ્રકારના સધિયારાની અપેક્ષા હોય છે. જે માતાપિતાએ પૂરો પાડવાનો હોય છે. આપણું બાળક અન્યો કરતાં જુદું હોય તો તે જુદાપણું પણ આવકાર્ય છે. એવું આશ્વાસન આપણે બાળકને આપવું જરૂરી છે. બાળક પાંચેક વર્ષનું થાય ત્યારે તેને તેના શરીરના અંગોની જાણકારી આપીને તેની કાળજી લેતા શીખવવું જોઈએ. બાળકને પોતાના શરીરને ઢાંકીને રાખવાની તાલીમ પણ આ ઉંમરે આપો.

અજાણ્યાઓ બાળકના ગુપ્તાંગોને સ્પર્શે નહીં તેવી ચેતવણી પણ બાળકને આપી દો. જો કોઈ એવું કરે તો બાળક તરત તે વાત પોતાના માતાપિતાને કરે તે એને સમજાવી દો. આ પ્રકારના માણસોથી પોતાનું બાળક દૂર રહે તે દરેક વાલીએ પોતાના બાળકને શીખવી દેવું જોઈએ. કેટલાંક માતાપિતા એમ માને છે કે નાના બાળકને આવી વાતો કરવાથી તેની માનસિકતાને નુકસાન થશે. વાસ્તવમાં બાળક પાસે જાણકારી હોય તો તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ બને છે. આ વિષય પર વાત કરવાની સ્વતંત્રતા હોય તો તે પોતાના મનની મૂંઝવણ તરત વ્યક્ત કરી શકે છે. સર્વેક્ષણો પરથી જાણવા મળ્યું છે કે જે બાળકો વહેલી જાણકારી મેળવે છે તેઓ જાતીય-પ્રવૃત્તિ શરૂ કરવામાં ધીરજ રાખી શકે છે. જ્યારે પણ તેઓનું જાતીય-જીવન શરૂ થાય ત્યારે તેમાં સલામતીના પગલાં તેઓ લઈ શકે છે.

બાળકને જાતીય-શિક્ષણ એક સાથે ના આપવું જોઈએ. તે જે પ્રશ્નો પૂછે તેના જવાબરૂપે જરૂરી હોય તેટલી માહિતી તેને આપો. બાળક જેમ જેમ મોટું થતું જશે તેમ તેમ તે તેની જિજ્ઞાસા મુજબ પ્રશ્નો પૂછતું જશે અને યોગ્ય જાણકારી તેને મળતી જશે. આ વિષય પર વાત કરતી વખતે સામાન્ય જાણકારી આપવા પ્રયાસ ના કરશો. તે જે પૂછે તેનો જવાબ તેને મળે તેટલું જ કહો. બાળકનો પ્રશ્ન સ્પષ્ટ ના હોય તો તેને ફરીવાર સ્પષ્ટ રીતે બોલવા કહો જેથી જવાબ આપવામાં કોઈ ગરબડ ના થાય. માતાપિતા પોતે જો યોગ્ય જવાબ આપવાની સ્થિતિમાં ના હોય તો અસ્પષ્ટ જવાબ આપવાને બદલે વિચારવાનો થોડો સમય લે તે જરૂરી છે.

ટીનેજર્સ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. અપૂરતી, અયોગ્ય પ્રકારની માહિતી ટીનેજર્સના મનમાં ઘણી ભ્રામક-માન્યતાઓ ઊભી કરે છે. આજના ટીનેજર્સ વધુ પડતી છૂટ અને પ્રયોગોનો ઉપયોગ કરવા માંડયા છે. આપણો સમાજ આ વિષય પર હંમેશાં પ્રતિબંધાત્મક અને સંકુચિત રહ્યો છે. તેથી આ વિષયનો વિરોધાભાસ યુવાઓના માનસમાં હંમેશાં રહે છે. તેઓનું મન કંઈક જુદું કહે છે અને સમાજના નીતિ-નિયમો કંઈક જુદું કહે છે. તેથી ક્યાં તો તેઓ પોતાની નૈર્સિગક-વૃત્તિઓને દાબે છે અથવા તો તેમને સંતોષવા માટે જોખમી રીતો અપનાવે છે.

આઠથી બાર વર્ષની વયના બાળકોને માસિકધર્મ, સ્વપ્નદોષ જેવી બાબતોની જાણકારી આપતા રહેવું જરૂરી છે. તેઓ પાસે જો યોગ્ય જાણકારી ના હોય તો તેઓ તેમનામાં થતાં પરિવર્તનો વિષે દ્વિધામાં રહે છે. બારેક વર્ષની વયના બાળકો આ જાણકારી મેળવવાને યોગ્ય બની ચૂક્યા હોય છે. તેથી તેઓમાં આ વિષેની જિજ્ઞાાસા ઘણી જાગી ઊઠી હોય છે. તેઓને જાતીય-પ્રવૃત્તિ, સામાજિક-સંબંધો, જાતીય-રોગો, ચેપી રોગો, કુટુંબ-નિયોજન, નાની ઉંમરની સગર્ભાવસ્થામાં રહેલા જોખમો વગેરે વિષે માહિતી આપવી જરૂરી છે.

તેરથી ઓગણીસ વર્ષની વયના ટીનેજર્સને જાતીય-સંબંધોની લાલચથી દૂર રહેવાની ચેતવણી આપવી જોઈએ. કેવા પ્રકારની સલામતી રાખવી એ પણ તેમને સમજાવવું જોઈએ. સેફ સેક્સ ચેપી રોગોના ફેલાવાને અટકાવે છે. કોઈની લાગણીને દુભવ્યા વગર સંબંધોને કેવી રીતે જાળવી શકાય તે તેઓને આવડવું જોઈએ. તેઓ જે કરશે તેની જવાબદારી તેઓની રહેશે એ તેમને સમજાવો.

ગર્ભ અને બાળ-જન્મ :

બાળકની ઉંમર જોઈને તેને બાળકની ગર્ભસ્થ-સ્થિતિ અને બાળ-જન્મ વિષે જાણકારી આપી શકાય માતાની કૂખમાં ફલિત થયેલા એક સ્ત્રી-બીજમાંથી વિકસીને બાળક કેવી રીતે જન્મ લે છે તે અંગે ટૂંકી જાણકારી આપી શકાય. ગર્ભ રહેવાની અગાઉની જાતીય-સંભોગની ક્રિયા બાળકને સમજાવવાની જરૂર નથી. બહુ નાનું બાળક આ વાત સમજવા સક્ષમ નથી હોતું. ફક્ત માતાપિતાની નિકટતા, સહજીવન, એકમેક માટે પ્રેમ લાગણી અંગેની વાત કરી શકાય. આટલી વાત છ વર્ષની નીચેની વયનું બાળક સ્વીકારી લેશે. તે કોઈક પ્રશ્ન પૂછે તો તેનો સીધો જવાબ આપો.

ટીનેજ ઉંમરમાં મોટાભાગના છોકરાઓ હસ્તમૈથુન કરતા થઈ જાય છે. આ બાબત સામાન્ય અને સ્વાભાવિક છે. નીચે દર્શાવેલી બાબતો જોવા મળે તો તે ચિંતાજનક કહી શકાય.

  • અન્યોની સામે તે કરવામાં આવે.
  • તે કરવા દરમિયાન કે બાદ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ના આવે.
  • તે કરવાની રીતથી અંગને હાનિ પહોંચવાની સંભાવના હોય.
  • પરિણિત અવસ્થામાં પત્નીની ઈચ્છા વિરુદ્ધ તે કરવામાં આવે.
  • તે એક વળગણ બની જાય જેની અસર વ્યક્તિના શિક્ષણ, કારકિર્દી, સંબંધો પર થવા માંડે.

 

કિશોરવયે સગર્ભાવસ્થાની જાણકારી :

કિશોર વયના બાળકોને છોકરીઓમાં રજોપ્રવૃતિ અને છોકરાઓમાં સ્વપ્નદોષની શરૂઆત અંગે માહિતી આપો. આ વયે બાળકો સેક્સને લગતા વિચારો અને લાગણીઓનો ઘણો અનુભવ કરે છે. તેઓને કોઈ વ્યક્તિ ખૂબ ગમી જાય એવું પણ બને છે. આ સમયે તેઓના શરીરમાં પણ ખૂબ ફેરફારો થાય છે. આ સમયે તેઓમાં પ્રજનન ક્ષમતા પણ વિકસી રહી હોય છે. છોકરાઓ પુખ્ત બને એટલે તેઓમાં શુક્રાણુઓનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે. છોકરીઓ પુખ્ત બને એટલે તેઓમાં સ્ત્રી-બીજ ફળવાની ક્ષમતા આવી જાય છે. એક શુકાણુ સ્ત્રી-બીજ સાથે મળે તો ગર્ભ રહી શકે છે. કેટલીકવાર ટીનેજર્સના શરીર વિકસે તેની તુલનાએ તેઓના પ્રજનનતંત્રનો વિકાસ ઝડપથી થાય છે. આથી જ ટીનેજ વર્ષાેમાં છોકરો પિતા અને છોકરી માતા બનવા સક્ષમ હોય છે.

સંયમનું મહત્ત્વ :

જે રીતે યુવા વયે બાળકો નશીલા પદાર્થાે અને મદ્યપાનનું સેવન કરવા લલચાય છે તે જ રીતે ટીનેજર્સ જાતીય-સંભોગનો અનુભવ કરવા લલચાય છે. બાળકોને શિખામણ આપવાને બદલે મૈત્રીપૂર્વક તેઓને આ બાબતોનું દૂર રહેવાનો સંકેત વાલીએ આપવો જોઈએ. કુટુંબમાં આ વિષય પર નિખાલસતા પૂર્વક વાતચીત થાય તો આ સંકેત આપવો સરળ બને છે. નિખાલસતાપૂર્વક વાત કરવાથી આ વિષય અંગેનું રહસ્યભર્યું કુતૂહલ દૂર થાય છે.

મોટાભાગના વાલીઓ એમ માને છે કે તેમના બાળકો સેક્સ-પ્રવૃત્તિથી દૂર રહેશે. વાલીઓએ આ અંગે વાજબી વલણ રાખવું જોઈએ. સામાજિક મૂલ્યોનું મહત્ત્વ, પૂરતી જાણકારી, નાની ઉંમરમાં જોવા મળતા તેના માઠા પરિણામો વિષે બાળકોને સમજાવવું જોઈએ. આમ છતાં બાળકો આ દિશામાં પ્રવૃત્ત થઈ શકે છે. તેથી સલામતીના પગલાં અંગે તેઓને જાણકારી આપવી જરૂરી બની જાય છે. બિનજરૂરી સગર્ભાવસ્થા અને જાતિય રોગોના ચેપથી બચવાના ઉપાયો અંગે તેઓને જાણકારી આપો. વાલીઓ પોતાના બાળકોને આત્મ-સન્માન, મક્કમતા અને જવાબદારીના સંસ્કાર આપે તો બાળકો આ બાબતમાં ઉતાવળ કરવાથી દૂર રહેશે.

આપણાં સમાજમાં સેક્સ વિશે વાત કરવાથી લોકો દૂર રહે છે. આ અંગે વાત કરવામાં આપણને ઘણો સંકોચ રહે છે. કારણ કે આપણે ત્યાં પહેલેથી જ આ પ્રકારનું વલણ રહ્યું છે. આ વાતને સારી માનવામાં આવતી નથી. આપણા વિશે કે આપણાં બાળકો વિષે આ સંદર્ભમાં વિચાર કરવાનું આપણે પસંદ નથી કરતાં. પરંતુ હવે આ વલણમાંથી બહાર નીકળીને આપણે નિખાલસ બનવું જરૂરી છે. “મારા માટે આ વાત કહેવાનું મુશ્કેલ છે, મેં મારા માતાપિતા સાથે પણ આ અંગે ક્યારેય વાત નથી કરી. પરંતુ તારી સાથે હું આ વાત કરવા માંગુ છું. તેથી તું પણ નિઃસંકોચ જે પૂછવું હોય તે પૂછ.” એમ કહીને આપણે વાતની શરૂઆત કરી શકીએ છીએ.

આપણે આપણી લાગણીઓને છુપાવવાનો પ્રયાસ કર્યા વગર જે જરૂરી લાગે તે કરવું જોઈએ. આ બાબતથી દૂર રહેવાનો કોઈ પ્રયાસ ના કરવો. એક વાર સંવાદ ચાલુ થશે તો આગળ જતાં વાત કરવાનું ઘણું સરળ રહેશે. આ બાબત આહાર શિક્ષણ વગેરે જેટલી જ જરૂરી છે. તમે જો બધાં ખુલાસા ના કરી શકો તો બાળકને સેક્સ-કાઉન્સેલર પાસે લઈ જાઓ. આજના સમયમાં જ્યારે અનેક પ્રકારના ગુના બની રહ્યાં છે ત્યારે આપણે આપણાં બાળકોનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. તેમાં જાતીય શિક્ષણનો પણ સમાવેશ થઈ જાય છે.

સુનિલ ગોહિલ ‘માસ્તર’

Related posts
Our ColumnsShamim's Story

MY Son Terran - Chapter 7

Spread the loveMY Son Terran Chapter 7 Mom/dad and Justin’s family were coming over for…
Read more
Our Columnsસંબંધોનો સ્પર્શ

Things are never bad as they seem

Spread the loveदो अपरिचित व्यक्तियों का आपस…
Read more
Our Columnsગઝલગંગા

ખુદાને પ્યાર ક્યાં!

Spread the loveનજરને રાખે મુજ ઉપર તું એવો તો…
Read more

Leave a Reply

%d bloggers like this: