શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?
-રમેશ પારેખ
એને ઇમોજી ગમે અને મને ઇમોશન..એને ક્રિયા ગમે અને મને પ્રક્રિયા, એને સંકેત ગમે અને મને શબ્દ, એને સાથ ગમે અને મને સંવાદ. ફેબ્રુઆરી મહિનો પૂર જોશમાં છે 7 તારોખથી Days શરુ થશે….રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી ચાલતો એક પ્રેમનો પર્વ.
બે પાત્રો અને તેમાં છુપાયેલી અસંખ્ય સંવેદનાઓ. બહુ બધા કપલ્સ સાથે વાત..બે આંખો મળે અને સંબંધને પાંખો ફુટે…અંકુરીત થતો સંબંધ મધમીઠો લાગે અને આગળ જતાં એના મુળિયા વાગે. આંખોમાં આશા, ઉન્માદ અને હેતની જગ્યાએ રાતાશ અને લાલાશ જોવા મળે. પાન પીળુ થાય, સુર્ય લાલ થાય અને સંબંધ રાતો થવા લાગે તેમાં શંકાની વાતો થવા લાગે ત્યારે સમજવું કે અંત નક્કી છે.
ગરિમા નામની યુવતી ખુબ સરળ સ્વભાવની એક ઉગતી લેખક.. એને લખવું ગમે…અભિવ્યક્ત થવુ ગમે..બીજા સાથે વાતો શેર કરીને એને મજા આવે..લોકો સાથે રહીને એને એક ઉર્જા આવે..એની આંખોમાં એક ચમક હોય કાયમ માટે..ગરિમાને પ્રેમ થયો માધવ સાથે માધવ એટલે ઉભયમુખી જીવ.એને શેર કરવુ ઓછુ અને શાંત રહેવુ વધારે ગમે..એને લોકોને સાંભળવા અને માણવા વધુ ગમે..બન્નેનૂં ટયુનીંગ લગભગ બરાબર ચાલતુ પણ ઘણી વખત ગરિમા એક્લુ અને અતડુ ફીલ કરતી, એને હમેંશા રાહ હોતી માધવના પ્રતિભાવની, પણ માધવ એના સ્વભાવ મુજબ કોઇ નાની એવી ક્યારેક પ્રતિક્રિયા આપતો અને ક્યારેક ભુલી જતો..ક્યારેક એને જરુરી જ ન લાગતુ.
ઘણો સમય પસાર થઈ ગયો એ પછી, ગરિમા અને માધવ એ જાણે એક સમજોતો કરી લીધો કે એકબીજાની અભિવ્યક્તિની કોઇ જરુર નથી, પ્રતિસાદ કે પ્રતિઉતર કે પ્રતિક્રિયાના અભાવમાં પણ સ્વભાવ શાંત રાખીશું.. ઘણા બધા પ્રયાસો અને એકમેકની અંગત સમજદારીથી આ કામ પાર પડયુ ઘણી વાર એવુ બનતુ કે માધવને શાંત રહેવુ હોય અને ગરિમાને વાત કરવી હોય, એકને અભિભુત થવુ હોય અને બીજાને અભિપ્રેત થવુ હોય…ક્યારેક ગુસ્સે થઈ જવાય તો ક્યારેક રડી પડાઈ, ક્યારેક સાથ છોડી દેવા સુધીનો પણ વિચાર આવે અને ક્યારેક એના વગર જીવનની કલ્પના સુધ્ધા ન થાય.. આઆખી પરિસ્થિતિમાં બન્ને એકબીજાને સંભાળી લેતા, ગુસ્સો ખમી જતા, ક્યારેક નમી જતા અને આમ કેટલાય વેલેન્ટાઈન નીકળી જતા હોય છે.
સ્ત્રી અને પુરુષની રચના જ નોખી છે એક છલકાવુ અને એકને મનમાં મલકાવું.. એકને પ્રારબ્ધ ગમે અને એકને વાત્સલ્ય.. એકને પ્રતિમા – પ્રતિભા વ્હાલી અને એકને ઉષ્મા અને ગરિમા.. એક્ની આંખો જલ્દી લાલ થઈ જાય અને એકની જલ્દી ભીની..બન્ને સાથે છે પણ ઘણી વિભિન્ન્તાઓ સાથે.. જે દંપતિઓ આ વાતને ધીરે ધીરે સમજી લે છે એને માટે કાયમ પ્રેમનો જ દિવસ હોય છે.
તારીખ યાદ ન રાખી શક્તો પુરુષ તમારા ચહેરા પર શેનાથી સ્માઈલ આવે એ તો યાદ રાખી જ લેતો હોય છે.. પોતાના શરીરને મરોડ આપીને સાચવણી કરવાનું ભુલી જતી સ્ત્રી ઘરના ખુણે ખુણાને પોતાના મમત્વથી બાંધીને રાખવુનું ચુકતી નથી. સ્ત્રી અને પુરુષ જુદા છે એટલે જ આક્રર્ષક છે અને મજા પણ એમાં જ છે.
આપને આ પ્રેમનો મહિનો ફળે એવી શુભકામનાઓ
– હિરલ મહેશભાઈ જગડ ‘હીર’