હીનલ એનું નામ, કુલ છ બહેનો અને એક ભાઈની વચ્ચે ઉછરેલી હીનલ સૌથી નાની અને સૌની લાડલી હતી. ધીરેનભાઈને ઘરે સાત સંતાનોમાં છ દીકરી અને એક દીકરો હતો તો પણ ક્યારેય દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો નહોતો. જે વસ્તુ એક ના એક દીકરા માટે લાવતા એ જ વસ્તુ દીકરીઓ માટે પણ લાવતા.
ધીમે ધીમે સમય અને સમાજના નિયમો ને અનુસરીને એક-એક દીકરીને પરણાવતા ગયા. છેલ્લે દીકરો અને દીકરી હીનલની લગ્નવિધિ સંપન્ન કરી નિરાંતનો શ્વાસ લીધો.
હીનલને ભગવાનની દયાથી સમૃદ્ધ ઘર અને સારો પતિ મળ્યો હતો. લગ્નના પાંચ વર્ષો બાદ હીનલને ત્યાં દીકરીનો જન્મ થયો, સાસુને હરખ થવાને બદલે એટલું જ બોલ્યા કે બહેનો ઓછી હોય એમ તારે ત્યાં પણ દીકરી આવી, હીનલે સાસુની આ વાત મજાકમાં લઈ લીધી.
વર્ષનું પિયર આણું પૂરું કરી હીનલ સસરાને ઘેર આવી, દીકરી પ્રિયા હીનલ જેવી જ નમણી, રૂપરૂપનો અંબાર, અણીદાર આંખો, ગોળ અને પ્રતિભાશાળી ચહેરો અને વળી એની સુંદરતામાં વધારો કરતી તેની મીઠુંડી વાણી ધરાવતી હતી.
દીકરી પ્રિયા સાથે હીનલ ઘણીવાર કાલીઘેલી ભાષામાં શિખામણો આપતી, આ સાંભળી સાસુ ચિડાઈ જતા અને કહેતા એને પારકે ઘેર મોકલવાની છે, માથે ચડાવીને રાખશો તો સાસરે નહીં ટકે, હીનલ મજાકમાં કહેતી બા:” તમે ચિંતા નહીં કરો, અત્યારે પ્રિયા ખૂબ નાની છે, સમજતી થશે ત્યારે તેને પોતાની જવાબદારીઓ આપોઆપ સમજાઈ જશે તમે નાહકની ચિંતા કરો છો.
સાસુ મોં બગાડીને ત્યાંથી ચાલ્યા જતા, હીનલને ઘણીવાર સાસુના આવા વર્તનથી દુઃખ થતું, પરંતુ ક્યારેય પોતાના પતિને ફરિયાદ ના કરતી, એને ડર લાગતો કે ક્યાંક પોતાની ફરિયાદને લીધે ઘરમાં કોઈ ઝગડો ના થાય.
હીનલ એક જ સંતાન ઇચ્છતી હતી, પરંતુ સાસુ કહેતા કે હવે પ્રિયા ત્રણ વર્ષની થઈ ગઇ છે, એક સંતાને ઝીંદગીના જાય, બીજું સંતાન તો જોઈએ જ, અને તને ક્યાં કોઈ બીમારી છે કે બીજું સંતાન ના થાય? સાસુના આવા કારણવીહોણા દબાવની વચ્ચે હીનલે બીજા સંતાનનો વિચાર કર્યો કે જે આવે તે પરિવારની ખુશી માટે પોતે બીજા સંતાનને જન્મ આપશે.
હીનલને થોડા જ મહિનામાં બીજો ગર્ભ રહ્યો, દીકરો જન્મશે એ મોહથી સાસુ હીનલને ખૂબ સારી રીતે સાચવવા લાગ્યા, માનભાવતું ભોજન બનાવી દે, પ્રિયાને જગાડી તેને નવડાવી નાસ્તો કરાવી લે, એમ કહું તો પણ ખોટું નથી કે હીનલ સામે તેની જનેતા અને સાસુને ઉભા રાખ્યા હોય તો હીનલ સાસુને પ્રથમ ક્રમ આપે.
હીનલને ગર્ભ રહ્યાના ત્રણ માસ પૂર્ણ થયા,પતિ જ્યાં નોકરી કરતો તે કંપનીએ અમેરિકા સેમિનાર માટે અંદાજીત દસેક દિવસના સમયગાળા માટે મોકલ્યો, હીનલની ગર્ભાવસ્થા વચ્ચે અમેરિકા જવું પતિને પણ દુઃખદ લાગતું હતું, છતાં પોતાના પરિવાર ના ભરોસે હીનલને છોડી આખરે વિદાય લઈને વિદેશ ગયો.
હીનલને તારીખ મુજબ ડૉક્ટર પાસે રેગ્યુલર તાપસ માટે જવાનું થયું, સાસુએ સાથે જવાની તૈયારી બતાવી, ઘરની તિજોરીની ચાવી સાસુ પાસે હતી, તેજોરીમાંથી કડકડતી બે હજારની દસ નોટ પાકિટમાં સાથે લીધી.
હીનલ અને તેના સાસુ દવાખાને પહોંચ્યા, ડૉક્ટરે રેગ્યુલર તપાસ કરીને હીનલને ઇન્જેક્શન આપ્યું, હીનલ હજુ તપાસરૂમની અંદર જ હતી, સાસુએ પેલી પાકિટમાં મુકેલી કડકડાટ નોટો કાઢી અને ડૉક્ટર ને કહ્યું આ લક્ષ્મી તમને આપું છું કારણ કે મારે બીજી લક્ષ્મી નથી જોઈતી.
ડૉક્ટર સમજી ગઈ, તેણે હીનલને તપાસરૂમમાં જ રહેવાની વાત કરી, ડૉક્ટરે હીનલનો અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કર્યો એટલે ડૉક્ટર જાણી ગયા કે હીનલના ગર્ભમાં ઉછરી રહેલુ સંતાન દીકરીનું સ્વરૂપ છે, એટલે નિર્જીવ લક્ષ્મીની લાલચમાં બીજી સજીવ લક્ષ્મીની વિરુદ્ધમાં બોલ્યા કે બાળકનો વિકાસ અટકી ગયો છે, હું સલાહ આપું છું કે એબોર્શનનો વિકલ્પ અપનાવવો જોઈએ.
એક રૂમમાં જઈ અમુક કાગળ પર સાસુની સહી કરાવી, અને આ વાતની ગુપ્તતા હંમેશને માટે જળવાઈ રહે તેવી તાકીદ કરી. આખરે સંપૂર્ણરીતે વિકાસ પામતા સંતાનને સાસુ અને ડોક્ટરની મદદથી મૃત્યુની ભેટ મળી.
આ વાતથી હીનલ તદ્દન અજાણ હતી, મનોમન ભગવાનને કહેતી કે હે! પ્રભુ, તે મને મારા ક્યાં પાપનું પરિણામ આપ્યું કે આટલું ધ્યાન રાખવા છતાંયે મારા બાળકને હું ઉજેરી ના શકી! અસહ્ય હૃદયની વેદના સાથે હીનલ કલાકો સુધી તડપતી રહી, પતિને શું જવાબ આપશે એ વાત હીનલ વિચારી પણ નહોતી શકતી.
એક દિવસના રોકાણ બાદ હીનલ ઘરે આવી, સાસુ પોતાનો સ્વભાવ બતાવવા લાગ્યા, પતિ સાથે વાત કરતા હીનલ હિબકે હિબકે એ શબ્દો સાથે રડી પડી કે હું આપણા બાળકને જીવન ના આપી શકી મને માફ કરજો, પતિને પણ આ વાત સાંભળી ઘણું દુઃખ થયું, છતાંયે પતિના થોડા સાંત્વનાભર્યા શબ્દોએ હીનલને હિંમત આપી.
થોડા દિવસો બાદ પાડોશીને ત્યાં દીકરાનો જન્મ થયો, સાસુ ત્યાં જઈને તેની ઉંમરનાં બૈરાઓ સાથે વાત કરતા હતા કે, અમારી વહુને પણ સારા દિવસો હતા, પરંતુ જોવડાવ્યું તો દીકરી હતી, પેલે ખોળે એક તો દીકરી છે, બીજી દીકરી આવે એ પહેલાં જ મેં તો ડૉકટરને કહ્યું આ લક્ષ્મી લઈ લો, મારે બીજી લક્ષ્મી નથી જોઈતી, એટલે ડૉકટરે હીનલને કહ્યું બાળકનો વિકાસ અટકી ગયો છે, એટલે હીનલ પણ ગર્ભપાત કરાવવામાં માની ગઈ.
ત્યાં એક મોટી ઉંમરના બેન બોલ્યા સારું થયું, ઘરમાં એક દીકરો અને એક દીકરી હોય એટલે ઘણું, અને બીજી સુવાવડ કરવી જ હોય તો દીકરા માટે કરાય દીકરી માટે નહીં.
હીનલ પાછળથી આ શબ્દો સાંભળી રહી હતી, જાણે પગ નીચેની જમીને હીનલને ધરતીમાં સમાઈ જવા જગ્યા કરી દીધી હોય એવું અનુભવ્યું, ચોધાર આંસુ સાથે હિબકે-હિબકે હીનલ રડી પડી, હીનલનો અવાજ સાસુએ સાંભળ્યો ત્યાં હીનલ દોટ મૂકીને પોતાની પ્રિયાને લઈને દરવાજો બંધ કરી દીધો,
સાસુ સફાળી બેઠી થઈ ‘ને ઘર તરફ ડગલાં ભરવા લાગી, દરવાજો ખખડાવ્યો પણ અંદરથી એટલો જ જવાબ આવ્યો, બા, “તમારે ખોળે બે દીકરીઓ છે, અમેરિકા છે અને એને ઘેરે પણ બે-બે દીકરીઓ છે તો મારી બીજી દીકરી જે ગર્ભમાંથી બહાર પણ નહોતી આવી એની સાથે મારી જાણ બહાર આવું વર્તન કરતા તમને શરમ ના આવી?”
સાસુએ વાત ઠારવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હીનલે સાંભળેલી તમામ વાત સાસુને કરી, અંતે સાસુએ પરિવાર સમક્ષ પોતાનું અક્ષમ્ય કૃત્યનું સત્ય સ્વીકાર્યું, સસરા અને પતિએ આદેશ કર્યો, સાસુને ઘરની બહાર કાઢી વૃદ્ધાશ્રમ માં મુકી આવો, પોતાનાઓનું સારું ના ઈચ્છે એને પોતાના કેમ માનવા? પ્રિયા પરિવારની આ વાતો સાંભળી રહી હતી, પરંતુ પોતે અણસમજ હતી,
કપડાનો થેલો તૈયાર કરીને સસરા વૃદ્ધાશ્રમમાં મુકવા જાય એ પહેલાં હીનલની નાનકડી પ્રિયાએ દાદાનો હાથ પકડાતા કહ્યું કે, દાદા બા ને ક્યાંય નથી મુકવા જવા, મમ્મીએ શીખવ્યું છે કે દરેક માણસથી ભૂલ થાય તમે મારી ભૂલ થઈ હોય તો કેમ માફ કરો છો? તેમ બા ને પણ માફ કરી દો, બાથી કોઈ નાનીમોટી ભૂલ થઈ ગઈ હશે, પરંતુ બા મારુ ખુબજ ધ્યાન રાખે છે, મને જગાડી તૈયાર કરી સ્કૂલે મોકલે છે, પ્રેમથી જમાડે છે, દાદા તમે બા ને કેમ કોઈના ઘરે મુકવા જાવ છો? હું બા ને ક્યાંય નહીં જવા દઉં!
સાસુ આટલું જ સાંભળી રડી પડ્યા, જાણે પોતાના કરેલા કૃત્ય સામે પોતે જ નજર નહોતા ઉઠાવી શકતા, સાસુ પ્રિયાના માથા પર હાથ મૂકીને વ્હાલ કરતા બોલ્યા કે બેટા!,” તે આજે મારી આંખો ખોલી છે, આજથી મારો દીકરો પણ તું અને દીકરી પણ તું, આજથી ઘરની તમામ જવાબદારી હીનલને સોંપીને હવેનું જીવન ભગવાનની પાસે મારી ભૂલની માફી માંગી ભક્તિમય જીવન પસાર કરીશ, હીનલ સામે બે હાથ જોડ્યા પણ હીનલ તરફ દૃષ્ટિના કરી શક્યા,
કદાચ સાસુનું આ કૃત્ય હીનલ જીવનભર નહીં ભૂલી શકે એ વાત હીનલના ચહેરા પર સ્પષ્ટ ઉભરી આવતી હતી……A+
આ આપણા સમાજની વાસ્તવિકતા છે, અને દીકરો પ્રાપ્ત કરવાની હોડમાં ખબર નહીં દરરોજ કેટલીયે ગર્ભસ્થ દીકરીઓની બલી ચડતી હશે?,
દીકરી હશે તો એ એનું ભાગ્ય લઈને આવશે, અને દીકરો હશે તો એ એનું. ભગવાનની ઈચ્છા મુજબ સ્વીકાર કરીશું તો કોઈ તકલીફ નથી, પરંતુ જ્યારે-જ્યારે આપણી અપેક્ષાઓ વધશે ત્યારે કેટલાયે ધબકતા હૃદયનો ધબકાર બંધ થઈ જશે. શું ફેર પડશે સંતાનમાં એક ને બદલે બે દીકરીઓ હશે તો?
Ankita Mulani
Rich Thinker