ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

મૃત્યુના સાક્ષી

“સીસ્ટર એ સીસ્ટર , દોડતા પગે નર્સિંગ સ્ટેશનમાંથી વોર્ડબોયે બૂમ પાડી. જલ્દી કરો સીસ્ટર તમારા ફુવાએ વેન્ટિલેટરનું માસ્ક કાઢી નાખ્યું. હદય બમણાં જોરથી ધબકવા લાગ્યું , જાણે પગ હદયનો મુક આદેશ સમજી ગયા હોઈ એમ ત્રેવડી ગતિથી દોડ્યા. ફટાફટ માસ્ક લગાવ્યું અને સહેજ ઊંચા અવાજે કહ્યું , ફુવા શું થાય છે ? શુકામ કાઢી નાખ્યું માસ્ક ? કાઈ થાય છે ?” હા હા મને બોવ મૂંઝારો થાય છે અહીંયા નથી રેવું મારે, મને ઘરે લઈ જા. તું મને ઘરે લઈ જા. મારા ફૂવાએ તૂટક શબ્દોમાં જવાબ આપ્યો. 
સિવિલ હોસ્પિટલનો કોવિડ-19 વોર્ડ , ખીચોખીચ ભરેલો હતો. અહીંયા સોશિયલ distancing જળવાય એમ નહોતું. હારબંધ પડેલા ખાટલા અને એના પર બેબસ ચેહરાઓ કેટલું ડરામણું લાગે આ દૃશ્ય. અને એનાથી પણ વધુ બેબસ, અસહાય સ્ટાફ. એ સ્ટાફમાની એક હું, જેના ભાગે બમણી જવાબદારી લખાયેલી હતી. ક્યારેય સ્વપ્ને પણ નોતું વિચાર્યું કે મારા જ વોર્ડમાં ખીચોખીચ ભરેલા હારબંધ ખાટલા વચ્ચે એક ખાટલો મારો ઓળખીતો નીકળશે. 

ત્રણ દિવસ પેલા 37% spo2 સાથે મારા જ વોર્ડમાં મારા ફુવાને admit કર્યા હતા.તાત્કાલિક વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલુ કરી. ધીમે ધીમે તબિયતમાં સુધાર આવતા હાશ થઈ. ગઈકાલે રાતે તો 94% spo2 જોઈને મને થયું હાશ હવે ફુવા બચી જશે. પણ આજ સવારે વોર્ડબોયના અચાનક સાદથી જીવ તાળવે ચોંટી ગયો. અને હું અકારણ એમના મૃત્યુની સાક્ષી બની બેઠી. 

મૃત્યુ – આ શબ્દ ખરેખર આટલો ડરામણો , તાકાતવર, અજેય , સનાતન સત્ય હશે ,એવું આજ પેલા ક્યારેય નોતું અનુભવ્યું. લમણે લખાયેલો હશે આ અનુભવ કદાશ.
ફુવા શાંત થઈ જાવ, કાઈ નઈ થાય, હજુ મોઢામાંથી શબ્દો નીકળે એ પેલા ધમપછાડા કરવા લાગ્યા. ચાર પાંચ જણાએ થઈ હાથ પગ બાંધી દીધા પછી થોડા શાંત થયા. વેન્ટિલેટરની સ્ક્રીન જાણે દુશ્મન બની ગઈ. અચાનક નંબરોએ જાહેર હડતાળ પાડી દીધી. બાજુમાં પડેલા સ્ટૂલ પર મે પડતું મૂક્યું. જાણે કુદરતે મારી તમામ સંવેદના, ઈન્દ્રિયોને અનેસ્થેસિયા આપ્યું હોઈ એમ સુન્ન બની ગઈ.આખો વોર્ડ ભેંકાર લાગવા લાગ્યો. આખરે મૃત્યુનાં દેવતા આવી પહોંચ્યા હતાં. ચાવી દીધેલા રમકડાં જેમ ઉભી થઈ મોઢામાં પાણીના ટીપાં રેડ્યા. મૃત્યું હાથવેંત દૂર હતું. જાણે હું એને જોઈ શકતી હતી, અનુભવી શકતી હતી, બસ રોકી નોતી શકતી. ફુવા હાથ લંબાવીને કહેતા હતા પકડી લેને મારો હાથ. અને હું મૃત્યુને દુર ખસેડવાના નિરર્થક પ્રયત્ન કરતી રહી, વેન્ટિલેટરના આડાઅવળા બટન દબાવું, છાતી ઘસુ, દબાવું. પણ સમય આજ રૂઠયો હતો.ઓક્સિજન લેવલ બતાવતા આંકડા મારાથી રિસાય ગયા. અવળું ફરીને બસ ઉતરતા ક્રમમાં દોડવા લાગ્યા. 45..40..20..15 .10..00 . ટુક ટુક ના અવાજ સાથે મૃત્યુનો દેવતા બાજી મારી ગયો. મૃત્યુને આટલી જીણવટથી , નજીકથી પેલી વાર જોયું, અનુભવ્યું. એ આવ્યું, થોડી ક્ષણો રોકાયું અને સંસારની માયા આટોપી લીધી, શરીરથી આત્માનું મુક્તિ થઈ. ચેહરા પર મોત સાથે બાથ ભીડી હોઈ એવો થાક દેખાયો. સાથે તમામ પીડાના અંત થયાની આછી રેખાઓ. આંખમાં આંસું જાણે થીજી ગયા. ગળું ડૂમાનું ગોડાઉન બની ગયું. અચાનક ઇન્દ્રિયોમાં જીવ ફૂક્યો હોઈ એમ ભાન આવ્યું. મારા ફુવા હવે નિર્જીવ લાશ બનીને પડ્યા હતા. કશુંય સુજતું નોતું કે મારે શું કરવું. ભગવાને મને એમના મૃત્યુની સાક્ષી બનાવી હતી. સાથે બોવ બધી હિંમત આપી હતી. બધાને જાણ કરવાથી લઈને સ્મશાન સુધી મે મારી હિંમતને સતત થીગડા લગાવ્યે રાખ્યા. હોસ્પિટલની વિધિ પતાવીને બહાર નીકળ્યા. સ્વજનોને રડતા મૂકી PPE kit પહેરી લીધી. બે બીજા અને એક હું એમ ત્રણ સ્મશાન તરફ રવાના થયાં. 

કેવું કેવું જોવાનું લખ્યું હશે મારા હાથની હથેળીમાં. છોકરી ક્યારેય સ્મશાને ના જાય. પણ હું ગઈ. તમામ વિધિ સગી આંખે જોઈ. ચિતાને આગ લગાવી. અને એ આગની ગરમીએ થીજી ગયેલા આંસું પ્રવાહી બની વહેવા લાગ્યા. ડૂમો છૂટી ગયો અને સાદ ફાટી ગયો. એ.. ફુવા મારે તમને આમ નોતા જવા દેવા..સાજા કરવા’તા તમને..ફુવા…પગ પાણી પાણી થવા લાગ્યા, છાતી પર ભાર વધવા લાગ્યો. ચિતામાંથી નીકળતો ધુમાડો જોતી રહી. જીવતું જાગતું શરીર બે કલાકમાં રાખ બની ગયું. મન વિચારોના વમળમાં ગરકાવ થવા લાગ્યું. બસ આનું જ નામ મૃત્યુ હશે ? એટલી અમથી રાખ બનવા જિંદગી આખી રઝળપાટ..

એક ક્ષણ..બસ એક ક્ષણનું હોઈ છે મૃત્યુ…એને નથી હોતી લાજ શરમ…એ નથી જાળવતું કોઈની આમન્યા..નથી એને ત્યાં ચાલતી કોઈ લાગવગ…નથી રૂપિયાનો મોહ, નથી લેતું એ રિશ્વત..એ વાર ,તિથિ,ચોઘડિયા નથી જોતું.. એને નથી નડતા લાગણીના બંધન, એને નથી દેખાતા કોઈના આંસું, બેય કાને બહેરું હોઈ છે એ..એને નથી સંભળાતા કોઈના હૈયાફાટ રુદન..એ આવશે.. પળ રોકશે…જીવ નિર્જીવ કહેવાશે..એક ક્ષણ..બસ એક ક્ષણનું હોઈ છે મૃત્યુ…

દિલમાંથી એક આહ નીકળી ગઈ. ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી: હે પ્રભુ કોઈને આવા મોતના સાક્ષી ના બનાવતો. હવે તો સાંભળ મારા વાલા. તે તો કાળિયો નાગ નાથ્યો. તું તો ગાયોને પણ મરવા નોતો દેતો. તો આ બેફામ માનવસંહાર તું અટકાવને હવે. હા માન્યું તારા ગુનેગાર છીએ. બોવ પાપ કર્યા છે માનવજાતે ,પણ તું તો દાતાર છો. સર્જનહાર છો. હવે તો અરજ સાંભળ, હાલ્યો આવ દીનાનાથ કોરોના દેત્યનો સંહાર કર. 

( સિવિલ હોસ્પીટલના સ્ટાફનર્સ દ્વારા અનુભવેલી સત્યઘટના)


ટીવી પર દેખાતા મોતના આંકડા જોઈને ઘણા લોકો હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, સ્ટાફને કોસતા હોય છે. આ લોકો જ ઈન્જેકશન દઈને મારી દેતા હશે એવી નફ્ફટાઈ ભરી વાતો કહેતા લોકો શરમાતા નથી. ત્યારે આ કથા પડદો હટાવી સત્ય હકીકત આપણી સામે લાવશે. સમજાશે કે કેટલા વિવશ, અસહાય હોતા હશે એ લોકો. અને આપણે જોયા જાણ્યા વિના દોષનો ટોપલો ઢોળી દઈએ. પોતાના જ વોર્ડમાં પોતાના સગા ફૂવાને મોતના ઓશીકે સૂતા જોઈને શું વીતી હશે એ છોકરી પર. રોજ આવા મૃત્યુનાં સાક્ષી બનતાં હશે એ લોકો.આવા સમયે આપણે એક થઈને દેવદૂત બની ઝઝૂમતા મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન આપવું જોઈએ એવું નથી લાગતું ?? દાદ આપવી જોઈએ એ લોકોની હિંમતને…એક પ્રકારની લડાઈ મંડાઈ ચૂકી છે. એકલા હાથે કશુંય નહીં પાર પાડવાનું. સૌ સાથે મળીને લડવું રહ્યુ. આ અર્થમાં એક કાવ્ય રજુ કરવાની ઇચ્છા થાય.
માનવ બનીએ ..

રાહ જોઈને બેઠા હમણાં કાનો ગોવર્ધન ઉપાડશે !!..
હાલોને ભેળી લઈ લાકડી આપણે ગોવાળ બનીએ..

મરી પરવારી માનવતા એ દાખલા દીધે શું ઉખડશે!!..

હાલોને પ્રથમ પગલું માંડી આપણે માનવ બનીએ…

મંડાય ચૂકી છે બાજી હવે અવળું ફર્યે શું ઉપજશે!!..

હાલોને દિલમાં લગાડી આગ આપણે યોદ્ધા બનીએ..

શ્વાસનો સોદાગર રૂઠ્યો બાપડાં હવે ઝુકવું પડશે!!..

હાલોને જ્યોત જલાવી આપણે સૌ મશાલ બનીએ…

ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં વસવાટ કરતાં ત્યારે એક વાર દેવોનાં રાજા ઇન્દ્ર કોપાયમાન થયાં અને એમણે અનરાધાર વર્ષાની હેલી મોકલી. સતત વરસતા વરસાદ ને રોકવા અને ગોકુળના લોકો ,ગાયોને બચાવવા કનૈયાએ ગોવર્ધન ઉઠાવ્યો. એવું કહેવાય છે કે દરેક ગોકુળ વાસીઓ એ લાકડીનો ટેકો આપીને ગોવર્ધન ઉચકવામાં કાન્હાને મદદ કરી હતી. હાલની આ મહામારી હવે દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તું જ બચાવ આવા સમયે એક વાત વિચારવા જેવી ખરી કે ભગવાન તો એનું કામ કરે જ છે પણ શું આપણે માનવ તરીકે વરતિયે છીએ ? ખરેખર આપણે માનવ બનવાની જરૂર છે. જો ભગવાન ને પણ ગોવાળો ની જરૂર પડી હોઇ તો આ તો કલિયુગ છે. ફુલ નઈ તો ફૂલની પાંખડી રૂપે મદદ કરએ અને કોરોના સામે જંગ જીતવામાં મદદ કરીએ.મરી ગયેલી માનવતાની જ્યોતને હવા આપીને જીવતી કરીએ. 
અંતે બસ એટલું જ કહીશ કે આ મોત કોઈનો મલાજો નથી રાખતું. કોઈ પોતાનાને નજર લાગે એ પેલા સમજી જઇએ ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ. 


નમ્રતા કણબી

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: