Rear view of a blond woman waiting at the train platform
Trendingગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સફર એક, અનુભવ અનેક

 લાંબા અંતરની મુસાફરી કરવી, સફર દરમિયાન ચા ની ચુસ્કી સાથે પુસ્તકો વાંચવા અને સાથે સાથે આસપાસના અજાણ્યા લોકો સાથે વાતચીત કરવી, આવો કાંઈક આગવો મારો મિજાજ અને સફરમાં નિકળવાનું એકલાં પરંતુ પાછા ફરતાં સમયે બહું બધી યાદો, ઘણાં બધાં અનુભવો અને અતરંગી લોકોનો સથવારો મેળવીને જ પાછા વળવાનું.       
એટલે ટૂંકમાં કહું તો રખડપટ્ટી દ્વારા કુદરતની પ્રકૃતિ અને મનુષ્યની પ્રકૃતિ બંન્નેને જાણવાનો શોખ. આજ થી બે વર્ષ પહેલાં રાજસ્થાન તરફ સફર ખેડવાનો થયો, આદત મુજબ રેલ્વે સ્ટેશનથી એક ચા ની પ્યાલી ખરીદી અને વાંચન માટે કાકા સાહેબ કાલેલકરની “રખડવાનો આનંદ” નામની પુસ્તકના સથવારા સાથે મુસાફરીની શરૂઆત થઈ હતી.        
ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે મોટા ભાગે બારી પાસેની જ સીટ પસંદ કરું, જેથી થોડી થોડી વારે બહાર ડોકાચિયું કાઢીને કુદરતની રચનાત્મક એવી રંગીન દુનિયાને પણ માણી શકું. આ વખતે પણ હું બારીની બાજુમાં બેઠી હતી ને વાંચન સાથે મનન પણ કરતી હતી. એટલાં માં એક બેન મારી બાજુમાં આવ્યાં. શરૂઆતની 2-3 મિનિટ તો કશું બોલ્યાં જ નહીં પણ વાતુડીયા માણસોને વાત કરનાર મળી જ રહે એમ મને એમનો સાથ વાતો માટે ત્યારે મળ્યો જયારે એમને મને પ્રશ્ન પૂછ્યો કે કયાં જવાનું છે તમારે?  અને બસ ગંતવ્ય સ્થાન વિશે પ્રત્યુતર આપીને થોડો થોડો સંવાદ શરૂ કર્યો.        
વાતોમાં ને વાતોમાં મારી “રખડવાનો આનંદ” પુસ્તક બાજુમાં જ રહી ગઈ અને વરાળો કાઢતી મારી ચા ની પ્યાલી પણ ઠરીને ઠામ થઈ ગઈ. પરંતુ એક અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનો ને તેના વિચારો જાણી પોતાના મંતવ્યો રજૂ કરવાનો એ દિવસે મોકો મળ્યો હતો. ખરેખર કાંઈક અલગ જ વસ્તુ શીખવી ગઈ એ અજાણી વ્યક્તિ અને આજે પણ અમારો એ વાર્તાલાપ મને યાદ છે એના પાછળનું કારણ એ વ્યક્તિની અતરંગી વાતો અને જીવનને જીવવાનો, સમજવાનો અને માણવાનો એનો અલગ અંદાજ હતો જે મારા હ્રદયને સ્પર્શી ગયો.       
લોકોના જીવનમાં નાની એવી પણ સમસ્યા આવે તો મોટાં ભાગના લોકો હતાશ, નાસીપાસ અને નકારાત્મક થઈ જતાં હોય છે પરંતુ પહેલી વાર એવી વ્યક્તિની સાથે હું સફરમાં હતી જે દરરોજ ઈશ્વર પાસે મુસીબત આપવાની પ્રાર્થના કરતી હતી. હાં, હું પણ આશ્ચર્ય પામી જ્યારે એમના મુખેથી એમની આવી ઈશ્વર પાસેની માંગણી વિશે જાણ્યું. અચૂકપણે મારો પ્રશ્ન સ્વાભાવિક હતો જ કે “હે! આવું કેમ?” ત્યારે તેઓ ટૂંકમાં જ ઘણું કહી ગયાં. તેમનો જવાબ કાંઈક આમ હતો : 
“માંગણી કરીશ સમસ્યાની તો ઝંખના રહેશે સમાધાનની અને એ ઝંખનામાં અનુભવોની પોથી સાથે ઈમારત ઘડીશ જીવતરની”
 ખરેખર,  આપણે વિચારી પણ ન શકીએ કે માણસ આટલી હદ્દ સુધી સકારાત્મક અભિગમ રાખી શકે. એમના એ પ્રત્યુતર પછી મને એ બેનને વધુ જાણવાની ઉત્કંઠા થઈ તો પૂછયું કોઈ એક એવો બનાવ જણાવો જેમાંથી આપને કાંઈક શિખવા મળ્યું હોય. એમનો એ અનુભવ અને સકારાત્મક વલણ ખરેખર આપણે પણ જીવનમાં ઉતારવા જેવો છે.       
બહેનએ દુપ્પટાનું આવરણ પોતાના મુખ પરથી હટાવ્યું ત્યારે એ ચહેરાને જોઈ હું સ્તબ્ધ જ રહી ગઈ. આખો ફુલ જેવો ચહેરો કશેક થી દાઝયા હોવાના કારણે કાળો પડી ગયેલો હતો. અને બહેન એ શરૂઆત કરી પોતાના જીવનનો એક કદી ન ભૂલાય એવો અનુભવ કહેવાની .        
“દરેક કુંવારી છોકરીને પોતાના સપનાનો રાજકુમાર મળે અને પોતાની જીવનયાત્ર તેની સાથે હેમખેમ પસાર થાય એવું મારું પણ સપનું હતું. ચાર વર્ષ પહેલાં એ સપનું સાકાર થયું અને હું લગ્ન કરીને એક નવાં ઘરમાં, નવાં લોકો સાથે હળીમળીને રહેવાના સપનાં સાથે ગઈ, પરંતુ મારું જીવન દર બીજા દિવસે ત્યાં નર્ક બનતું ગયું, સાસુ – સસરા લોભણા હોવાથી દરરોજ મારા પિતા પાસે કાંઈક ને કાંઈક માંગણી કરતાં તો પતિ શારીરિક સંબંધોનો હેવાન હોવાથી તેની પત્ની હોવાં છતાં હું દરરોજ બળાત્કારનો ભોગ બનતી. સાસુ- સસરાની માંગ પૂરી કરવામાં નિષ્ફળ રહેતાં  પિતાની ઓથ ગુમાવી તો દીકરી એક હેવાનને સોંપીને ભૂલ કરી છે એના પશ્ચાતાપમાં “માં” પણ અલવિદા કહી મને એકલી મૂકીને સ્વર્ગસ્થ પામી. દરરોજ પોતાના અસ્તિત્વને બચાવવા, પોતાનું સમ્માન મેળવવા હું ઝંખતી પરંતુ પરિણામમાં એસીડ મુખ પર મળ્યું અને પોતાનો અસલી ચહેરો જ ગુમાવી બેઠી”       
આટલું સાંભળતાં જ મારાં રુવાંટાં ઊભા થઈ ગયાં અને થોડી વાર મૌન રહી પુછ્યું આ ઘટનાને તમે કઈ રીતે સકારાત્મક લઈ શકો? એ જિંદાદિલ બહેન એ કહ્યું જો એ દિવસે મેં મારો અસલી ચહેરો ના ગુમાવ્યો હોત તો આજે હું આવી ઘટનાનો ભોગ બનેલ અનેક સ્ત્રીઓના અસ્તિત્વ માટે ના લડતી હોત અને આત્મનિર્ભર બન્યાં વગર પતિની હાં માં હાં મિલાવતી હોત. એ બનાવ પછી મેં મારું સાસરીયું છોડ્યું, પિયરમાં કોઈ હતું નહીં તેથી એક NGOની શરણાગતિ સ્વીકારી અને તેને જ પોતાનું ઘર બનાવ્યું પછી લડત શરૂ કરી અનેક ચહેરાં બચાવવાની, એ માટે NGOની સહાય થી હું નાની-મોટી દરેક છોકરીઓ ને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવું છું જેથી તેઓ આવી સમસ્યાનો સામનો કરવાં સક્ષમ બને અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે.       
એ બહેન કહે, જીવનમાં જે થાય સારા માટે જ થાય. એસીડરૂપી અત્યાચાર સહન ના કર્યો હોતતો આજે હું દબાઈ ગયેલ, નબળી, નમાલી અને જરૂરીયાત મુજબ ઉપયોગ કરનાર લોકો માટેનું એક મશીન બની ને જ રહી હોત. ખરેખર એમની એ હિંમત, સહનશીલતા અને આત્મબળ જોઈ મેં પણ એક સ્ત્રી તરીકે પોતાની જાતને મજબૂત બનાવાનો નિર્ણય લીધો હતો અને એ રાજસ્થાનની સફર પછી દરેક નકારાત્મક વલણમાં પણ સકારાત્મકતા ગોતવાનો અભિગમ કેળવ્યો. 
     
એક એ સફર એવો રહ્યો હતો કે જેમાં અજાણી વ્યક્તિ પોતાની બનીને ઘણું બધું કહી ગઈ અને ઘણું બધું સમજાવી ગઈ.એ સંવાદ પછી અનેક પ્રશ્નો મારી સમક્ષ હતાં, 
શું સ્ત્રી એટલે માત્ર દહેજ દ્વારા આવકનું માધ્યમ? 
શું સ્ત્રી એટલે પુરુષોની જરૂરિયાત પુરી કરવા માટેનું એક મશીન? 
શું સ્ત્રી એટલે અબળા, એકલી અને હેવાનિયત ગુજારવા માટેનું સ્થાન?  પરંતુ આ પ્રશ્નોના જવાબ પણ કયાંક ને કયાંક મારી પાસે જ હતાં.. 
ના સાહેબ, સ્ત્રી એટલે દહેજ દ્રારા આવકનું માધ્યમ નહીં પરંતુ પોતે પગભર થઈને પરિવારની જરૂરીયાત ને સંતોષતી એક આત્મનિર્ભર નારી,
સ્ત્રી એટલે કોઈની જરૂરિયાત મુજબનું મશીન નહીં પરંતુ ખરા અર્થમાં સાથ નિભાવનારી એક સ્વાધીનતા યુકત નારી,
સ્ત્રી એટલે કોઈ અબળા, ધિક્કાર છે આ વિચાર પર,
એ સબળાના કારણે જ તો આ પૃથ્વી પર મનુષ્યનુ અવતરણ છે,
સ્ત્રી અને એકલી?
હાસ્યપદ વાત છે એ,
સ્ત્રી હંમેશા પોતાની સાથે પોતાનું સ્ત્રી વાત્સલ્ય રાખતી હોય છે. 

સ્ત્રી એટલે હેવાનિયત ગુજારવા માટેનું સ્થાન આવું માનનારા જો સ્ત્રીને દેવીનુ સ્વરૂપ માને તો ખરેખર એ રાષ્ટ્રનો આખો ચિતાર જ બદલાય જાય.     તો ચાલો સાથે મળીને સમાનતા તરફ વળીએ અને એકમેક થી ઊંચાં અથવા ઉપર થવાના બદલે એકમેકની સાથે ચાલીએ.       

આરતીબા ઝાલા

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: