ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પત્ર દ્વારિકાધીશને….

પત્ર દ્વારિકાધીશને….
સોનાની દ્વારિકાના અધિપતિ અને મારા હૃદય મહેલના માલિક શ્રી દ્વારકાધીશને એમની જન્મોજન્મ સુધી તારી જ રાહમાં ભટકનાર આંગતુક એવી રાધિકાના પ્રણામ. લાગણીની શ્યાહીમાં કલમ ડુબાડીને પત્ર લખીને પૂછવાનું મન થાય કે મહેલોનો રાજા કુશળ હશે ! ઘણો સમય થયો તું અમને છોડીને ગયો વ્હાલા. તારા નંદબાબા અને તારી યશોદામૈયા તને ખૂબ જ યાદ કરે છે. તારા મિત્રો, સખાઓ,અને ગોપીઓ તારી રાહ જોવે છે કે ક્યારે મારો કાનો આવશે ? તારી ગાવડીઓ તો તારા વિના સરખું દૂધ પણ નથી વહાવતી. હે કાના ! તારી વાંસળીના સુર વિના ગોકુળિયું ગામ સાવ સૂનું લાગે છે. માખણ પણ મટકીમાં પડ્યા પડ્યા સુકાઈ ગયા. તારા કોમળ ચરણોનો સ્પર્શ થયા વિનાની આ માટી પણ હવે રણ જેવી લાગે છે.યમુનાના ખળખળ વહેતા નીરનો અવાજ પણ હવે કર્કશ લાગે છે.એક વાર તો અહીં આવીને જો. તારા વિના ગોકુળિયું ગામ આખું ય નિશ્ચેતન બનીને રહી ગયું છે.જિંદગી સાવ વેરણ બની ગઈ છે.પ્રેમ અને લાગણીની માયા લગાવીને મારા મન મંદિરનો ભગવાન મહેલોના કારભારમાં કેવો અટવાયો કે તું તારા ગોકુળ અને વૃંદાવનને ભૂલી ગયો ? તારા વિનાના દરેક દિવસ,વાર, તહેવાર અધૂરા છે વ્હાલા. એક વાર તો આવ અહીં અમને દર્શન આપવા.જો તારે જવું જ હતું તો તે અમને આટલી બધી માયા શું કામ લગાવી ? તને ખબર જ હતી કે તું અમારી સાથે વધુ સમય નથી રહેવાનો તો તારી લીલાઓ અમને બતાવીને તે અમને ઘેલા શું કામ કર્યા ? તને ખબર છે ? તારી રાધા તારા દર્શન માટે પાગલ થઈ છે અને તારી રાહમાં મારી આંખોની પાંપણ પલકારો કરવાનું પણ ભૂલી ગઈ છે.હે કેશવ ! તમને ખબર જ હતી કે પ્રેમ અમારા નસીબમાં નથી તો પછી આટલી બધી મોહ, માયા લગાડવાનો શો અર્થ ?  મારો શું વાંક ? કે મારો શું ગુનો ? મેં તો મારું આખું જીવન  જ  કેશવને  સમર્પિત કરી દીધું છે. પણ  હે દ્વારકાધીશ ! આજે મારે તમને પૂછવું છે કે મને ક્યાં જન્મની સજા મળી કે મને કેશવના ચરણોમાં સ્થાન ન મળ્યું ? અમારા હૃદય મહેલના રાજા હે વ્હાલા ! કલ્યાણના કાર્યમાંથી થોડો સમય કાઢીને મારા સવાલનો જવાબ આપશો એવી આશા સાથે હું મારી ફરિયાદ પૂરી કરું છું. મહેલોના રાજાને કઈ કેવાય ગયું હોય તો અમને માફ કરજો બાકી ગોકુળના કનૈયાને જરાય ખોટું નહી લાગે.
લી. તારી જન્મો જનમની પ્રીતની બંધાણી તારી અને માત્ર તારી રાધા.
લી.તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘
                   જય દ્વારકાધીશ….

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: