ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

તારી વ્હાલમ કબર સંગાથ

તારી વ્હાલમ કબર સંગાથ

પ્રેમ એટલે… હાર્દમાં બનાવેલી ઊંડી કબર,જ્યાં ત્યાગ અને જખ્મોને દબાવી તેના પર માટી મૂકી તેને બંધ કરવામાં આવે છે…

પણ, આજના યુવાનિયાઓ… આકર્ષણને પ્રેમ માની બેઠા છે. ત્રણ કલાકની ફિલ્મના પાત્રોની જેમ નકલ કરે છે, પણ તે ફક્ત મનોરંજન છે, ત્રણ કલાક પૂરતું સીમિત. આ હકીકતને તેઓ સમજતા નથી, કે કોઈ ચહેરો જોઈને ગમી જાય તો તેને ગુલાબના ફૂલ અને ગિફ્ટ આપવાથી તે પ્રેમ થતો નથી. પોતાના શરીરનું આનંદદાયક સુખ માણવા આજના જુવાનિયાઓ તેનો વપરાશ યુઝ એન્ડ થ્રોની જેમ કરીને મન ભરાતા તેને છોડી બ્રેકઅપ કહી દે છે.

આજના યુવાનિયાઓને કટાક્ષપૂર્વક સંદેશ આપતો આ લેખ લખું છું કે સેક્સ તો બજારમાં પણ વેચાય છે, પણ જે તમને પ્રેમ કરતા શીખવાડે છે, પ્રેમ શું છે  ? મહોબ્બત અને વફાની રાહ પર ચલાવે છે, એ જ તમારો સાચો વ્હાલમ કહેવાય.

પ્રેમ એટલે જેમાં સમર્પણ, ત્યાગ, ખાટી મીઠી તકરાર, શંકા વિહોણું, લાગણી, કાળજી, માન સન્માન હોય તે પ્રેમ છે. પ્રેમ તો આંખ મીચીને કરેલી પ્રતીતિ છે. એવી ખાતરી જેના બોલ રાત્રિમાં પણ અજવાશના કિરણની આહલાદક રોશની આપે.

પ્રેમનો જોગી બનવા એકબીજા પર સંપૂર્ણ આસ્થા હોવી જરૂરી છે. ત્રીજી વ્યક્તિના લીધે આપણા પ્રેમમાં તિરાડ ના આવે, ગેરસમજ ઉભી ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અહંની ડોર સંબંધને કમજોર પાડી દે છે એટલે જે પ્રેમ નિભાવવાની ચાહ રાખતું હોય તે સંબંધ ને નિખારવા પહેલું કદમ આગળ વધારશે અને પોતાના સાથીને જરૂર મનાવશે.

સચ્ચાઈની જો વાત કરું તો, પ્રેમને નિહાળવો જોઈએ, તેને મિત્ર માની મહેસૂસ કરવો જોઈએ. અમે પતિ પત્ની, પ્રેમમાં મિત્રતાને વધુ મહત્વ આપીએ છીએ. મારા  પ્રેમની દ્રષ્ટિ એ છે કે જે સંબંધમાં તમે હળવા હાર્દે વાત કરી શકો, મિત્રતાના આગમને રંગરસિયાની રંગીલી મહેક પ્રેમના પવિત્ર પાવનને વધુ શુદ્ધ કરી નાખે છે. મૈત્રીપૂર્વકનો પ્રેમ મોજીલો, રંગ રસીલો અને ખાટી મીઠી દાળ અને મીઠા રસ ભરેલા પાન જેવો હોય છે. પ્રેમ તો બધાએ મૈત્રીપૂર્વક કરવો જોઈએ. જેમાં તમે મુક્ત મને એકબીજાની સાથે સમય માણી શકો છો. કોઈ પણ વાત હળવેકથી પોતાના પંખીડાને કરી શકો છો. જે તમને વાતે વાતે રોકટોક કરે, તમને દ્વિધામાં રાખે તે પ્રેમ હોઈ જ ના શકે. તેવા લોકો પ્રેમના મૂલ્યને જાણી શકતા  નથી.

પ્રીતની પ્રીતમ દરિયાના ઊંડા નીરની જેમ હોવી જોઈએ. જે જેટલું નીરમાં પડે તે એટલું ઊંડાણમાં વહી જાય છે. પ્રીતને તો સ્વાર્થ ના હોય, અપેક્ષા વળતરની ના હોય. તે પ્રીત છે, જે ભીતરમાં સમાવી જાય તે વ્હાલનો દરિયો, પ્રીતનું પ્રતીક છે.

મારા પતિ પરમેશ્વર કાયમ કહે, “કસ્તૂરબાને ગાંધીજીએ ફાનસ લાવવાનું કહ્યું અને કસ્તૂરબાએ ફાનસને લાવી આપ્યું. પણ કદી બાએ સવાલ ના પૂછ્યો કે આ ધોળા દિવસે ફાનસની શી જરૂર !?! આ હતો બા અને બાપુનો પ્રેમ, જે જાહેર સભામાં કદી કોઈને ખબર ના પડે કે બા અને બાપુજીની વચ્ચે ક્યારેય કોઈ લડાઈ થઇ હશે !!!”

પ્રેમમાં હમસફર નહિ પણ હમદર્દ હોવો જરૂરી છે. આ  વાત આજના યુગલો કેટલી જાણતા હશે અને કેટલાય પ્રેમી પંખીડાને આ વ્હાલમ  પ્રીતનો પત્ર લખી સમજાવવા ઈચ્છું છું. આજના યંગસ્ટર્સ પ્રેમ, મહોબ્બતને ઈબાદત-પૂજા સમજે અને તેનો દુરુપયોગ ના કરે, વારંવાર સંબંધો બાંધી તેને તોડી નાખો તે પ્રેમ નથી, ફક્ત એક ટાઈમપાસ છે, જો કોઈની લાગણી તમે દુભાવો છો, ઇશ્ક તો એવો કરો કે આ જગત તમારા પછી પણ તમારા ઇશ્કની ચર્ચાને આબાદ રાખે.

ઈશ્કબાજી સાથે વ્હાલમને પત્ર

૧. પીઝાને બર્ગર ખવડાવું, પણ ક્યારેક સૂકી રોટલીન અને ચટણી ખવડાવું તો સાથ તારો જોઈએ હમનવા…

૨. ઓડી અને મર્સીડીઝ પર બેસાડીને તને ફેરવું પણ જો પગદંડી પર લટાર કરાવું તો સાથ તારો જોઈએ હમનવા…

૩. શ્રીમંત તો હું છું પણ જો ક્યારેક મુફલિસ બનું તો સાથ તારો જોઈએ હમનવા…

૪. તારા શ્વાસમાં મારો શ્વાસ છે, પણ જો વેન્ટિલેટર પર હોઉં તો સાથ તારો જોઈએ હમનવા…

૫. માંદગીમાં સાથ તારો જોઈએ, ગરીબાઈમાં સાથ તારો જોઈએ, ખુદા ના કરે વક્તની કશીશ આવે પણ એકબીજાનો સાથ જોઈએ હમનવા..

૬. રૂહે-હવા જિંદગીમાં ખુઅળી ભરી મહેફિલ તારી, પણ એકાંતની મહેફિલમાં સાથ તારો જોઈએ હમનવા…

૭. ગુલાબની મહેકતી ખુશ્બુ તને મળે, હું કાંટાળી કેડીમાં રહીશ, એવી મારી અર્ચનામાં સાથ તારો જોઈએ હમનવા…

૮. મારી બેબસી, મારી લાચારી, મારા વિઘ્નને દૂર કરવા, વિઘ્નહર્તા બની મારી ઓજસમાં આવ્યા તમે, એવા તમારા સાથમાં અમારો સાથ મળે. એ હમનવા ચાલ સાથી આપણે બનીએ.

૯. પ્રેમી પંખીડા બની પરિવારને ખુશીઓમાં શણગારીએ એવો સાથ તારો જોઈએ હમનવા…

૧૦. જીવાદોરી અને અવસાનની વચગાળાની ડોર જ્યાં પણ ઢીલાશ પકડે ત્યાં તેને મજબૂત કરવા સાથ તારો જોઈએ હમનવા…

૧૧.મારી નારાજગીમાં તું મને મનાવવા આવ અને હું તને ગળે વળગી તારામાં સમાઈ જાઉં, તેવી ઈશ્કબાજીમાં સાથ તારો જોઈએ હમનવા…

૧૨. પત્રમાં છેવટે તારી વ્હાલમ લખે છે, સર્જનહારને એક રહસ્ય હર દિન કહું છું, તું એનો અને મારો સાથ કબરની આગોશમાં રાખજે. મારા  દર્દે દિલ, મારી ધડકન, મારૂ કાળજું, મારા શ્વાસ તારાથી બંધાયેલ છે. હું તારા વગર ધડકન વગરના દેહની જેમ અને તું પણ કાળજા વગરના દેહની જેમ જિંદા લાશ…

દુઆ રોજ એક માંગુ, જીવનમાં સાથ સંગાથે અમારો તો નિધનમાં પણ સાથ જોઈએ. સર્જનહાર, આજ બંદગી અને દિલગીરી સાથે પત્રને પૂર્ણ કરું છું.

લિ.

તારી વ્હાલમ

સના મેમણ  

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: