સનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

પ્રકરણ 7 – પૃથ્વીની ઉત્પતિ અને આદિપુરુષનો જન્મ

સનાતન ધર્મના ઇતિહાસમાં આપણે આગળ ત્રિદેવોના આયુર્બલ વિશે જાણ્યું. હવે સૃષ્ટિની ઉત્પતિ અને આદિપુરુષના જન્મ વિશે જાણીશું.

બ્રહ્માજીએ યુગ અને કાળની રચના સ્થૂળ, આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી તથા પર્વત, સમુદ્ર, વૃક્ષ અને કલા વગેરે તત્વોના શબ્દોથી કરી તથા શિવના ઉત્પત્તિ અને વિનાશના કાર્યનું ચિંતન કરીને સર્જનની અન્ય વસ્તુઓની રચના કરી. તેમની આંખોથી મરીચ, હદયથી ભૃગુ, માથાથી અંગિરા, કાનમાંથી મુનિશ્રેષ્ઠ પુલહ, ઉદાન નામના શ્વાસથી પુલસ્ત્ય, સમાન નામના શ્વાસથી વશિષ્ઠ, અપાન નામના શ્વાસથી કૃતુ, બંને કાનથી અત્રિ, પ્રાણથી દક્ષ અને પડછાયાથી કર્દમને ઉત્પન્ન કર્યા. બધી સાધનાઓના સાધન ધર્મનું પણ તેમણે તેમના સંકલ્પથી સર્જન કર્યું, તેમના સંકલ્પથી સર્જાયેલ ધર્મ તેમની આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરી સાધનામાં લાગી ગયાં. આ ઉપરાંત બ્રહ્માજીએ પોતાના શરીરના વિભિન્ન અંગોથી દેવતા તથા અસુરોના રૂપમાં અનેક પુત્રોની રચના કરી, તેમને વિભિન્ન શરીર પ્રદાન કર્યા. તદુપરાંત ભગવાન શિવની પ્રેરણાથી તેમણે પોતાના શરીરને બે ભાગમાં વિભાજિત કરી બે રૂપો ધારણ કર્યાં, તે અડધા શરીરથી નર અને અડધા શરીરથી નારી બન્યાં. નર એ પ્રખ્યાત સાધક આદિપુરુષ સ્વયંભૂ મનુ તરીકે જાણીતા છે તથા નારી શતરૂપા નામની તપસ્વિની તરીકે જાણીતા છે. મનુએ વૈવાહિક વિધિથી શતરૂપાને અપનાવી જાતીય સંભોગ દ્વારા વિશ્વની રચના શરૂ કરી. તેમને શતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે પુત્રો તથા આકૃતિ, દેવહુતિ અને પ્રસુતિ નામની ત્રણ પુત્રીઓ પ્રાપ્ત થઈ. તેમણે આકૃતિના ‘રુચિ ‘ મુનિ સાથે, દેવહુતિના ‘ કર્દમ ‘ મુનિ સાથે પ્રસુતિના ‘ દક્ષ પ્રજાપતિ’ સાથે વિવાહ કર્યા.

રુચિ અને આકૃતિના વૈવાહિક સંબંધથી યજ્ઞ અને દક્ષિણા નામના સ્ત્રી પુરુષની જોડ ઉત્પન્ન થઈ, યજ્ઞથી દક્ષિણાને બાર પુત્ર થયા. કર્દમ અને દેવહુતિએ ઘણી પુત્રીઓને જન્મ આપ્યો. દક્ષ અને પ્રસુતીને ચોવીસ કન્યાઓ થઈ એમાંથી તેર કન્યાઓના વિવાહ ધર્મ જોડે કરાવ્યાં. જે તેર કન્યાઓના નામ શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ , તૃષ્ટી,પૃષ્ટિ, મેધા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ, કીર્તિ છે બાકીની અગ્યાર કન્યાઓ ખ્યાતિ, સતી, સંભૂતી, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સંનતી , અનુસુયા, ઊર્જા , સ્વાહા અને સ્વધાના વિવાહ અનુક્રમે ભૃગુ, શિવ ,મરિચી, અંગિરા , પુલસ્ત્ય , પુલહ , ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ, તથા પિતર નામના ઋષિઓ અને દેવતાઓસાથે થયા. એમના સંતાનોથી ત્રિલોક ભરાઈ ગ્યું.

અંબિકાપતિ મહાદેવની આજ્ઞાથી ઘણા માણસો શ્રેષ્ઠ ઋષિઓના રૂપમાં ઉત્પન્ન થયાં. કલ્પભેદથી દક્ષને સાઠ કન્યાઓ થઈ,જેમાંથી દસ કન્યાના વિવાહ ધર્મ જોડે, સત્તાવીસ કન્યાના વિવાહ ચંદ્રમા જોડે અને તેર કન્યાના વિવાહ કશ્યપ ઋષિ જોડે થયાં તથા ચાર કન્યા અરિષ્ટનેમી જોડે પરણાવી, તદુપરાંત ભૃગુ, અંગિરા અને કુશાગ્ર સાથે બે- બે કન્યાઓના વિવાહ કર્યા. કશ્યપ ઋષિના સંતાનોથી સમગ્ર ત્રિલોક ભરાયેલું છે. દેવતા, ઋષિ, અસુર, વૃક્ષ, પક્ષી, પર્વત તથા ડાળીઓ વગેરે કશ્યપના પત્નીઓ દ્વારા જન્મેલા છે. આમ ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી.

સંદર્ભ : શિવ મહાપુરાણ (રુદ્ર સંહિતા ,અધ્યાય 16)

સંકલન – રાધિકા કાતડ, આદિત શાહ

Related posts
ગુજરાતી સાહિત્યસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

પ્રકરણ 5 - ત્રિદેવોના આયુર્બલ

આપણે અગાઉ ત્રિદેવોના ઉદ્ભવ વિશે…
Read more
સનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

પ્રકરણ 4 -તમોગુણના પરિચાયક મહાદેવજીનું પ્રાગટ્ય

બ્રહ્માજીના પ્રાગટ્ય બાદ પણ તેમન…
Read more
ધર્મ અને વિજ્ઞાનસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

પ્રકરણ 3 – સત્વગુણના પરિચાયક બ્રહ્માજીનું પ્રાગટ્ય

જય અંબે…આપણે અગાઉ મહાદેવજીના ઉદ્ભવ…
Read more

3 Comments

Leave a Reply

%d bloggers like this: