Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

પરીક્ષા રિક્ષામાં ગઈ.

“બ્રેકિંગ ન્યૂઝ c.b.s.e ધોરણ ૧૦ ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને ધોરણ ૧૨ ની પરીક્ષા માટે ૧ જૂનએ નિર્ણય લેવામાં આવશે. પ્રધાનમંત્રી અને શિક્ષામંત્રીની આગવાનીમાં મળેલ બેઠકમાં લેવામાં આવેલો નિર્ણય.”

હજી તો ન્યૂઝ પૂરા થયા પણ નહીં ત્યાં એક પછી એક મારા ફોનની ઘંટડી વાગવા લાગી.

“સર, આપણી કેન્સલ થઈ?
“સર, હવે શું કરવાનું?”
“સર, આ ન્યૂઝ સાચા છે?”
“સર, હવે ક્યારે પરીક્ષા લેશે?”
સૌથી ખતરનાક સવાલ તો આ હતો, “સર, આ c.b.s.e એટલે શું?”

આ દરેક વાતનો મારી પાસે ફક્ત એક જ જવાબ હતો, c.b.s.e બોર્ડની પરીક્ષા રદ થઈ છે, ગુજરાત બોર્ડની નથી થઈ. આ જવાબ આપી આપીને હું ખુદ વિચારમાં પડી ગયો કે c.b.s.e એટલે શું?

જો કે આમાં વાંક વિધાર્થીનો ગણવો કે નહીં એ કહીં ના શકીએ કારણ કે વિધાર્થીને તેના પાઠ્યપુસ્તક પર n.c.e.r.t લખીને આપવામાં આવે છે, એવા ઘણા વિધાર્થી અને વાલી છે જેને n.c.e.r.tનો અર્થ જ નથી ખબર. આપણી શૈક્ષણિક પદ્ધતિ જ બાળકને વિચારમાં મૂકી દે છે કે એ ભણે છે શું? જો કે નવમા ધોરણમાં આવ્યા પછી જ બાળકને ખબર પડે છે કે એ ફલાણા ફલાણા બોર્ડમાં ભણે છે. એ પહેલા તો વાલી જ ઢંઢેરો ટીપતા હોય છે કે એનો છોકરો ઇન્ટરનેશનલ, નેશનલ કે સ્ટેટ બોર્ડમાં ભણે છે.

આ કપરો સમય છે, હમણાં જ એક મેસેજ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે કે, “પહેલાના સમયમાં પરીક્ષા આપવામાં ડર લાગતો અને હવે પરીક્ષા લેવામાં ડર લાગે છે.” કોઈએ આવું વિચાર્યું નહીં હોય કે નેશનલ અને સ્ટેટ બોર્ડની પરીક્ષા પણ રદ કે મોકૂફ થઈ શકે છે. યોગ્ય સમયે નિર્ણય લેવાયો છે પરંતુ શું આ નિર્ણય યોગ્ય છે?

હાલમાં, કોઈપણ વિધાર્થી તૈયારી કરતું નથી અને આ જાહેરાત થયા બાદ તો દરેક વિધાર્થી જાણે એમ જ સમજી બેઠા છે કે તેઓ પાસ થઈ જશે કે માસ પ્રમોશન મળી જશે. પરીક્ષાએ ફક્ત એક માપદંડ છે કે ફક્ત એક પગથિયું છે જે આગળ જવામાં મદદ કરે છે એ વાત સો ટકા સાચી પરંતુ જે વિધાર્થી પરીક્ષાના ડરથી થોડું ઘણું પણ ભણવામાં ધ્યાન આપતો એ હવે બિલકુલ નથી આપી રહ્યો.

આ વાત ખાસ કરીને લાગુ પડે છે ધોરણ ૧૨ના વિધાર્થીઓ માટે. કારણ કે એક તો એ લોકો પહેલેથી જ સોશિયલ મિડિયાના વળગાડમાં છે ઉપરથી પરીક્ષા બાબતે અને ભણતર બાબતે તેમનું બગડતું વલણ. કોઈ જ પ્રકારના ટેન્શન વગર ભણવું જોઈએ એ વાત સાચી પણ કોઈ જ ચિંતા ના હોય, ભવિષ્યમાં શું થશે એ બાબતની તો એ થોડું એમને અને વાલીને ટેન્શન લેવાની જરૂર છે. આપણાં દેશમાં ઓનલાઈન શિક્ષણ કારગત નિવડ્યું નથી એના ઘણા કારણો છે, ઓનલાઈન શિક્ષણના કારણે ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધી ગયા. ઓનલાઈન ક્લાસમાં કેમેરા ઓફ કરી સોશિયલ મિડિયા વાપરવું, પબ જી રમવું કે પછી નારૂટો જોવું. પરીક્ષા ઘરે બેઠા દેવાતા બધુ જ જોઈ જોઈને લખવું. આળસુ બની જવું. રિવિઝન ના કરવું. આવા તો અગણિત ગેરફાયદા છે.

સરકારે જ્યારે જાહેરાત કરી કે પરીક્ષા રદ કરીએ છીએ ત્યારે ઘણા બાળકો ખુશ થયા અને ઘણા નાખુશ થયા. ગુજરાત સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે બધા જ બાળકો વિચારમાં પડી ગયા કે પરીક્ષા આપવાની છે કે નહીં? આ ભણતરનું પહેલું એવું વર્ષ છે કે જેમાં બાળકો ખરેખર ૩૬૫ દિવસ એક ધોરણમાં રહ્યા છે. ઘણા બાળકોને ત્રણ કે ચારથી વધુ વખત રિવિઝન થઈ ગયું છે, ઘણા બાળકો કોઈ જ ટેન્શન વગર બિન્દાસ ઘુમે છે કારણ કે સરકાર તરફથી કોઈ ચોક્કસ સંદેશ નથી મળતો.

વિધાર્થીને પરીક્ષાના પંદર દિવસ અગાઉ જાણ કરશે, જેથી એ વિધાર્થીઓ પૂરતી તૈયારી કરી શકે. કોઈને ખબર નથી કે મહામારી ક્યા જઈને ઊભી રહેવાની છે તો પછી કોઈપણ આ જાહેરાત કેવી રીતે કરી શકે? હા હું માનું છું કે બોલવું કે લખી દેવું ખૂબ આસાન છે, સરકારની જગ્યાએ આવો તો ખબર પડે. આ વાત માટે તો હું એટલું જ કહીશ કે શું સરકાર ક્યારેય વિધાર્થીની જગ્યાએ રહીને વિચારે છે? શું કોઈપણ નિર્ણય લેવામાં આવે છે એમાં વિધાર્થીઓનો સર્વે થાય છે?

જૂનમાં પરીક્ષા લેવાશે તો જરાક એ વિચાર કરો કે આગળના ભણતરનું શું? ક્યારે એ પરિણામ આવશે? ક્યારે કોલેજમાં એડમિશન કરશે? ક્યારે કોલેજનું ભણવાનું શરૂ કરશે? લગભગ વીસ લાખ જેટલા વિધાર્થીઓ હશે ધોરણ દસ અને બારના આખા ગુજરાતમાં હવે આ વીસ લાખ વિધાર્થીઓ એ જ રાહમાં બેઠા છે કે પરીક્ષાની તૈયારી કરવી કે પછી પબ જી રમવું કે પછી નારૂટો જોવું કે બધુ મૂકીને ધંધે લાગી જવું? કારણ કે પરીક્ષા તો સરકારી રિક્ષામાં જતી રહીં.

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
English LiteratureFilm FestivalOur Columns

Treat you better

Song: “Treat you better”Artist: Shawn MendesSong Writer: Shawn Mendes, SCott Harris and Teddy…
Read more
Fashion & LifestyleOur Columnsપહેલું સુખ તે જાતે નર્યા

અનિદ્રા - સૌથી મોટી બિમારી

ઊંઘ ન આવવાની સમસ્યા શરીર માટે ઘણ…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળપાપડી/સુખડી.

કેમ છે ગૃહિણીઓ? આજે આપણાં બધાં ઉપર…
Read more

Leave a Reply

%d bloggers like this: