ઘણા સમય બાદ ફરી સ્ટુડિયો ધમધમતા થયા હતા. એક્ટ્રેસ પૌલોમીએ ફરી શુટિંગ શરુ કર્યું હતું. 

કેમેરા, લાઈટ્સ, સાઉન્ડ ગોઠવાઈ રહ્યાં હતાં. 

પૌલોમી વેનિટીવેનમાં એક ભૂખી ગરીબ લાચાર સ્ત્રીના રોલ માટે મેક અપ કરાવી રહી હતી.

ડાયેટિશિયન માલા એક હાથમાં સફરજન અને બીજા હાથમાં જ્યુસનો ગ્લાસ લઈને સામે ઊભી હતી.

“મેડમ, આટલું ફિનિશ કરીને જ જાવ પ્લીઝ. તમારી સ્ટ્રેન્થ જળવાઈ રહેશે. શરીરમાં વોટર, પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ બેલન્સ રહેશે.”

પૌલોમીએ એક કટકો સફરજન ખાઈને મુકી દીધું. એક ઘૂંટડો જ્યુસ પી લીધો.

“માલા બસ હોં! હવે કશું નહીં લેવાય.”

અને એ સેટ પર પહોંચી.

ડાયરેક્ટર નથુલાલે સીન સમજાવવાની શરુઆત કરી. 

“જો પૌલોમી, આ પિક્ચરમાં તું એક ભૂખી, બેબસ છોકરી છે જે એક ટંક ખાવાનું પણ પામતી નથી. આ અરધી બ્રેડના ટુકડા માટે તારે કેટલાં મ્હેણાં, કેટલી મેલી નજરનો સામનો કરવો પડ્યો છે એની એટલી પીડા અને ભૂખ તારા ચહેરા પર આવવાં જોઈએ કે દર્શકને દયા અને સહાનુભૂતિ ઉભરાઈ જાય.” 

પૌલોમીના હાથમાં એક અરધી બ્રેડનો ટુકડો પકડાવવામાં આવ્યો.

અને સીન શરુ થયો.

એક રિટેક..

બે રિટેક..

ત્રણ રિટેક..

પણ પૌલોમીના ચહેરા પર તો જાણે તાજગી જ જણાયા કરતી હતી. ગરીબીના મેકઅપ સાથે પણ એ જરાય ભૂખી લાચાર જણાતી નહોતી. 

દસ બાર રિટેક થયા. પૌલોમીને હવે ગુસ્સો આવતો હતો.  

અંતે થાકીને, કંટાળીને નથુલાલ પણ પોતાની ખુરશી પર જઈને બેઠા. બાજુમાં બેઠેલા આસિસ્ટન્ટના કાનમાં ગણગણ્યા.  

“આ સીન કેવી રીતે કરવો? આ સુખી સંપન્ન હિરોઈન ભૂખ શું સમજે! ડાયેટ પ્લાનમાંય રોજ હજાર રુપિયા ખર્ચે એવી આ કોમને ભૂખ, બેબસી, લાચારી કેવી રીતે સમજાય?”

સેટ પર સફાઈ કરતા મુકેશના કાને ડાયરેક્ટર સાહેબની વાત પડી રહી હતી. એણે સ્વગત્ ગણગણાટ કરતાં કહ્યું,

“સાચી વાત કહે છે સાહેબ.

છેલ્લા દસ મહિનાથી બેકારી ભોગવતા મારા જેવા 

લાચાર ગરીબને પૂછો કે ભૂખ શું ચીજ છે! એ બતાવવામાં અભિનયની જરુર જ ન પડે. મારા જેવા કેટલાયની માત્ર આંખમાં જુઓ તો ભૂખની સાથે ગરીબી, મજબૂરી, અસહાયતા આવી તો કેટલીય અભિવ્યક્તિ વગર અભિનયે આબાદ તાદ્રશ્ય થઈ જાય.” 

અને ઝાડુ વાળતાં વાળતાં એણે પૌલોમીએ કંટાળીને ફેંકી દીધેલો અરધો બ્રેડનો કટકો પોતાના ડબ્બામાં મુકી દીધો. 

પૌલૌમીની નજર અનાયસે મુકેશે ઉપાડેલા બ્રેડના કટકા પર પડી. એના મનમાં એક ટીસ ઉઠી. એને કદાચ જિંદગીમાં પહેલી વાર ભૂખ, લાચારી, ગરીબી અપ્રત્યક્ષ રીતે મહેસુસ થઈ. 

અને.. પંદર મિનિટ બાદ પ્રથમ ટેકમાં જ પૌલૌમીએ પોતાને અપાયેલો સીન બધાને ચોંકાવી દીધા એ રીતે પૂર્ણ કર્યો. 

ડાયરેક્ટર નથુલાલ સહિત આખી ટીમને આ અચાનક આવેલા બદલાવ માટે બહુ આશ્ચર્ય થયું. 

પેક અપની જાહેરાત થઈ ત્યારે પૌલૌમીએ મુકેશને પાસે બોલાવીને આખી ટીમ સામે એક કવર આપતાં કહ્યું,

“ભાઈ મુકેશ, આ કવર બધા સામે આપવા પાછળ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી હોં! 

પણ તું મનોમન વાત કરતો હતો એ અનાયસે મારી નજર હેઠળ આવ્યું. આ પિક્ચર સુપરહીટ જાય તો એનો શ્રેય માત્ર તને જશે. અભિનય અને વાસ્તવિકતા વચ્ચેની મુખ્ય ભેદરેખા તને મેં ફેંકી દીધેલા અને તેં ઉપાડી લીધેલા પેલા બ્રેડના કટકાએ મને સમજાવી દીધી છે.”

મુકેશ હક્કાબક્કા હતો. રાતે ઘેર પહોંચીને ઘરના ઈશ્વર પાસે કવર મુકતાં ગળગળા થઈ જવાયું. 

“દસ મહિનાથી તારી કસોટીનો સામનો કરતાં કેટલીય વાર તને કડવાં વેણ કહેવાયાં. તને ઈશ્વરને બદલે પથ્થર કીધો પણ તું અમારા વિશે વિચારે છે એ તેં આજે સાબિત પણ કરી દીધું. પૌલોમી મેડમને અપ્રત્યક્ષ ભૂખ અને મને અપ્રત્યક્ષ હૂંફની અનુભૂતિ કરાવી.”

-લીના વછરાજાની.

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: