ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

મળવાની છેલ્લી ઈચ્છા (પત્ર)

મારી વ્હાલા દુનિયાની બેસ્ટ મમ્મી,

તને લાગતું હશે ને! કે આ પત્ર મેં 3 વર્ષ પછી કેમ લખ્યો અને એ પણ વ્હાલી મમ્મી એવી શુભ શરૂઆત સાથે? હું જ્યારે ઘર છોડીને ભાગી ગઈ ત્યારે કદાચ હું ભવિષ્યની પરિસ્થિતિથી તદ્દન અજાણ હતી, હું સ્વાર્થી માત્ર મારો જ વિચાર કર્યો. નાનો ભાઈ, પપ્પા અને તને એ ક્ષણે ભૂલી જ ગયેલી.

જ્યારે તારા ગર્ભમાં લાત મારતી ત્યારે તું હસી પડતી હશે ને! આજે ખરેખર હું તારા અને પપ્પાના જીવનને લાત મારીને ચાલી ગઈ. પણ મમ્મી તું અને પપ્પા તો મને કદાચ સ્વીકારી પણ લેત પરંતુ આપણો પડોશ, આપણી સોસાયટી, આપણાં સગાંવહાલાં, આપણો સમાજ કદી ના સ્વીકારત. કારણ કે એ લોકોની માન્યતા એવી જ છે કે દીકરીના જીવનનો નિર્ણય એ જાતે ના લઈ શકે, મા બાપ કહે ત્યાં જ પરણવાનું. પણ તે મારી સહેલી ધારાનું જીવન જોયું ને! બિચારી ત્રણ ઠેકાણાં બદલી તો’યે ઠેકાણે નથી પડી. જો એ ઈચ્છતી હતી ત્યાં રેવામાસીએ લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હોત તો આજે આટલી દુઃખી ના હોત.

હું એવું નથી કહેતી કે તે અને પપ્પાએ શોધેલા ઠેકાણે હું પણ દુઃખી થાત, પણ મને ખબર નહીં ક્યારે સિદ્ધાર્થ સાથે અતૂટ લાગણીઓ બંધાઈ ગઈ! એવું નથી કે તને અને પરિવારને મેં સાચો પ્રેમ નથી કર્યો, પરંતુ મમ્મી હું સિદ્ધાર્થ વગરનું જીવન વિચારી જ નથી શકતી. અને તારા દબાણ નીચે જીવતા જીવતા ક્યારે સિદ્ધાર્થ મને લેવા આવ્યો અને હું ચાલી ગઈ એની મને ભાન જ ના રહી.

આજે મારા ઘેર કોઈ પણ મહેમાન આવે છે તો એ મને જોઈને પહેલાં તને યાદ કરતા કહે છે શું માતાના સંસ્કાર છે! આવી વહુ તો ડામશીએ દીવો લઈને ગોતવા નીકળીએ તો’યે ના મળે. સિદ્ધાર્થ અને આકૃતિની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર છે. અમે બીજાને પણ દાખલા આપીયે છીએ કે જાવ આકૃતિ પાસે અને જઈને જુવો કે ઘર, નોકરી, ઘરડા મા બાપની સેવા વચ્ચે તાલમેલ કેમ જાળવવો? આ બધી જ શીખ મમ્મી મને તે જ આપેલી છે. હું આજે કોઈ માટે ઉદાહરણરૂપ બની છું તેનો આધારસ્તંભ મમ્મી તું છે.

તે ક્યારેય મારા કે ભાઈ વચ્ચે ભેદભાવ નથી કર્યો, જે વસ્તુ અને જે સુવિધાઓ તે એને આપી છે એ જ વસ્તુ અને એવી સુવિધાઓ તે મને આપી છે. તારે ખોળે એક દિકરી હતી તો તારા અંતરમનમાં એક શાંતિ હશે ને કે જીવનનો થાક મારી પાસે ઉતારી શકીશ પણ મેં તો કદાચ તારા આ મહામુલા સ્વપ્નાઓ પર પાણી જ ફેરવી નાખ્યું.

મારો પરિવાર અને સિદ્ધાર્થ મારાથી ખૂબ જ ખુશ છે અને હું પણ સૌથી ખુશ છું, પણ જીવવામાં હજુ કંઈક અધૂરપ લાગે છે અને એ અધૂરપ છે તારી અને આપણા પરિવારની. હું આજે અનેક સફળતાઓ મેળવીને ઘણી ખુશ થાઉં છું, મનોમન તને યાદ કરીને રડી પડાય છે. તારા ફોટાને છાતી ચરસો ચાંપી હિબકે ચડી જવાય છે. ભૂતકાળના એ બાળપણના દિવસો યાદ કરતા કરતાં ક્યારેક ભૂલી જવાય છે કે હું આજે સિદ્ધાર્થની પત્ની બની ચુકી છું અને એક નાનકડી દીકરીની માતા પણ…

હા મમ્મી એક વર્ષ પહેલા જ મેં એક દીકરીને જન્મ આપ્યો છે અને તે પણ પ્રથમ જૂને. તારો અને એનો જન્મ દિવસ સાથે જ છે. તું હવે માત્ર મારી મમ્મી જ નથી રહી તું મારી દીકરીની નાની બની ગઈ છે. તે બિલકુલ તારી જ હમશકલ છે. જ્યારે માતા બની ત્યારે જ તારા દર્દનો અનુભવ કરી શકી. હું મારી દીકરીને એક મિનિટ માટે પણ દૂર નથી રાખી શકતી, મારા ગયા પછી તારું જીવન કેવું બની ગયું હશે? સગાસબંધીઓએ તારી ઉપર કેટલાં માછલાં ધોયા હશે કેવા તને મેં’ણા ટો’ણા માર્યા હશે? અને વાંક મારો હતો છતાંયે તે કેટલું સાંભળ્યું હશે?

મમ્મી હું જેમ તારી આંગળી પકડીને તારી સાથે ચાલતી એમ મારે હજુ ચાલવું છે, તારી છાતી પર માથું મૂકીને સૂતી એમ સૂવું છે, તારા હાથેથી જમતી તેમ જમવું છે, અને હાલરડું ગાઈને સુવડાવતી તેમ આજેય સૂવું છે. આખો દિવસ મારો વ્યસ્તતામાં નીકળી જાય છે પરંતુ તારી પાસે જે નિરાંતનો અનુભવ કરી શકતી એ નિરાંત મને આજે ત્રણ કરોડના ઘરમાં નથી અનુભવાતી.

સિદ્ધાર્થ અને ઘરે સૌનો સ્વભાવ ખૂબ જ સારો છે, સિદ્ધાર્થ ખૂબ જ મહેનતુ છે. ખબર નહીં મારા પરિવાર અને સિદ્ધાર્થ વિશે તને ખોટી જાણકારી કોણે આપી અને તે અને પપ્પાએ કંઈ તાપસ કર્યા વિના જ એ સત્ય માનીને મને સિદ્ધાર્થને ભૂલી જવાની વાત કહી હતી. ત્રણ વર્ષમાં મને કોઈએ અહેસાસ નથી થવા દીધો કે હું ભાગીને આવી છું. મારા સાસુએ પણ દિકરીથી વિશેષ પ્રેમ આપ્યો છે છતાં પણ તારા પ્રેમની હૂંફ ઝંખું છું. તારું વ્હાલ ઝંખું છું.

વેકેશનમાં મામાની ઘેર તો જતી રહેતી પરંતુ ત્યાં જ્યારે એકલું લાગતું અને ક્યાંય ગોઠતું નહીં ત્યારે તું જે દિવસે લેવા આવવાની હોય અને કેવી હું કાગડોળે રાહ જોયા કરતી અને તને જોઈને તને ભેંટીને હું કેટલું રડતી અને ઘરે જવાની જીદ કરતી બસ આજે પણ એ ક્ષણ ફરી આવે એવું ઈચ્છું છું બસ ફર્ક એટલો છે કે આજે મામાના ઘરે નહીં પણ મારા ઘરે છું.

ઘણીવાર એવું થયેલું કે હું તારી પાસે આવું પરંતુ તારા એ શબ્દો આપણાં ઘર તરફ આવતા મારા ડગલાં રોકી દે છે. હું ભાગીને ગઈ અને લગ્ન કરી લીધા ત્યારે તને મારા પરિવારે કોલ કરેલો અને જ્યારે આપણી વાત થઈ ત્યારે તે કહેલું કે, “આજ પછી ક્યારેય આ ઘર તરફ પાછું વળીને જોયું કે આ ઘરે તારા પગલાં પડ્યા એ પછીથી તું ક્યારેય મારું મોઢું નહીં જોવે” તારા આ શબ્દો મને કંપાવી દે છે, હું પપ્પાને એકલા સ્વપ્ને પણ ના વિચારી શકું અને નાના ભાઈને હજુ તારી ખૂબ જરૂર છે, ભાઈના લગ્નનો વર મા બનવાનો શોખ તારો અધુરો રહી જાય, એટલે વિચાર્યું કે જ્યારે સામેથી તું આપણા સંબંધો સ્વીકારીશ ત્યારે જ પાછી આવીશ.

આજે હું મારા પરિવાર સાથે દરેક તહેવાર ઉજવું છું, પરંતુ તારી સાથે દિવાળીએ દિવા પ્રગટાવવાની, ફટાકડા ફોડવાની, મીઠાઈઓ બનાવવાની અને ફરવા જવાની મજા જ કંઈક અલગ હતી. તું તારી પહેલા પણ મારું વિચારતી, અને હું સ્વાર્થી તારો એકવાર પણ વિચાર કર્યા વિના…

તું એક વાર તો મને મળીશને? મને અને મારી દીકરીને તારી છાતીનું વ્હાલ આપીશને? સિદ્ધાર્થ અને અમારા પરિવારને સ્વીકારીશને? આપણા સગાંવહાલાં, સોસાયટી અને સમાજના બંધનની ટીકાની પરવાહ કર્યા વિના એકવાર મને અપનાવીશને? બસ મારી આ છેલ્લી ઈચ્છા છે.

હું ભાગીને ગઈ ત્યારે લોકોએ મારી ખૂબ ટીકા કરી હશે ખૂબ જ બદ્દદુવા આપી હશે, કદાચ તારી અને પપ્પાની જીભેથી પણ મારા માટે બદ્દદુવા અને અપશબ્દો નીકળ્યા હશે પરંતુ હું એટલું તો જાણું જ છું કે તમે દિલથી મારા માટે કદીયે ખરાબ નહીં વિચાર્યું હોય. પરંતુ તારી અને પપ્પાની ઈજ્જત ઉપર પાણી ફેરવીને જનારીને પ્રભુ ક્યાં જન્મે સુખી કરે?

હાલ જ મારી તબિયત લથડતા જાણ થઈ કે મને છેલ્લા સ્ટેજનું ફેફસાનું કેન્સર છે, જેના ઈલાજ માટે ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હું મારા પરિવાર, મારી દીકરી, સિદ્ધાર્થ અને તારી સાથે પણ ખૂબ જ ઓછા દિવસોની મહેમાન છું. ખબર નહીં ક્યારે અંતકાળ આવી જાય! એક દિવસ તો સૌને પ્રભુ પાસે જ જવાનું છે પરંતુ આ જન્મે હું તને એકવાર મળ્યા વિના નથી જવા માંગતી, મારી દિકકરીનો હાથ મારે તારા હાથમાં સોંપવો છે જેથી તું એનું ભવિષ્ય સુધારી શકે, અને સિદ્ધાર્થને બીજા લગ્ન કરવા માનવી શકે, મારા ગયા પછી તે એકલા થઈ જશે, એ જીવી નહીં શકે. આ ઉંમરે તેને વિધુર જોવાની તાકાત તેના મા બાપમાં નથી.

આવતા જન્મે ફરી મળીશું, મમ્મી હું પ્રભુ પાસે જઈને એમ જ કહીશ કે મને આવતા જન્મે તારા જ ખોળે જન્મ મળે અને મારી આ અક્ષમ્ય ભૂલ સુધારવાનો મોકો મળે. મમ્મી મને કંઈ થઈ જાય એ પહેલાં મને મળવા આવીશને? એમ કરજે તું 9 મેં ના રોજ જ મળવા આવજે ત્યારે હું પણ તને છેલ્લીવાર મળી લઉં અને મારી દીકરી પણ મને છેલ્લી વાર મળી લેય. આવતી 9 મેં સુધી હું તમારી વચ્ચે નહીં હોઉં એ નક્કી છે. મમ્મી તું એકવાર પ્લીઝ હૈયે પથ્થર મૂકીને પણ આવજે કારણ કે હું ત્યાં હવે નહીં આવી શકું. મારી આ છેલ્લી ઈચ્છા એક પુરી કરજે, મને મમ્મી તું મધર્સ ડે ના દિવસે મળવા આવજે.

લી. તારી લાડકડી આકૃતિ.

અંકિતા મુલાણી
રિચ થીંકર

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: