A curarized patient in intensive care.

આઈ.સી.યુમાં રહેલા એક ‘કોવીડ’ પેશન્ટ માટે ગઈકાલે એક યુરો રેફરન્સ હતો. હું એ પેશન્ટને એક્ઝામીન કરતો’તો એ દરમિયાન, એની બાજુમાં રહેલા એક બીજા દર્દીનો હોસ્પિટલ સ્ટાફ સાથેનો વાર્તાલાપ મારા કાને પડ્યો. તેમણે સ્ટાફને પૂછ્યું, ‘નાઈટ ડ્યુટીમાં કોણ છે ?’. સ્ટાફે કહ્યું, ‘હું જ છું, બોલોને’. દર્દીએ કહ્યું, ‘મને રાત્રે કંઈક થઈ જાય તો મારા સગાને જાણ કરી દેશો ને ?’

અઘરું છે. ફક્ત એક પાતળા પડદાથી અલગ કરાયેલા ગંભીર દર્દીઓની વચ્ચે, આઈ.સી.યુના એક ખાટલા પર સર્વાઈવ કરવું અઘરું છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ડૂબી રહેલું શરીર મૃત્યુના ભયથી ઉજાગરા કરતું હોય અને ગાઢ નિંદ્રામાં સૂતેલી ચેતનાને ઢંઢોળીને પૂછતું હોય, ‘હવે કોનો વારો ?’

ધમણની જેમ ઉપર-નીચે થતી છાતી અને અડધી મીચાયેલી આંખ સામેથી એક પછી એક ડેડબોડી પસાર થાય છે ત્યારે કોઈ રાજકીય માન્યતા, કોઈ પક્ષ, કોઈ દલીલ કે કોઈ ચર્ચા રાહત નથી આપી શકતી. એ અવસ્થામાં રહેલા દર્દીની જગ્યાએ એકવાર આપણી જાતને મૂકી જોઈએ તો ફક્ત એક જ વિચાર આવે છે, ‘સામેના બેડ પર જે ભાઈ ગઈકાલે બાઈ-પેપ પર હતા, એ આજે નથી. આવતીકાલે હું નહીં હોઉં તો ?’

મૃત્યુની શક્યતા આપણને વિનમ્ર બનવાનો છેલ્લો ચાન્સ આપે છે. જડ વિચારો અને અફર માન્યતાઓનો બોજ લઈને ફરતા ભલભલા લોકોના ઘમંડને, મેં મૃત્યુના ભયની સામે પળભરમાં ઓગળી જતા જોયા છે. મંદિરમાં થતી આરતી કે કોઈ અખંડ ધૂનની માફક વાગતા દૂર પડેલા વેન્ટીલેટરના એલાર્મિંગ અવાજો જ્યારે આપણા જડ ચેતનને જગાડે છે ત્યારે મદદ, માનવતા અને માણસનું મૂલ્ય સમજાય છે. આ એવી અવસ્થા છે જ્યાં ફરિયાદો શમી જાય છે અને પ્રાર્થનાઓ જન્મે છે.

દર્દીઓ, પીડિતો અને મૃતદેહોનો કોઈ ધર્મ કે પક્ષ નથી હોતો. ‘હેપ્પી હાયપોક્સીઆ’માં રહેલા સંપૂર્ણ સભાન પરંતુ બેચેન દર્દીને ઓક્સીજન કે બાઈ-પેપનું માસ્ક લગાડવા જઈએ ત્યારે કોઈ એવું નથી પૂછતું કે ‘તમે ફલાણા પક્ષના સમર્થનમાં છો કે વિરોધમાં ?’. ડરી ગયેલી આંખો અને પીડાથી તરડાયેલો ચહેરો જ્યારે આપણી પાસે મદદ માંગે છે, ત્યારે એમને આપણી રાજકીય માન્યતા કે રાષ્ટ્રીયતા સાથે કોઈ નિસબત નથી હોતો. એમને ફક્ત આપણી માનવતા અને મદદ કરવાની તત્પરતા સાથે મતલબ હોય છે. પીડિતોને આપણા અભિપ્રાયની નહીં, આપણી સહાયની જરૂર છે. સમય, સંજોગો અને સ્વર્ગસ્થ થયેલા સ્વજનોની ગરિમા જાળવી શકીએ, તો એ પણ સમાજ સેવા જ છે.

રોજ ભરાઈ રહેલા અસંખ્ય ડેથ સર્ટીફીકેટ્સમાં હજી સુધી આપણું નામ નથી, એ આપણી લાયકાત કે ઉપલબ્ધી નથી. એ કુદરતની ઉદારતા છે. વેન્ટીલેટર પર રહેલો અને ઓક્સીજન માટે વલખા મારતો પેલો જણ આપણે પણ હોઈ શકીએ, એ શક્યતાને સતત ગજવામાં લઈને ચાલવું. આ શક્યતાનું સતત સ્મરણ કરવાના આગ્રહ પાછળનું કારણ નકારાત્મકતા કે નિરાશાવાદ નથી પણ નમ્રતા છે. અને આ નમ્રતા જ આપણી પાસે સેવા કરાવશે.

જેઓ અકાળે અવસાન પામ્યા છે, એવા કેટલાય લોકોના બાકી રહી ગયેલા શ્વાસ આપણે લઈ રહ્યા છીએ. એમણે નહીં ભોગવેલું આયુષ્ય, આપણે ભોગવી રહ્યા છીએ. અનાયાસે મળી ગયેલા એ જીવતરનું ઋણ ફક્ત કોઈને રાહત આપીને જ ચૂકવી શકાય.

સ્વાસ્થ્ય, સંપત્તિ, સમૃદ્ધિ કે સિદ્ધિથી ફુલી ગયેલી છાતીમાંથી હવા કાઢવા માટે નિયતિની એક નાની એવી ટાંકણી જ પર્યાપ્ત હોય છે. એ વાગે ત્યારે હથેળીઓ ખુલ્લી રહી જાય અને શ્વાસ બંધ. કુદરતની જે કુહાડી આપણા સાથી મનુષ્યો પર ફરી વળી, એ કુહાડીએ હજી સુધી આપણને બક્ષી દીધા છે. એ વાતનું ઘમંડ ન હોય, એ માટે કૃતજ્ઞતા હોવી જોઈએ. આવી મહામારીના સમયમાં પણ હજી સુધી જીવતા રાખીને પરમાત્માએ આપણા પર ઉપકાર કર્યો છે. એ ઉપકારનો બદલો આપણે ચૂકવવો રહ્યો. બાકી બચેલા મનુષ્યોને મદદ કરીને, તેમને યથાશક્તિ રાહત આપીને, તેમના ચહેરા પર સ્માઈલ લાવીને, તેમની એકલતા દૂર કરીને અને તેમને હૈયાધારણા આપીને.

આ પૃથ્વી પર હજુય ટકી રહેલા આપણા અસ્તિત્વનું ભાડું ચુકવવું પડશે. સાથીઓને સહાય અને સહાનુભૂતિ આપીને. જો બીજી કોઈ જ મદદ કે ચેરીટી ન કરી શકીએ, તો શબ્દોથી ઉદાર થઈ જઈએ. કશુંક એવું લખીએ કે એ વાંચીને આઈ.સી.યુમાં રહેલા પેશન્ટના ચહેરા પર સ્માઈલ આવે. કશુંક એવું ગાઈએ કે NRBM માસ્ક લગાડેલું દર્દી પણ એ સાંભળીને ઝૂમી ઉઠે. કોઈક એવી પ્રાર્થના, કોઈક એવું ગીત જે નિરાશ થયેલા માણસને ખુશ કરી શકે. કોઈ એવો ઓડિયો મેસેજ, જે એમને જીવવાનું બળ પૂરું પાડી શકે. કોઈ એવો વિડીયો જે તેમને હસાવી શકે.

જેમણે સ્વજનો ગુમાવ્યા છે એમની ખોટ નહીં પૂરી શકીએ તો શું થયું ? એમનો ખાલીપો થોડો ઓછો કરી શકીએ, તો ય આપણું જીવતા રહેવું સાર્થક છે. આપણી અંદર રહેલી લાઈફ એનર્જી, ચેતના અને વાઈબ્ઝ કોઈ નિરાશ વ્યક્તિનો દિવસ કે અભિગમ બદલી શકે છે. ડર, અરાજકતા અને લાચારીના માહોલ વચ્ચે આપણે, જો પીડિતોમાં રાહત ન વહેંચી શકીએ તો આપણું હજી સુધી શ્વાસ લેતા રહેવું નિરર્થક છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: