Our Columnsમાસ્તરની વાર્તા

કર્મની કઠણાઇ

સ્કૂટર પાર્ક કરી, સામેની બાજુ ચાલતા ચાલતા અર્જુન વિચારોમાં ખોવાયેલો હતો. જેમ જેમ એના પગલા આગળ વધી રહ્યા હતા તેમ તેમ એને પરસેવો છૂટી રહ્યો હતો. ખબર નહીં આ કામ મારે જ કેમ કરવાનું આવ્યું? પપ્પા કે બેન પણ જઈ શકતા હતા પણ નહીં હું ઘરમાં સાવ નવરો એટલે મારે જ આવા કામ કરવાના. વિચારોમાં જ રસ્તો ઓળંગી સામો ઊભો રહી ગયો. ગોપાલ બેકરી, અમીઝરા ફેશન અને બાજુમાં જ હતું આનંદવાટિકા ગાયનેક હોસ્પિટલ, “સ્ત્રીઓને લગતી તમામ સમસ્યા માટેનું વિશ્વાસપાત્ર દવાખાનું.” અર્જુન એ બોર્ડ વાંચતો હતો અને શરમ અનુભવતો હતો કે અંદર જવું કઈ રીતે? 

મન મક્કમ કરી એણે કાચનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યો. અંદર પ્રવેશતા જ દસ બાર મહિલાઓની નજર એના પર પડી અને હેબતાઈ ગયો. એણે ફટાફટ એક ખુણો પકડી લીધો અને બેસી ગયો. રિસ્પેશનિસ્ટએ એને જોયો અને બોલાવીને પૂછ્યું, “બોલો તમારું નામ? નવો કેસ છે?” અર્જુને એનું નામ કહ્યું અને કહ્યું ,”સાંભળો મારે તો ડૉક્ટરને..” આગળ બોલે એ પહેલા જ રિસ્પેશનિસ્ટએ વાત કાપી અને કહ્યું, “જે કાંઇ સમસ્યા હોય એ અંદર ડૉક્ટરને કહેવાની મને નહીં.”

અર્જુન ફરી પાછો નજર બચાવતો ખૂણામાં જઈને બેસી ગયો. નજર ઊચી કરીને જોયું તો સામે એક સાત મહિનાથી પ્રેગ્નેટ બેન હતા, એક સાસુ અને વહું હતા, એક અર્જુનની જ ઉમરની છોકરી હતી જે અર્જુન સામે જોઈને એની હંસી ઉડાવી રહી હતી. અર્જુનએ આમ તેમ જોતા જોતા દીવાલ પર લાગેલા તમામ પોસ્ટર જોયા જેમાં પ્રસૂતિ, રજસ્વલા, સ્ત્રી સમસ્યા એ બધા પર કાંઇકને કાંઇક માહિતી લખેલી હતી. અર્જુનએ એક મેગેઝીન જોયું અને એમાં મોઢું છુપાવીને બેસી ગયો. એના મનમાં એક જ ડર હતો કે એની કોલેજની કોઈ છોકરી અહીં આવી ના જાય.

કર્મની કઠણાઇ હતી અને મિતાલી અર્જુનની ક્લાસમેટ અંદર પ્રવેશી. અર્જુનનું ધ્યાન એના પર ગયું અને એણે મોઢું સંતાડવાની કોશિશ કરી. મિતાલીને પણ દૂરથી ચહેરો જાણીતો લાગ્યો, મિતાલીએ તેનું નામને એ લખાવી નિરખીને જોયું તો અર્જુન જ હતો. મિતાલી અર્જુનની પાસે ગઈ અને ઔપચારિક વાત કરી. મિતાલીને લાગ્યું કે અર્જુનને અજુગતું લાગી રહ્યું છે એટલે એણે વાત કરી,

“આ ઉમર છે આવું તો થાય પણ તું અહિયાં કેમ બતાવવા આવ્યો? કોઈ સેક્સોલોજીસ્ટ પાસે જવાઈ ને? તારી એ સેક્સની સમસ્યાઓ એ દૂર કરી શકે?” મિતાલીએ અર્જુનની સમસ્યા જાણ્યા વગર સેક્સની તકલીફ છે એ જાહેર કરી દીધું.

“એવું કાંઇ નથી. હું તો બસ..” અર્જુન આગળ વાત કરે એ પહેલા જ પેલી રિસ્પેશનિસ્ટએ બૂમ પાડી, “અર્જુન વાઘેલા તમારો નંબર આવી ગયો છે જાવ.”

અર્જુન ફટાફટ ઊભો થઈને, મિતાલીને ઔપચારિક સ્મિત આપીને સીધો ડૉક્ટરની કેબિનમાં જ જતો રહ્યો. એ જેવો અંદર પ્રવેશ્યો કે ડૉક્ટરએ કહ્યું, “આરામથી, તમારી ઉમરમાં હોય શકે છે તકલીફ. હું સ્ત્રી રોગ નિષ્ણાંત છું, છતાં તમે આવ્યા છો તો કહો શું સમસ્યા છે?”

વીસ પર એ. સી હતું છતાં અર્જુનને પરસેવા છૂટી રહ્યા હતા, એણે એનો શ્વાસ ભેગો કરી ડૉક્ટરને કહ્યું, “હું અર્જુન વાઘેલા, ડૉક્ટર માનસી વાઘેલાનો ભાઈ, મારી બેનની સગાઈ છે અને તમે બન્ને સાથે જ ભણતા તેથી એણે મને તમને આ સગાઈનું આમંત્રણ અને મીઠાઇ આપવા માટે મોકલ્યો છે.” અર્જુનએ બેગમાંથી કાર્ડ અને મીઠાઇ આપીને “આવી જા જો.” આટલું કહીને ફટાફટ બહાર નીકળી ગયો.

એ ઝડપી પગે દવાખાનાની બહાર આવ્યો, મનમાં તો ઈચ્છા હતી કે મિતાલીને કહી દઉં કે મને કોઈ સેક્સની સમસ્યા કે બીજી સમસ્યા નથી પણ શું એ એની વાત પર વિશ્વાસ કરવાની? અર્જુન બધા વિચાર પડતાં મૂકી ઘર તરફ જવા રવાના થયો.

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: