ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય દીકરા,

Hand is writing calligraphic letter starting with dear using old pen on yellow paper
Spread the love
પ્રિય દીકરા,
એ દરેક વખતે જ્યારે તને સૂતેલો માનીને અમે એકબીજા પ્રત્યેનો અણગમો અને ફરિયાદો મોટા અવાજે રજૂ કરવાની શરૂઆત કરી હશે, ત્યારે શક્ય છે કે તારી આંખો ભલે બંધ હોય, કદાચ તારા કાન ખુલ્લા રહી ગયા હશે.

 

તને વ્યક્તિગત રીતે આટલો બધો પ્રેમ કરનારા તારા મમ્મી-પપ્પા, એકબીજાને પ્રેમ કેમ નહીં કરી શક્યા હોય ? એવા સવાલો ચોક્કસ તને થયા હશે. મતભેદથી શરૂ થનારી યાત્રા ક્યારેક મનભેદ સુધી પહોંચી ગઈ હોય, એવું પણ બને.

 

ક્યારેક તારી કે તારા મિત્રોની હાજરીમાં કોઈ એક બાબત કે વિષય પ્રત્યેનો અમારો અભિપ્રાય તદ્દન ભિન્ન હોય, એવું પણ બન્યું હશે. અને એ હદ સુધી કે પોતાની વાત સાચી સાબિત કરવા માટે અમે ગંદી અને છીછરી દલીલો પર ઉતરી આવ્યા હોઈશું.

 

પોતાની સારપ સાબિત કરવા માટે ક્યારેક એકબીજાની નબળાઈઓને પ્રોજેક્ટ કરી હોય, એવું પણ બન્યું હશે. તને ખબર પડી જાય એ રીતે અમારી વચ્ચે ક્યારેક લાંબા સમય સુધી અબોલા રહ્યા હશે. ક્યારેક તારી મમ્મીએ ઘર છોડી દેવાની ધમકી આપી હશે તો ક્યારેક મેં ડિવોર્સની.

 

અમારી વચ્ચે થયેલા એ દરેક અણબનાવ માટે આજે તારી માફી માંગવી છે. પણ સાથે તને એ પણ કહેવું છે કે અમે તારા કારણે જ જોડાયેલા છીએ અને માટે, ક્યારેય છૂટા નહીં પડીએ. એકબીજાની સાથે રહેવા માટે તું અમારું સહિયારું અને સંયુક્ત નિમિત્ત છે. સતત સાથે રહેવાને કારણે અમે એકબીજાની એટલી ઝંખના ન કરતા હોઈએ એવું બને, પણ એનો અર્થ એ નથી બેટા કે તારા મમ્મી-પપ્પા એકબીજાને પ્રેમ નથી કરતા.

 

એકબીજાને અનેકવાર છૂટા પડવાની ધમકીઓ આપ્યા પછી પણ હજુ સુધી છૂટા નથી પડી શક્યા, એ જ બતાવે છે કે અમારી વચ્ચે કોઈ એવું ફેવિકોલ છે જે અમને જોડી રાખે છે. અને એ ફેવિકોલ તું છે. અમારું લગ્નજીવન સફળ બનાવવાનો સૌથી મોટો શ્રેય તને જાય છે. તારી ચિંતાઓ, તારું ભણતર, તારા લગ્ન વિશેની વાતો અમને કારણ આપે છે એકબીજા સાથે સમય પસાર કરવાનો.

 

એવું બની શકે બેટા કે લગ્ન પછીની જવાબદારીઓમાં અમારો પ્રેમ ક્યાંક લાપતા થયો હોય. એ વારંવાર ખોવાઈ જાય છે, ખલાસ નથી થતો. અને તારી હાજરીને કારણે જ એ પાછો મળી જાય છે.

 

અમે બંને જાણીએ છીએ કે ગમે તેટલું ઝગડી લઈએ, અંતે અમે એકબીજા વગર નથી રહી શકવાના. સતત સાથે રહેવાના કારણે એકબીજા પ્રત્યે થોડો અભાવ આવ્યો હોય એવું બને પણ લગાવ તો કાયમ રહેવાનો જ છે. તું ચિંતા નહીં કર, તારા ઘરનું સરનામું કાયમ એક જ રહેશે.

 

-ડૉ. નિમિત્ત ઓઝા 

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પુત્રવધૂ

Spread the love“મમ્મી, મારુ દૂધ તૈયાર રાખ ને…
Read more
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

ચંચળ મન

Spread the love રાહી સ્વભાવે એકદમ નિખાલસ છોકરી.
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

બહાનાઓની સૂચિ કે અસફળતા ?

Spread the loveઆપણે સૌ જાણીએ છીએ તેમ આજની યુવા…
Read more

Leave a Reply

%d bloggers like this: