ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

14 ફેબ્રુઆરી… વેલેન્ટાઈન્સ ડે…

આમ જુઓ તો આ દિવસ એટલે મારા માટે માર ખાવાનો દિવસ. એમાંય આ વખતે તો છુટ્ટી ધમકી મળી છે કે આર્ટિકલમાં જરા પણ લવરિયાવેડા વાળી લવારી કરી છે ને તો કંઈક છૂટટુ આવશે, ધડામ કરતું.

એટલે આ લેખ હવે માર્મિક બની રહે એની પુરી તકેદારી રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ તો એવું થયું કે…

પ્રેમની વાત કરવાની પણ પાગલપન વગર…
ન સૂંઘવાની શરતે ગુલાબ હાથમાં લેવાનું…
ન પીવાની શરતે જામ છલકાવવાના…
આંસુ ન વહેવાની શરતે રડવાનું…

એને યાદ નહિ કરવાની એને ભૂલ્યા વિના…

છે ને અઘરું?
પ્રેમ આમ પણ ક્યાં સરળ હોય છે? ને સરળ હોત તો આપણે હાથમાં લીધો જ ના હોત.

જો પાછી લવરિયા-લવારી ચાલુ થઈ ગઈ.

પણ આજે હું વાત કરવાનો છું વેલેન્ટાઈન્સ ડે પર ઊગી નીકળતી સીઝનલ પ્રજાતિઓની.

એમાં એક છે નવા નવા લવરિયા પ્રજાતિ, પ્રેમી પંખીડા, લેલા-મજનું. જો કે એમાં કઈ ખોટું પણ નથી. એમનો તો દિવસ છે આ. એટલે એમને આજે બક્ષી દેવામાં આવશે.

બીજી એક એવી પ્રજાતિ છે જે ખાસ આ વિક પૂરતી ઝંડા લઈને આવી જાય છે. એન્ટી વેલેન્ટાઈન્સ પ્રજાતિ. આમ તો પ્રેમમાં કઈ ખોટું છે જ નહીં પણ આ લોકો વિરોધ કરવા માટે એવા તિકડમ લઈને આવી જાય કે પ્રેમ એ કંઈ એક દિવસનો મોહતાજ નથી. એવા લોકોને જ મારે ખાસ કહેવાનું કે વેલેન્ટાઈન્સ ડે એ પ્રેમમાં પડવાનો કે પ્રેમ કરવાનો દિવસ નથી. એ તો છે પ્રેમને ઉજવવાનો દિવસ. ને પ્રેમ જેવી પવિત્ર ભાવના ઉજવાય એમાં તમારી લાગણી કેમ દુભાય જાય છે? એનો અર્થ એમ નથી કે એક દિવસ પછી પ્રેમ મરી જવાનો છે. આખી માનવજાત ઉત્સવ-પ્રિય પ્રજાતિ છે. કોઈને કોઈ રીતે દરેક અવસરો ઉજવાય જ છે એમ પ્રેમ પણ ઉજવાય તો ખોટું શું છે? સેમ ફોર્મ્યુલા તમે રક્ષાબંધન, દિવાળી કે હોળીમાં તો વાપરતા નથી. સીધી વાત છે. બહેન પ્રત્યે ગમે તેટલું વ્હાલ હોય દરરોજ રાખડી બંધાવવા તો ના જવાય ને? પણ રક્ષાબન્ધનના દિવસે એ વ્હાલને ઉજવી લેવાનું હોય. એમ જ પ્રેમ આખી જિંદગી કરવાનો જ છે પણ ઉજવવા માટે આ દિવસ છે તો એમાં ગુલાબી રૂમાલ ઉડાવોને! શા માટે કાળા વાવટા લઈને આવી જાઓ છો?

બીજી એક એવી પ્રજાતિ છે જેમને વેલેન્ટાઈન્સ ડે સાથે કઈ લેવા દેવા હોતા નથી. એટલે એમને આ બધું વ્યર્થ લાગે છે. વેલેન્ટાઈન વિકમાં ઉજવાતા દિવસો જેવા કે રોઝ ડે, ચોકલેટ ડે આ બધા દિવસો એમને મન વેવલાવેડા જેવા હોય છે. એમના વાહિયાત તર્ક એવા હોય છે કે ગુલાબ આપી દેવાથી કે ચોકલેટ આપી દેવાથી પ્રેમ સાબિત નથી થતો. કબૂલ. આ બધા વેવલાવેડાથી પ્રેમ સાબિત નથી થતો. પણ જેમનો પ્રેમ સાબિત થઇ ગયો છે એ લોકો એકબીજાને ગુલાબ કે ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરે તો વાંધો શુ છે?
એમ તો શ્રીફળ વધેરવાથી ભક્તિ કે દીવો, કેન્ડલ પ્રગટાવવાથી શ્રદ્ધા પણ સાબિત નથી જ થતી. તેમ છતાં આ બધું એક પ્રતીકાત્મક રીતે સ્વીકારવામાં આવ્યું જ છે ને! તો પ્રેમમાં ફૂલ કે ચોકલેટ આપવામાં ખોટું શું છે? અને આમ પણ એક ફૂલ કે ચોકલેટ આપવાથી આખી જિંદગીના પ્રેમના દાવાઓ પર વિશ્વાસ કરી લે એટલી મુર્ખ નથી આજની જનરેશન. પણ આ બધું ઉજવણીના એક ભાગ રૂપે અને જે મતલબથી ઉજવવામાં આવે છે સમજો. અને ખાસ વાત તો એ કે જો તમે આને વેવલાવેડા માનતા હો તો આવા વેવલાવેડા તો પ્રેમમાં અનિવાર્ય છે. પ્રેમ એ કઈ બહુ બુદ્ધિજીવી વચ્ચે થતો વ્યવહાર નથી. એ તો પાગલપનની ઈંટ પર ચણાતી ઈમારત છે. પાગલપન એ પ્રેમની પૂર્વ શરત છે.

જો તમે રોઝ ડે પર અપાતા ગુલાબની કીમત ૧૦,૨૦ રૂપિયા ગણતા હોવ તો નક્કી એ ગુલાબ આપવું નિરર્થક છે. પણ જયારે એ ગુલાબમાં વર્ષોનો ઇન્તજાર, કંઇક કહેવાનો અવઢવ, “ના” આવવાનો ડર આ બધી લાગણીઓ ભળે ત્યારે એ ગુલાબની કિંમત અનમોલ થઈ જાય છે. અત્યારે ગુલાબ કદાચ થોડું અપ્રસ્તુત લાગે પણ જયારે ગુલાબ આપવા કે લેવાનો જમાનો હતો ત્યારે ગુલાબ પ્રેમના અધિકૃત ફૂલ તરીકે નિમણુક પામેલું હતું. ક્યાંક એ ગુલાબ એક ફૂલ નહી આખા પત્રની ગરજ સારતું. એક શેરથી આ વાતને સમર્થન આપું છું.

યુ મેરે ખત કા જવાબ આયા.
લિફાફે મેં એક ગુલાબ આયા.
– Nusrat Badr, Ali-ghani

બીજું પણ એક ગીત યાદ આવે છે…
ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહિ મેરા દિલ હૈ…

જ્યારે એની હા આવશે કે ના આવશે એ બાબત પર દિલ દિમાગ ઝગડી પડે ત્યારે એનો ફેંસલો પણ ગુલાબની પાંખડીઓ તોડીને કરવામાં આવતો.
કોઈને ફૂલ આપવા કે લેવાથી પ્રેમ ત્યાં જ પૂરો થઈ નથી જતો પણ ત્યાંથી તો શરુ થાય છે. લોકો વર્ષો સુધી એ પહેલા ફૂલને સાચવી રાખે એવું ય બને. અને વર્ષો પછી જયારે કોઈ ખાના, કપડા કે કિતાબમાંથી એ ફૂલ મળી આવે ત્યારે માણસ એકસામટા કેટલાય વર્ષો ઉતરીને ભૂતકાળમાં સરી જાય એવું ય બને. કોઈને આપેલું કે લીધેલું ફૂલ જીવનભરનું સંભારણું બની જાય એવું ય બને. એટલે તો રમેશ પારેખ સાહેબ કહે છે કે,

ધીમે ધીમે ઢાળ ઊતરતી
ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાંનું યાદ
-રમેશ પારેખ

એક નાનકડા ગુલાબ સાથે જો આટલી બધી યાદો જોડાઈ શકતી હોય તો એના માટે એક દિવસની ઉજવણી તો બનતી હૈ બોસ.
જો આ બધી લાગણીઓના સક્ષીભાવે કોઈને ગુલાબ કે ચોકલેટ આપવાના હો તો એ ખોટું નથી. અને ક્યારેક ગુલાબ આપવા જતા ગુલકંદ નીકળી જાય એવું ય બને.(સેન્ડલની હિલની ઉંચાઈ માપીને ગુલાબ આપવાની હિમ્મત કરવી…(અંગત અનુભવ પરથી.))

અને આ દિવસ પ્રેમના આટલા મોટા પ્રેમ-પર્વ તરીકે શું કામ ઉજવાય છે એ કથા પણ જાણવી જ રહી.
૧૪ ફેબ્રુઆરી એ સંત વેલેન્ટાઈનનો શહીદી દિવસ છે.
સંત વેલેન્ટાઈન એક કેથલિક પ્રીસ્ટ હતા. અને વ્યવસાયે ડોક્ટર પણ હતા. એમના શહીદી દિવસને પ્રેમ પર્વ તરીકે ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે એમણે પ્રેમમાં પડેલા યુગલોને પરણાવ્યા હતા. એવું થયું હતું કે એ વખતના રોમના રાજા ક્લોડીયસ -૨ એ યુવાનોના લગ્ન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એને ઘણા બધા યુવાનોને સૈન્યમાં ભરતી કરવા હતા. પણ લગ્ન એમાં બાધક બનતા હતા એટલે એણે એના સૈનિકોના લગ્ન પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

જયારે રાજાને ખબર પડી કે વેલેન્ટાઈન લોકોને પરણાવી રહ્યા છે એટલે એણે વેલેન્ટાઈન ને જેલમાં ધકેલી દીધા. વેલેન્ટાઈનએ જેલમાં પણ પ્રેમથી લોકોને મળવાનું ચાલુ રાખ્યું. એમના સારા વ્યવહારથી પ્રભાવિત થઈને એના જેલરે એમને પોતાની અંધ દીકરી જુલીયાને અભ્યાસમાં મદદ કરવાનું કહ્યું હતું. વેલેન્ટાઈન એમને ઘણું શીખવાડતા અને જુલિયાના સારા મિત્ર પણ બની ગયા હતા. કહેવાય છે કે એમણે પોતાના ચમત્કારથી જુલીયાને દેખતી કરી દીધી હતી. એમને જયારે મૃત્યુદંડ આપવામાં આવ્યો ત્યારે એમને જુલીયાને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમે એમણે “ફ્રોમ યોર વેલેન્ટીન” એવી રીતે સંબોધન કર્યું હતું. કહેવાય છે કે ત્યારથી પ્રેમીઓને વેલેન્ટાઈન નોટ લખવાની પ્રથા શરુ થઈ છે.

આમ તો આમાં પણ ઘણા લવરીયાવેડા થી ગયા છે. એટલે ક્યાંકથી કંઇક છુટ્ટું તો આવશે જ.
હેપ્પી વેલેન્ટીન ડે.

-હાર્દિક મકવાણા “હાર્દ”

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શનવાર્તા અને લેખ

નાક છે?

“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડત…
Read more
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

See, the problem is real

આ ચોથો કે પાંચમો ડ્રાફ્ટ છે. ક્યારનો…
Read more
ગુજરાતી સાહિત્ય

ફોટોગ્રાફ

આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો…
Read more

Leave a Reply

%d bloggers like this: