. હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,
આંસુઓ માફ કરો,સહેજ હસી તો લઈએ,
કાલ જે નામ લઈ આંખ થવાની જ છે બંધ,
આજ એ નામ લઈ સહેજ જીવી તો લઈએ
– શુન્ય પાલનપુરી
વિશ્વમાં એપ્રિલના ત્રીજા શનિવારના રોજ ‘પતિ પ્રોત્સાહન દિવસ’ & ‘વિશ્વ પતિ દિવસ’ તરીકે ઉજવાય છે.
સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.
આપણે સ્ત્રીની વાતો સ્ત્રીના વખાણ અને સ્ત્રી પરના લખાણને માણતા જ આવ્યા છીએ. પણ એની સામે પુરુષ સાથે તેના આખા સમુદાય સાથે અન્યાય કર્યો છે..કેટલી દુ:ખદ વાત છે કે પુરુષ દ્વારા લખાયેલા અસંખ્ય સાહિત્યમાં પુરુષ નામની પ્રજાતીની કદર બહુ જવ્વલે જ કરવામાં આવે છે.આજે જ્યારે સંદર્ભ માટે શોધખોળ કરી ત્યારે કરેલ મહેનત નિષ્ફળ નીવડી.
પુરુષ એટલે શું ?
પુરુષ એટલે છપ્પનની છાતી
પુરુષ એટલે પહાડી અવાજ
પુરુષ એટલે શરીર સુખનો ભોગી
પુરુષ એટલે ઇગોમાં અટવાયેલો ખૌજી
પુરુષ એટલે સવારનું છાપુ
પુરુષ એટલે ખિસ્સામાં લીલી ખુશી ભરતો વેપારી
પુરુષ એટલે શરીરની દરિયો સાચવતો વીર
પુરુષ એટલે સુખની ટુંકી વ્યાખ્યા
પુરુષ એટલે હિંમતની હિમશીલા
પુરુષ એટલે પરિવારનો મોભ
પુરુષ એટલે વર્ષ ગળી ગયેલ બાળક
પુરુષ એટલે કુંટુંબનું ઇધણ
પુરુષ એટલે ક્રિકેટ જીવતો ખેલાડી
પુરુષ એટલે સંબંધોનું પિરામીડ
પુરુષ એટલે હિંમતના આંસુ સાચવતો ભડવીર
પુરુષ એટલે પૌરુષ સાચવવા ટળવળતો જીવ
પુરુષ એટલે ઘણુ બધુ
અને પુરુષ એટલે કંઇ નહિ
સુંદરતા સ્ત્રીને બક્ષી છે અને તેના સૌંદય માટે પુરુષ રચાયો છે નાલાયક હોય કે ઉંમરલાયક, સુંદર હોય કે શૂરવીર, છપ્પનની છાતી વાળો હોય કે છપ્પન કિલો વજન વાળો આ બધાને સતત એક વાત પીવરાવવામાંઆવે છે કે તું છોકરી નથી, તું કઠણ અને બાહોશ છે આ બધાથી એ જ્યારે સજ્જ થઇ જાય ત્યારે આપણો પ્રહાર ફરી શરુ થાય તારામાં લાગણી નથી, તને કોઇની ફિલિંગ્સની કદર નથી..તારામાં હ્રદય જેવું કંઇ છે જ નહિ. હવે આ ગુંચવાડામાં પુરુષ કરે તો કરે શું ?
એક પુરુષના જીવનની આ વાત બે ભાઇઓ અને એક બહેનના ભાંડળાઓમાં તે વચેટીયો..તેનુ નામ નિશાંત..એક રુઢીવાદી અને પુરુષપ્રધાન સમાજને ટેકો આપતુ આ કુંટુંબ અને એના ધારાધોરણો. વર્ષો પહેલા અનુભવ જ અભ્યાસ હતો એટલે પ્રાથમિક શિક્ષણ તો બહુ થઈ ગયુ ભાઇ અને બહેનના લગ્ન ૧૭-૧૮ વર્ષની ઉંમરે જ થવા લાગ્યા..પ્રેમા સાથે નિશાંતે પણ સહજીવન શરુ કર્યુ. નિશાંતે જે જોયુ હતુ એ અનુસર્યુ..એને પ્રેમા ખુબ ગમતી પ્રેમા હતી પણ ખુબ પ્રેમાળ પણ ઘરની અદર ખટપટ હોય કે વ્યવસાયની જડભડ હોય બધો ગુસ્સો પ્રેમા પર ઢલવાતો પહેલા શબ્દો જ પડતા હતા ધીરે ધીરે હાથ પણ ઉગામવા લાગ્યો નિશાંત..એક દિવસ કામેથી ઘરે આવતા નિશાંતનો એક નાનક્ડો અકસ્માત થાય છે તેના પગે એક ફ્રેકચર આવે છે જેને લઇને પંદર ઘરે રહ્યો અને એણે એની સગી આંખે ચકાસી લીધુ કે ઘરમાં થતી ખટપટમાં પ્રેમાનો કોઇ દોષ જ નહતો તેમ છતાં એ પ્રેમા સામે કદી કબુલી ન શક્યો. પણ તેનું વર્તન થોડા ઘણા અંશે જરૂર બદલાયુ હતુ. સમય દ્રાક્ષના વેલા માફક ચાલતો ગયો પ્રેમા અને નિશાંતને ઘરે બે દિકરીઓ જન્મી બંન્ને ખુબ સુંદર અને મોહક…જોઇને જ વ્હાલ વરસે..બંન્નેની ઉંમર કરતા વધુ સમજુ અને ઠરેલ..એક દિવસની સવારે નિશાંતઅને બંન્ને દિકરીના જીવનમાં રાત પડી ગઇ પ્રેમા હ્રદયના હુમલાથી મૃત્યુ પામી..નિશાંત સુન્ન થઇ ગયો હતો એને કંઈ જ સમજાતુ ન હતુ કે શું કરે ? પરિવારના સભ્યોએ થોડા સમય સુધી સાચવી લીધુ પણ આગળ શું ? માતા અને પિતા બંન્ને તરીકે હવે નિશાંતે તૈયાર થવાનું હતુ એને એક પુરુષની કઠોરતા છોડી એક સ્ત્રીની ઋજુતા જાણે પ્રેમાની નનામી બાંધતી વખતે જ અપનાવી લીધી હતી તે એક ઉત્તમ પિતા નહિ પણ યોગ્ય માતા પિતા તરીકે રોજેરોજ પારંગત થતો ગયો અને પ્રેમાને ન કરેલા વ્હાલને તેની કરેલ અવહેલનાને પોતાની દિકરીઓ પર પ્રેમ વરસાવીને વસુલ કરી એક વાત્સલ્યથી છલોછલ અને એક ખુબ કાબિલ દિકરીઓના પિતા તરીકે આજે તે જીવી રહ્યો છે.
એ સ્ત્રી હોય કે પુરુષ એની અંદર આવેગો તો ખદબદી રહ્યા છે આ આવેગોને આપણે યોગ્ય ઢાળ આપીને બહાર લાવવા માટેની એક દિશા શોધવાની છે.સ્ત્રી હંમેશા નાની નાની બાબતોમાં ખુશીઓ શોધતી હોય છે..સાવ નજીવો પ્રતિભાવ કે મામુલી ભેટ તેના ચેહરા પર મુસ્કાન લઈ આવતી હોય છે..તે અભિવ્યક્તિના આધારો અને આવેગોને ખાલી કરવા સહાનુભૂતિ અને શ્રોતાને ઝંખે છે…જ્યારે પુરુષ હમેંશા કંઇક વિશાળ અને મોટું કરવાના પ્રયત્નોમાં જ સતત વ્યસ્ત હોય છે..તેને આ અનુભૂતિ – લાગણીની અભિવ્યક્તિ આ બધુ બહુ આકર્ષતું નથી તે અથાક મેહનત કરી શકે છે જ્યારે તે એમ સમજે કે કોઈને તેની જરૂરિયાત છે..તેના પર જવાબદારી છે.
આમ મોટું કરવામાં હંમેશા નાનું નાનું રહી જાય છે..નાની નાની વાતોમાં અભિભૂત અને કેટલીક અભિવ્યક્તિ ન થવાથી ઘણી વાર સંબંધમાં મોટો સંઘર્ષ સર્જાય છે..એકમેકને પ્રેમાળ લાગતા પાત્રો એકબીજાને વિકરાળ લાગવા લાગે છે…અંતે સંબંધમાં રહેલો લાગણી નામનો પ્રેમ મૃત્યુ પામે છે…પતિ પત્નીના આ રોગ જોવા મળે તો છૂટાછેડા લઈ આ બીમારીનું ઓપરેશન થાય છે..! બાકીના લોકો મનથી છેડા છૂટા કરી દે છે..!
આપ સૌને આ દિવસ મુબારક અને દરેક સજીવમાં રક્ષક સ્વરુપે જીવતા એક પુરુષને વંદન.
~ ડૉ. હિરલ જગડ