ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સબળા”ને “અબળા” સમજે તે “નબળા”

આ લેખનું શીર્ષક જો બંધબેસતું ન જણાય તો વાંચક પૂર્વગ્રહ પીડીત છે અથવા હકીકત સ્વિકારવા સમર્થ નથી તેવું કોઈ સમજે તો બિલ્કુલ નવાઈ ન પામતા. આજે જે પ્રકારે અત્ર, તત્ર, સર્વત્ર નારીબળની પહોંચ છે તેથી સૌ વાકેફ છે તે ઈચ્છા/અનિચ્છાએ માની લેવું જોઈએ. ( અલબત્ત દરેક મહિલા જે કરે છે તે ખરું જ છે તેવું હરગીઝ ન જ માનવું !)

સ્ત્રી અર્થાત્ વ્હેલી પ્રભાતનું ઍલાર્મ, સવારનું શીરામણ, બપોરનું ટીફ઼િન, સાંજનો સંતોષ ને રાત્રીનો નાઈટ લેમ્પ ! દરેક સ્ત્રીના રખોપા તેમજ આદર સત્કાર એટલા માટે કરવો જોઈએ જેથી સમાજ સમજે કે, આપણો ઉછેર એક કુશળ “માં”એ કર્યો છે.

“દાસી, મંત્રી, માતા, રંભા, લક્ષ્મી” એ બધાનો એક શબ્દ ‘હોમ મેકર’ ! પત્ની એ ગૃહિણી નથી પણ હોમમેકર છે. પત્નીની સિક્સ્થ સેન્સની પ્રશંસા : ૧૦૦૦ વર્ષ પહેલાનો શ્લોક આજે યથાર્થ છે
કાર્યેષુ દાસી; કર્મેષુ મંત્રી,
ભોજેષુ માતા, શયનેષુ રંભા
રૃપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી
શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.

ટૂંકમાં, ઘરના બધા કામ કરતી, નિર્ણયો લેતી, માતાની જેમ જમાડતી, રાત્રે રંભાનું રૂપ લેતી, લક્ષ્મી જેવી રૂપાળી, પૃથ્વી જેવી ધીરજવાળી, કુળ ધર્મ નિભાવતી પત્નીને ગુણવંતી કહેવામાં આવે છે. આપણે ત્યાં પત્ની માટે હોમ મિનિસ્ટર શબ્દ વપરાવા લાગ્યો છે.

એક સમય એવો હતો કે જ્યારે ઘરના નિર્ણયોથી મહિલાઓને દૂર રાખવામાં આવતી હતી. પતિની આવક, બચત, પોલીસી વગેરેથી તેને દૂર રખાતી હતી. પુરુષ પ્રધાન સમાજે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ જેવી પાયા વિનાની સલાહ પણ રચી નાખી હતી.

વિકાસ તો એવો થયો કે ઘરમાં પત્ની માટે હોમ મિનિસ્ટર શબ્દ વપરાતો થઈ ગયો છે. તે તો ઠીક પણ કંપનીઓમાં મહિલા ડિરેક્ટર્સ, એસ્ટ્રોનટ, ટેક્નોક્રેટ, સ્પોર્ટ્સ પ્લેયર, સાયન્ટીસ્ટ, આર્કિટેક, બિલ્ડર, એક્ટર, કોર્પોરેટર, ડોક્ટર, એડ્યુકેટર, મોટીવેશનલ સ્પીકર, એન્જિનિયર, પાયલોટ, વાહનચાલક, ઇન્સ્ટ્રક્ટર તેમજ નિત્ય નવી બાબતોની trend-setter વિગેરે & what not !? બધે જ empowered women જોવા મળે છે.

હોમમેકર શબ્દ ગૃહિણીઓ માટે વધુ માનવાચક ગણી શકાય. દરેકના મનની વાત કહેવામાં આવી છે. પુરુષ ઘર સંભાળી શકતો નથી કે સંતાનો ઉછેરી શકતો નથી. પત્ની અનેક કામગીરી સૂઝબૂઝથી કરે છે. તે પિયરિયાને સાચવે, સાસરિયાને સાચવે અને પોતાના ઘરનાને ય સાચવે છે.

ઓફિસમાં કામ કરતા પુરુષ પાસે મલ્ટીટાસ્કિંગ ક્ષમતા નથી હોતી પણ ગૃહિણી આ કામમાં બાહોશ હોય છે. ઘરના કયા સભ્યને ક્યારે શું જોઈશે તેની માહિતી ગૃહિણી પાસે હોય છે. કુટુંબના સભ્યને શું ભાવશે, કુટુંબ સાથેના કે પડોશના વ્યવહારો કેમ સાચવવા તેમાં ગૃહિણીઓ નિપુણ હોય છે.

આવી ક્ષમતા ગૃહિણીઓમાં ઇનબિલ્ટ હોય છે એમ કહી શકાય. જે યુવતીઓ લગ્ન પહેલા પોતાના મા-બાપને ત્યાં કોઈ કામ નથી કર્યું તે પરણ્યા પછી સાવ જ નવા કુટુંબને સાચવી શકે છે. એટલે જ આગળ લખ્યું છે કે આ હોંશિયારી ઇનબિલ્ટ હોય છે અને જેમ જવાબદારી વધે એમ તે વધુ ખીલે છે.

સંતાનોને ઉછેરવાથી માંડીને તેમને ગમતા પાત્ર શોધવા સુધીની કળા ગૃહિણી પાસે હોય જ છે. પતિ કોઈ કામમાં ભલે રસ લે પણ અંતે ફાઇનલ નિર્ણય ગૃહિણીનો જ ગણાય છે જે આખા કુટુંબને માન્ય હોય છે.

તારે આખો દિવસ શું કરવાનું ? બધા કામ માટે તો નોકર-ચાકર છે એવા ડાયલોગ દરેક ઘરમાં સાંભળવા મળે છે પરંતુ ઘરના વ્યવહાર બહુ લાંબા અને અટપટા હોય છે જેને ગૃહિણી સુપેરે ટેકલ કરી શકે છે.

કહેવત પ્રચલિત છે કે, ગૃહિણી વિનાનું ઘર અને ઘર વિનાની ગૃહિણી એ બંને સ્થિતિ કરુણ હોય છે.

હોમ મેકર્સનું કામ કોઈ કંપનીના મેનેજર કરતા પણ વધુ હોય છે ઘરમાં પ્રવેશતી દરેક વ્યક્તિનો મૂડ ઓળખી લેવાની સિકસ્થ સેન્સ ધરાવે છે.

પત્ની રજાઓમાં પિયર જાય ત્યારે તેના પતિની દશા કરુણ હોય છે તેની સ્થિતિ પર અનેક રમૂજ પણ ચાલે છે. ઘરને સ્વર્ગ બનાવતી પત્ની માટે ગૃહિણીને કાર્યેષુ મંત્રીને યોગ્ય કહ્યું છે.

આ લેખ માટે મારી ઓળખીતી, અમુક સ્ત્રીઓ પાસેથી contribution મંગાવેલ જેના ચકિત કરી દેતા મંતવ્યો આપ અત્રે પરિવર્તિત થતા માણી રહ્યા છો. આજની દરેક સ્ત્રી કે જે ફક્ત રસોડા સુધી સીમિત રહેવા નથી માંગતી કે ના બાળક જન્મ બાદ ઘરથી બંધાઈ રહેવા માંગે છે – પુરુષ કોઈક રીતે ageing ને હસતા સ્વીકારી લે છે પણ સ્ત્રી માટે એટલું સહેલું નથી. ગ્રેસફૂલ એજીંગ સાથે ઘરનું ધ્યાન રાખવું, બાળકોનું શિક્ષણ + પોષણની ચિંતા અને પોતાનું હોર્મોન્સ ઇમ્બેલેન્સથી વધતું વજન ! સાથે જ હંમેશા ખુશ અને ગુડ લુકિંગ દેખાવાનું પ્રેશર પણ ! આ બધી જ માયાજાળ સાથે ઝઝુમવાનું હોય છે આજની સ્ત્રીઓને અને સાથે જ પોતાની કારકીર્દી તો પાટા પર હોવી જ જોઈએ. આમ જ બધું જ કરવું અને બધું જ અચિવ કરવું જાણે એક જૂનો વાયરસ છે જે ને સોશ્યલ મીડિયા વધુ હવા આપીને ફેલાવતો રાખે છે. બીજી વ્યક્તિ સાથે પોતાની પરિસ્થિતિ કે body-shape ની સરખામણી કરી પોતાની જાતને કોસવા કરતા જેટલું બની શકે એ પૂરા મનથી કરી જે હાથમાં નથી એ જતું કરવામાં જ શાણપણ છે. ૨૦૨૦ના જીવલેણ વાયરસનની ઝીંક ઝીલ્યા પછી પણ માનુની હારી નથી. જો કે, બહુ સફળ સ્ત્રીઓ એકલી હોય છે અને બાકીની સ્ત્રીઓ જીવનમાં ખરેખર એકલી જ નથી પડતી !

“સ્ત્રી” એટલે જેની સવાર પોતાના માટે નહીં પણ તમારા માટે થાય,
જેના રાતોના ઉજાગરા અને આંખોની નીચેના કુંડાળા તમારા માટે થાય ! છતાં પણ એમજ કહેવામાં આવે કે તે કર્યું શું મારા માટે ? તું ક્યાં કંઈ સહન કરે છે? આવું તો કેટલુંય એક સ્ત્રી એ સહન કરવું પડતું હોય છે. એક સ્ત્રી જ હોય છે જે કંઈ પણ વાંક વગર બધું જ હસતાં મોઢે સહન કરી લે છે.

સ્ત્રી તો બસ વાત વાતમાં રડી જ પડે ! આવું જે કહે છે ને એમને કહેવાનું મન થાય કે એક સ્ત્રીની જગ્યાએ પોતાને રાખી જુઓ. એકવાર તો એ દુઃખ સહન કરી જુઓ જે સ્ત્રી દરેક મહિનામાં ૩-૫ દિવસ સહન કરે છે ! ધારે તો નારી તારી શકે, મારી શકે ને સુધારીને નિખારી પણ શકે છે તે નિર્વિવાદ પરમ સત્ય છે !

નદી અને સ્ત્રી, કુદરત અને સમાજ :
એક નદી સાગરમાં ભળે છે, કુદરતનો નિયમ છે,
એક સ્ત્રી સાસરીએ ભળે છે, સમાજનો નિયમ છે. નદી સાગરની ખારાશ પચાવે, કુદરતનો નિયમ છે, સ્ત્રી સાસરીયાના રિવાજો પચાવે, સમાજનો નિયમ છે. નદી પાછી પર્વતને ન મળે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સદાય પિયરે ન રહે, સમાજનો નિયમ છે. નદી હંમેશા બે કાંઠે વહે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી પણ બે કુટુંબ ઉજાળે, સમાજનો નિયમ છે. નદી કિનારે શીતળતા મળે, કુદરતનો નિયમ છે, સ્ત્રી સાન્નિધ્યે સંતોષ મળે, સમાજનો નિયમ છે. ગાંડીતૂર નદી ગામ ઉજાડે, કુદરતનો નિયમ છે, માથાફરેલ સ્ત્રી કુટુંબ ઉજાડે, સમાજનો નિયમ છે.

દરેક સાસુ વહુ પોતાની ભૂતકાળ ને ભાવિ ભૂમિકા સમજે અને એ મુજબ વર્તે તો સમાજ આખો ગંગા ન્હાયા બરાબર. શર્ટના તૂટેલા બટનથી લઈને પુરુષના તૂટેલા આત્મવિશ્વાસને પણ જોડવાનું હુન્નર રાખે છે એક સ્ત્રી – જે તમારા માટે રસોઈથી માંડી બધા જ કામ પાર પાડે છે, એને લાચાર-નિર્બળ કે નિ:સહાય સમજ્યા વિના પ્રેમથી આવકારશો તો પછી હર ઘર ધન જ ધન હશે. નારી તું ન હારી એ જ છે બલિહારી !

દૂષ્કર હોય છે પ્રતિભાશાળી સ્ત્રીને પ્રેમ કરવો. કેમ કે એને પસંદ નથી હોતી હા જી હા.
ઝૂકતી નથી એ કદી પણ
જ્યાં સુધી સબંધોમાં
સ્નેહ ભાવ ન દેખે.
એ તારી હા માં હા ને ના માં ના કહેવાનું નથી જાણતી કેમ કે એણે શીખ્યું નથી જુઠની દોરીથી સબંધોને બાંધતા. એ જાણતી નથી દંભની ચાસણીમાં ડૂબાવીને ખુદની વાત મનાવતા. એ તો ફક્ત જાણે છે, બેબાક સાચુ બોલવાનું. વ્યર્થના
વિવાદમાં પડવું એની આદતમાં સામેલ નથી પરંતુ એ જાણે છે તર્કસંગત એની વાત રાખતા. એ વારે-ઘડીએ
ઘરેણાં કપડાની માંગણી નથી કરતી, એ સજાવે છે ખુદને આત્મવિશ્વાસથી. એ નિખારે છે એનું વ્યક્તિત્વ માસૂમ મલકાટથી. તમારી ભૂલો ઉપર તમને ટોકે છે તો તમારી તકલીફમાં તમને સાચવી પણ લે છે. એને ઘર સંભાળતાં સારી રીતે આવડે છે તો એનાં સપનાને પૂર્ણ કરતા પણ સારી રીતે આવડે છે – ફક્ત નથી આવડતું તો
મનઘડંત વાતોને માની લેતા, પૌરુષની સામે એ
નત-મસ્તક નથી રહેતી. એ ઝૂકે છે તો માત્ર તમારા નિ:સ્વાર્થ સ્નેહ માટે અને એ પ્રેમ માટે એ એનું બધું જ ન્યોછાવર કરી દે છે ! હિંમત હોય નિભાવવાની, તો જ એવી સ્ત્રીને પ્રેમ કરવાનો કારણ કે, તૂટી જાય છે એ દગાથી, છળથી, પુરુષના અભિમાનથી અને ફરી જોડાઈ નથી શકતી કોઈના પ્રેમથી…!

સાસરિયાની જાહોજલાલીમાં કોઇ અંગત પ્રયત્ન કે યોગદાન વગર જલસા કરતી નારી જયારે પિયરીયાના વખાણ કર્યા કરે ત્યારે બહુ જ વામણી લાગે. મારું બધુ મારું અને તારું મારું સહિયારુ. આ એક સ્માર્ટ પોલીસી હોય છે. વળી કાયદાની ઓથે, ધરાર ખોટું કરીને ય બીજાને હેરાન કરનારી થોડી મહિલાઓ સમગ્ર નારી જાતિને લાંછન લગાડવામાં જરાય શરમ-સંકોચ નથી અનુભવતી તે ચાંદમાં ડાઘ જેવી વાત છે. સ્ત્રીઓને બે હાથ જોડીને અનુરોધ કે, જો આપ ભાઇમાં માં-બાપની સેવા માટે શ્રવણ ઈચ્છતા હો તો પતિને પણ એવો જ શ્રવણ બનવા સાથ આપજો તેમજ આપનો દીકરો નટખટ કાનુડો થાય તેવું ચાહો તો ધણીને પણ તોફાની ગોકળદાસ બનવા દેજો.

લખવા માટે તો ઘણું ય છે પરંતુ શબ્દોની સંખ્યાની મર્યાદાને પણ સન્માન. દર વર્ષે ૮ માર્ચનો દિન અાં.રા.મહિલા દિવસ તરીકે ઉજવાય છે તે ઉપલક્ષમાં આ પ્રસ્તુતિ આપણાં તમામ પરિજનો, બહેન, સખી, પ્રેયસી, પત્નિ, દીકરી, પુત્રવધૂ, સહુને તેમના નિરાળા, ઊંચા દરજ્જા માટે સાદર શુભેચ્છાઓ સહ સમર્પિત ! પ્રણામ !!

– નિલેશ ધોળકીયા

%d bloggers like this: