ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સામાજિક જાગૃતિની મહાન વાતો….

આજનો સમાજ ભણેલો ગણેલો અને સુધારેલો વર્ગ છે એટલે જાગૃત તો હોવાનો જ સ્વાભાવિક છે પણ હાલ જ્યારે કોરોનાની પરિસ્થિતિના અનુસંધાને જોઈએ તો આપણો સમાજ થોડો વધુ જાગૃત છે. જ્યારે આપણી આસપાસના કોઈ વ્યક્તિને કોરોના થાય છે ત્યારે એ વ્યક્તિ અને એ વ્યક્તિનો પરિવાર ડિપ્રેશનનો ભોગ બને છે. એવામાં એ વ્યક્તિને હૂંફ આપવાની જગ્યાએ એનો તિરસ્કાર થાય છે ત્યારે પેલો રોગનો ભોગ બનનાર વ્યક્તિ એવું વિચારે કે મારા કારણે કેટલા વ્યક્તિ હેરાન થાય છે,જ્યારે એ જ સમયે સમાજનો જાગૃત વર્ગ પેલા દર્દીને કોસતો હોય છે. અરે ! તમે પોતે સાવચેત રહો માસ્ક પહેરો, સેનેટાઈઝ કરો, વારંવાર હાથ ધુઓ, સોશિયલ ડિસ્ટન્સ જાળવો બધું જ કરી શકો છો પણ જે રોગનો ભોગ બનેલા વ્યક્તિ છે એને કોસીને એની પથારી શું કામ ફેરવો છો ? શું ભણેલા ગણેલા સમાજની સામાજિક જાગૃતતા આ જ હોય શકે ? જે સમાજનો જાગૃત વર્ગ છે એના ઘરની નેમપ્લેટની બાજુમાં મોટા અક્ષરે
 ‘ નો એન્ટ્રી ‘ બોર્ડ લગાવી દેવામાં આવે છે કેમ કે ઘરની અંદર કોરોના પોઝિટિવ વ્યક્તિ આવી જાય તો ? આ ડરને કારણે ઘરની અંદર પ્રવેશ પણ નથી આપી શકતા. જાગૃત સમાજ મીઠો આવકાર આપવાને બદલે સીધો પ્રવેશ નિષેધ આપી દે એટલો સંકુચિત મગજનો થઈ ગયો છે આટલી હદે સામાજિક જાગૃતતા વધી ગઈ છે. કોરોના પોઝિટિવ થયો પણ માણસોના મન નેગેટિવ થયા છે. હરકોઈને શંકાની નજરે જોવામાં આવે છે. અરે કેટલીકવાર માણસોને પૈસાની નોટ પણ ધોઈને તડકે સૂકવતા જોયા છે.સામાજિક જાગૃતતાનો એટલો વિકાસ થયો છે કે માણસ લક્ષ્મીને પણ શંકાની નજરે જોવે છે. જેના વડે માણસનું જીવન ચાલે છે એ લક્ષ્મીને પણ ધોઈને વાપરે છે. અરે માણસ જ્યારે મરે છે ત્યારે તેને ટેકો આપવા માટે માણસ ખભો આપવા પણ તૈયાર નથી  ક્યાંક કોરોના હશે અને આપણને ચેપ લાગી જશે તો ? એ વિચારથી જ માણસની માનવતા આજે મરી ચૂકી છે અને સામાજિક જાગૃતતામાં વધારો થયો છે. માનવતા એ તંદુરસ્ત સમાજનો મજબૂત પાયો છે પણ સામાજિક જાગૃતતાનો ભૂકંપ આ મજબૂત ઇમારતને હલાવી ન દે તો સારું.માણસ સતત ને સતત કોરોનાના ભયના ઓથાર તળે જીવે એ એટલે જગૃતતાના માપદંડનો વધુ ને વધુ વિકાસ થાય છે. હા ! સ્વચ્છતા અને એની સાથે જોડાયેલી બાબતોમાં આપણે જાગૃત હોઈએ એ સો ટકા સાચી વાત છે, પરંતુ આવી બાબતોમાં આપણે સજાગ થવાને બદલે જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર અને પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકની પિચકારી મારનાર પણ સમાજમાં મોટી મોટી મહાનતાની વાતો કરનાર સમાજનો જાગૃત વર્ગ જ કરતો જોવા મળે છે. સ્વચ્છતા જેવી મહત્વની બાબતમાં આપણે આંખ આડા કાન કરીએ છીએ અને જ્યારે માનવતા દર્શાવવાની થાય ત્યારે એ જ જાગૃતતા અચાનક વધી જાય છે અને આપણે પોતાના અંગત સ્વાર્થ ખાતર માનવતાની હત્યા કરીએ છીએ. સમાજના દરેક જાગૃત વર્ગના મહાન વ્યક્તિઓને મારે એક  પ્રશ્ન છે કે શું આ જ  આપણી ખરી જાગૃતતા છે ????
આ તો એવી વાત થઈ કે,” વિતે એને ખબર પડે કે કેટલી વિશે સો થાય,બાકી તો શીખ્યું સાંભળ્યું બધું ફોક જ જાય !!! “
તૃપ્તિ વી પંડ્યા ” ક્રિષ્ના “

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: