“સૌથી પહેલા રાજનને તારા હાથે ખવડાવ.” કાંતિભાઈએ થાબડીપેંડાનું બોક્સ પકડીને કહ્યું.
મિહિરે રાજનને બોક્સમાંથી એના મનપસંદ થાબડી પેંડા ખવડાવ્યા. એકબીજાને ભેટીને શુભકામનાઓ આપી.
“સાચું હો કાકા, જો તમે મિહિરને ના મનાવ્યો હોત તો આજે આ દુકાન ના ખુલ્લી શકી હોત.” રાજને મિહિરના ખભા પર હાથ રાખતા રાખતા કહ્યું.
“રાજન, પપ્પાએ તો મને સમજાવ્યો જ સાથે સાથે મને પણ થયું જ કે મારા એકલાથી નહીં થાય. હવે તારો સાથ છે એટલે દુકાન દીન દુગની રાત ચોગુની તરક્કી કરશે.” મિહિરએ ગર્વથી કહ્યું.
“બસ આમ જ તમારો ધંધો આગળને આગળ વધતો રહે તેવી જ એક મા ની શુભકામના છે.” શારદાબેને બન્નેના દુખડા લેતા લેતા કહ્યું.
“મારો તો પરિવાર બાળપણમાં જ મારાથી છુટ્ટી ગયો. મિહિર સાથે મિત્રતા થઈ અને મને ફરી મારા મમ્મી પપ્પા અને ખુશખુશાલ પરિવાર મળી ગયો. મિહિરનો સાથ છે એટલે મને ક્યારેય કોઈ ડર નથી લાગતો. દુનિયાની નજરમાં મિહિર અને હું ભલે મિત્ર રહ્યા પણ મારા માટે તો એ મારા સગા ભાઈ કરતાં પણ વિશેષ છે.” રાજનની આંખના ખૂણા ભીના થઈ ગયા.
“હવે બસ વધુ પડતો ફિલ્મી ના બન. આપણા સંબંધને કોઈ નામની જરૂર નથી.” મિહિરે રાજનને મજાકમાં થપાટ મારતા કહ્યું.
“હા બસ હવે બેટા અમે નિકળીએ, હવે તમે સુખેથી ધંધો કરો અને રાજન રાત્રે જમવાનું ઘરે જ છે.” કાંતિભાઈએ શાબાશી આપતા આપતા કહ્યું.
મિહિર અને રાજન બન્ને બાળપણથી દરેક કામમાં સાથે જ રહેતા. એક જ શાળામાં ભણ્યા, એક જ ટ્યુશનમાં ભણવા જતા, સાથે મળીને શિક્ષકોની મસ્તી કરતાં. બન્નેની મિત્રતા પણ એવી ગાઢ કે ગુજરાત બોર્ડે પણ દસમાં અને બારમાં ધોરણમાં એક જ કેન્દ્રમાં બન્નેનો નંબર આપ્યો. બન્ને મિત્રો સારા નંબરે પાસ થઈ એક જ કોર્સમાં કોલેજમાં એડમિશન લીધું, ગ્રેજ્યુએટ થયા.
રાજને ગ્રેજ્યુએટ થયા બાદ મિહિરને ગારમેન્ટના ધંધા માટે વાત કરી હતી પણ મિહિરને નોકરી કરવાની વધુ ઈચ્છા હતી. રાજને ઘણી વિનંતી કરી, ફાયદા – ગેરફાયદા બધુ વ્યવસ્થિત સમજાવ્યું છતા મિહિરને ધંધો કરવાથી ડર લાગતો હતો. રાજને મિહિરના પિતાને વાત કરી અને તેનું ધંધા વિશેનું આયોજન સમજાવ્યું. કાંતિભાઈએ મિહિરને સમજાવ્યો અને એને આ ધંધા માટે રાજી કર્યો.
રાજનના સફળ આયોજન અને મિહિરની કામ કરવાની ધગશને કારણે ધંધામાં ખૂબ પ્રગતિ થઈ. જોત જોતા બે વર્ષમાં એમના શહેરમાં એમના ગારમેન્ટની ત્રણ દુકાનો શરૂ કરી દીધી. ધંધો ખૂબ સારો ચાલતો હતો અને હમેશાંની જેમ રાજનને ધંધો હજી વધુ આગળ વધારવા એક વિચાર સ્ફૂર્યો.
“ભાઈ, હવે આપણે ગુજરાત બહાર પણ પગ જમાવવા જોઈએ. આપણાં ગારમેન્ટની માંગ બહારથી પણ આવે છે.” રાજને નફો થયેલા પૈસા ગણતાં ગણતાં કહ્યું.
“એ બઉ મોટું રિસ્ક છે, આપણે હજી આટલી મોટી ઉડાન ના ભરવી જોઈએ. આ ત્રણ ત્રણ દુકાનો છે અને જો આપણે ગુજરાત બહાર જશું તો જે કામ આટલી સારી ગુણવત્તાથી કરીએ છીએ એ કદાચ નહીં થાય.” મિહિરે નકારમાં વાત કરી.
“એ તું બધુ મારા પર છોડી દે, હું છું ને.” રાજને અતિઆત્મવિશ્વાસ સાથે કહ્યું.
“ભાઈ, આટલી બધી ચાદર નથી ફેલાવવી રહેવા દે ને. હજી એક બે વર્ષ ખમી જા.”
“આ જ સાચો સમય છે. મને તું બસ એક તક આપ.”
“સારું તારી જીદ સામે હમેશાં મારે જુકવું જ પડે છે. કરી લે કોશિશ.” મિહિરે અણગમા સાથે કહ્યું.
રાજને એના સંપર્કોથી ચેન્નાઈ અને મુંબઇમાં પોતાના ધંધાની ધાક જમાવી. છ જ મહિનામાં મુંબઇમાં એક દુકાન અને ચેન્નાઈમાં ભાગીદારીમાં દુકાન શરૂ કરી દીધી. ખૂબ સારી આવક થવા લાગી. રાજન હવે કામના કારણે ગુજરાતથી બહાર વધુ રહેવા લાગ્યો. મિહિર ગુજરાતમાં એકલો બધુ સંભાળી લેતો હતો. ગુજરાતમાં રહેલી ત્રણ દુકાનો કરતાં વધુ આવક બાકીના બે રાજયોમાંથી થતી હોવાથી મિહિરને ઈર્ષા થવા લાગી. મિહિરનો વ્યવહાર બદલવા લાગ્યો. એ રાજનને વ્યવસ્થિત જવાબ ના આપે, ગુજરાતની દુકાનોમાં નફો ઘટવા લાગ્યો.
“ભાઈ, શું સમસ્યા છે? આચનક આટલો ઓછો નફો કઈ રીતે?” રાજને હિસાબ જોતા જોતા કહ્યું.
“તું કોણ મને પૂછવા વાળો? અહિયાં બધુ બરાબર જ ચાલે છે, આટલો જ નફો થતો હતો પહેલા પણ.” મિહિર અતડાઈને જવાબ આપ્યો.
“ભાઈ પણ આ આંકડા તો જો અને એક મિનિટ આ છેલ્લે ૫૨ લાખનું શેનું ટ્રાન્ઝેક્શન છે?”
“મે વાંસણામાં મારા માટે પ્લોટ બુક કર્યો છે.”
“ભાઈ, મને કહ્યું તો હોત.”
“કેમ તને હવે બધુ કહીને કરવાનું! તું કાંઇ મારો શેઠ છે?”
“આમ કેમ વાત કરે છે હું તો એટલે કહું છું કે જો તે મને કહ્યું હોત તો બન્ને સાથે બુક કરાવેત.”
“હાથ જોડું છું હાથ હવે મારે તારી સાથે કાંઇ નથી કરવું. હું એકલો પણ કરી શકુ છું. તારી જરૂર માટે બધે નથી.”
“મારી કાંઇ ભૂલ થઈ છે?”
“હા, તારી સાથે ધંધો કર્યો એ જ મારી સૌથી મોટી ભૂલ છે. મે આનો રસ્તો શોધી લીધો છે. આ લે આમાં સાઇન કર.” મિહિરે કાગળનો ઘા કરતાં કહ્યું.
“શું છે આ?”
“ભાગીદારી તોડું છું, આ ડોક્યુમેન્ટ પર સાઇન કર, તારો ભાગ લે અને હાલતો થા.”
“ભાઈ, આપણે બન્ને એક જીવ છીએ, હજી એકવાર વિચારી લે. જો મારી કાંઇ ભૂલ થઈ છે તો હું હાથ જોડીને તારી માફી માંગુ છું.”
“મારે તારી સાથે કામ જ નથી કરવું. હું કંટાળી ગયો છું તારાથી, બાળપણથી ગળે સાપ વિટળાયો હોય એમ વિટળાઈને પડ્યો છે. હવે મારો જીવ મુંજાઈ છે, ખબર નહીં કયા કાળમાં તું મારો મિત્ર બન્યો.” મિહિરની ઈર્ષા હવે હદ વટાવી ચૂકી હતી.
“મારા ભાઈની જેવી ઈચ્છા.” રાજને રડતાં રડતાં સાઇન કરી અને ત્યાંથી નીકળી ગયો.
મિહિર એ સાઇન જોઈને રાજી રાજી થઈ ગયો, વગર મહેનતએ બધુ જ એની પાસે આવી ગયું. મિહિરે એકલાં હાથે ધંધો જમાવવાની પૂરી કોશિશ કરી પણ કાંઇક ને કાંઇક ખૂટતું હતું. મિહિર દરેક ગ્રાહકોને પહોંચી નહોતો શકતો. મુંબઈના ગ્રાહકો સતત રાજનની માંગ કરી રહ્યા હતા પણ મિહિર એની જીદમાં એક નો બે ના થયો.
એક વર્ષમાં મિહિરના ધંધામાં ખાસ્સું નુકશાન આવ્યું. રાજન આ બધુ જાણતો હતો, એના માટે મિહિર એનો પરિવાર હતો. એ મિહિરને મળવા ગયો.
“આ નવું આયોજન અને એનું પ્રેઝન્ટેશન બનાવ્યું છે, મુંબઈ અને ચેન્નાઈના ગ્રાહકોને દેખાડ જે. એ લોકો તરત જ બધો માલ ખરીદી લેશે.” રાજને પેનડ્રાઇવ આપી અને ત્યાંથી નીકળતા કહ્યું.
“એક મિનિટ બેટા.” કાંતિભાઈ એક બોક્સ પકડીને આવ્યા.
“પપ્પા તમે?”
“હા, રાજન મિહિર અહિયાં આવો બન્ને. યાદ છે તમને ચાર વર્ષ પહેલા આ જ દુકાનના ઉદઘાટન સમયે તમે બન્ને એ એકબીજાને આ થાબડી પેંડા ખવડાવ્યા હતા. એકબીજાને ગળે મળ્યા હતા. ધંધાની શરૂઆત કરી હતી.”
“હા કાકા પણ તમે કહેવા શું માંગો છો?”
“કદાચ એ પેંડાની મીઠાશ જતી રહી લાગે છે, મારો દીકરો મિહિર તને ખૂબ યાદ કરે છે પણ એ એના સ્વભાવના કારણે તને કહી નથી શકતો. ઈર્ષાના કારણે અલગ થઈ ગયા. એ પણ ભૂલી ગયા કે ભાઈ કરતાં પણ વધુ સાથે રહેતા હતા અને નાની એવી વાતમાં અલગ થયા.”
“એ મીઠાશ આજે પણ એમની એમ જ છે પપ્પા. મારા ભાઈ, ઈર્ષામાં મારુ મગજ ખરાબ થઈ ગયું હતું. મહેરબાની કરીને મને માફ કરી દે. ” મિહિરે બોક્સમાંથી એક પેંડો લીધો અને રાજનને એના હાથે ખવડાવ્યો.
“ભાઈ – ભાઈમાં આવું તો થયા કરે. લે આ તારા તો મનપસંદ છે. કાકા, આજે આ પેંડાના સમ ખાઈને કહીએ છીએ કે આની મીઠાશ હવે ક્યારેય ઓછી નહીં થવા દઈએ.” બન્નેએ એકબીજાને ભેટીને કહ્યું.
સુનિલ ગોહિલ “માસ્તર”