PC - google

લાલઘુમ થઈ ગયેલો જનક, રુમમાં બધુ આમ તેમ ફંગોળવા લાગ્યો. રુમમાં એની મનપસંદ એકપણ વસ્તુ હવે એને જોઇતી ના હતી. આટલા વર્ષોના પ્રેમને આવી રીતે એ ઠુકરાવી જ કેમ શકે? મે શું નથી આપ્યુ એને? એની દરેક માંગ મે પુરી કરી છે. એણે મારા દરેક સવાલોના જવાબ આપવા જ પડશે. હું કંઈ રસ્તે રખડતો જાનવર છું જો મારી સાથે આવું વર્તન કર્યુ. આજે તો એણે નિર્ણય લેવો જ પડશે. અત્યાર સુધીમાં વીસ વાર ફોન કરી ચુક્યો છું હરામ બરાબર જો એક ફોનનો જવાબ આપે તો.. ત્રણ દિવસ થયા આજે કોઈ ખબર જ નથી એની.. પહેલા તો દિવસમાં એક એક મિનિટે ફોન આવતો.. હા, હવે હું જુનો થઈ ગયો છું.. એ તો એના જીવનમાં આગળ વધી ગઈ છે..

વિચારો અને સવાલોના વમળમાં જનક બરાબરનો ફસાયો છે. જનકની નજર વિશ્વાએ આપેલી કાંડા ઘડિયાળ પર પડી.. સેકન્ડનો કાંટો જેટલી ઝડપથી આગળ વધી રહ્યો હતો એટલા જ જનકના ધબકારા ધક..ધક..ધક વધી રહ્યા હતા.. ઘડિયાળ ને જોતા એ દિવસ યાદ આવી ગયો જ્યારે વિશ્વા એ તેને પહેલી વાર પ્રેમના એકરાર સાથે આ ઘડિયાળ ભેટ આપી હતી.. કલાકો સુધી બન્ને એકબીજાના પ્રેમમાં ડુબેલા રહેતા. વિશ્વાની એ કોફી પીવાની આદત જનકને ખટકતી અને જનકની મોંઘા મોંઘા કાફેમાં રકાબીમાં કાઢીને ચા પીવાની આદત વિશ્વાને ખટકતી.. જનકની વ્હેલા આવી જવાની આદત વિશ્વાને ખટકતી તો વિશ્વાની મોડા આવવાની આદત જનકને ખટકતી.. બન્ને આવી વાતો પર ખુબ ઝઘડતા..

કેફેના માલિક ભટ્ટીભાઈને આ જોડી ખુબ ગમતી.. જ્યારે આ બન્ને ઝઘડતા ત્યારે ભટ્ટીભાઈ જનક પાસે આવીને કહેતા, “તને તો આટલી સારી આદત છે રકાબીમાં ચા કાઢીને પીવાની તો એમાંથી કંઈક શીખ. ગરમ ચા ને પહોળી રકાબીમાં નાખી ઠંડી કરે છો તો આ ગરમ ચા જેવા તારા મગજને પ્રેમની પહોળી રકાબીમાં નાખી ઠંડુ કર.” જનક વાત સમજી જતો અને બન્ને વચ્ચે સમાધાન થઈ જતુ.

આજે ના તો સમાધાન થઈ શકે એમ છે ના તો ભટ્ટીભાઈ છે. આજે તો ગરમા ગરમ ચા જેવું જનકનું મગજ છે અને રકાબી જેવા એના પ્રેમનાં એણે કટકે કટકા કરી નાખ્યા છે.  શું શું કહી દેવું એ બધુ વિચારતા વિચારતા આમ તેમ આટા મારે છે એટલામાં ફોનની રીંગ વાગે છે. જોયું તો વિશ્વાનો વિડીયો કોલ હતો. ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.. ફરી રીંગ વાગી.. ફરી ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.. ફરી રીંગ વાગી.. એ જ ગુસ્સો અને ફોન કપાયો.. વીસ વાર રીંગ વાગી અને વીસવાર કપાયો.. એકવીસમો ફોન ઉપડ્યો..

“શું છે?”
“કેમ ફોન કાપતો હતો?”
“તું કેમ ઉપાડતી નહોતી?”
“તારા માટે..”
“હા મારા માટે શું બોલ.. બોલ.. બોલ ને..સમય નહીં હોય મારા માટે.. ત્યાં લંડનમાં તમે બધા બઉ બીઝી રહ્યા ને.. ત્રણ દિવસ થયા આજે! હવે સમય મળ્યો ને તને.. હા પેલા મયંક સાથે પછી ડેવીડ સાથે અને છેલ્લે ઓલી જુલી સાથે હોઈશ.. જનક તો ક્યા કંઈ છે હવે? એ પ્રેમને તો પાંચ વર્ષ થઈ ગયાં..”

“મગજ ને શાંત કર.. હું તારા માટે જ કંઈક કરતી હતી એટલે ત્રણ દિવસથી વાત નથી કરી.. તારા વીસ ફોન જોયા છે પણ હું તારા માટે..”
“શું.. શું.. મારા માટે? મને છોડવાનો પ્લાન બનાવતી હતી મયંક સાથે? એટલે જ જો ને મને કોઈ જવાબ નથી આપ્યા.”
“તુ આટલો બધો ગુસ્સામાં છે કે જોઈ પણ નથી શકતો સામે કે હું શું કરી રહી છું?”
“શું જોવ હું તારામાં?” જનકે ગુસ્સામાં ફોન જ કટ કરી નાખ્યો. 

મનમાં આવે તેમ બોલવા લાગ્યો અચાનક તેને યાદ આવ્યુ કે વિશ્વાના હાથમાં કપ હતો અને રકાબીમાં ચા હતી. એ રકાબીમાં ચા પીતી હતી. જનકને ભુલ સમજાણી, ગુસ્સો શાંત કર્યો. ફોન કર્યો.. એક રીંગ.. બે રીંગ.. ત્રણ રીંગ.. કોઈ જ જવાબ નહીં.

જનક પોતાના પર ગુસ્સો કરવા લાગ્યો.. આ શું એ કરી બેઠ્યો? એ લમણે હાથ દઈને બેસી ગયો. ફરી એકવાર રીંગ કરી.. કોઈ જ જવાબ નહીં.. જનકે મોબાઈલ બાજુમાં ઘા કર્યો ત્યા ડોરબેલ વાગ્યો.. જનકે ઉભા થઈ દરવાજો ખોલ્યો તો સામે વિશ્વા હતી..

“તુ ઈન્ડિયામાં!” જનકે આંખો ચોળતા કહ્યુ.
“હા ડંફોળ છે તું ડંફોળ.. ક્યારની કહું છું તારા માટે.. તારા માટે.. પણ વાત પુરી જ નથી કરવા દેતો મને.. આઘો જા હવે જે કામ માટે આવી છું એ કામ કરવા દે મને..” વિશ્વા જનકને ધક્કો મારી રસોડા તરફ જતી રહીં.

જનક તો આશ્ચર્યમાં જોઈ જ રહ્યો કે આ શું ચાલી રહ્યુ છે! એ બાઘાની જેમ દરવાજા પાસે જ ઉભો રહ્યો.. થોડીવારમાં વિશ્વા એક પ્લેટમાં કપ રકાબી લઈને આવી.. જનકનો હાથ પકડી સોફા પર બેસાડ્યો..

“લે આ ગરમ ચા ને પહોળી રકાબીમાં નાખીને પી.”
જનકે કોઈ જ દલીલ વગર કહ્યુ એમ કર્યુ. કપમાંથી ચા રકાબીમાં લીધી કે તરત જ ટન્ન કરતો અવાજ આવ્યો.. જનકે જોયું તો એક વીટી હતી..
“હું આ ગરમ ચા અને રકાબી વગર નથી રહીં શક્તી. શું તું મારી સાથે લગ્ન કરીશ?” વિશ્વા એના ઘુંટણ પર બેસીને બોલી..

જનકે વીટી લીધી વિશ્વા ને ઉભી કરી પહેરાવી અને બન્ને એ ગરમા ગરમ ચા એક જ રકાબીમાં પીધી.

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: