એક ઘરમાં ત્રણ જણા રહેતાં હતાં. મમ્મી-પપ્પા અને તેઓની દીકરી ટીના. આમ તો તે એક ખુશહાલ પરિવાર હતું. પણ એક સમસ્યા હતી. ટીના નાસ્તિક હતી. અને તેના મમ્મી-પપ્પા ખૂબ આસ્તિક હતા. 

ટીના 20 વર્ષની હતી. તેના મમ્મી-પપ્પા હવે વૃદ્ધ થવા લાગ્યાં. ટીના નાસ્તિક અને તેના મમ્મી-પપ્પા અસ્તિક હોવાથી ઘરમાં રોજ કજિયા થતા. જ્યારે પણ ટીનાની મમ્મી પૂજા કરે ત્યારે ટીનાને સવાલ આવતો કે મમ્મી પૂજા રોજ કરે છે કોને? કોઈ મમ્મીને જવાબ નથી દેતું, કોઈ ભગવાન મમ્મીની સામે નથી આવતા તો મમ્મી રોજ આટલી મહેનત કરે છે શું કામ? અને દર વખતે તેના મમ્મીનો એક જ જવાબ, “મારા મનને પૂજા કરવાથી શાંતિ મળે તેથી હું પૂજા કરું છું”. ટીનાને હંમેશા એ પણ અચરજ થતું કે તેના પપ્પા દર શનિવારે નારિયેળ ચઢાવા શું કામ જતા હોય છે? બસ પૈસા જ તો તેમાં જતા હોય છે બીજું શું મળે છે? અને તેના પપ્પાનો જવાબ હોય છે, “એવું કરવાથી મને ખુશી મળે છે.”

ટીના પહેલાં તો નાસ્તિક નહોતી પણ જીવનમાં ઘણી પરિસ્થિતિ એવી આવી જ્યારે તેને ભગવાનના હોવા ઓર સવાલ ઉઠ્યો. અને અંતે તે નાસ્તિક બની.

ટીનાનું ઘર મધ્યમ વર્ગનું હતું. વધુ પૈસા તે લોકો કદી બચાવી ન શકતાં. પણ હા, રોજ ખાવાનું મળી જતું એ જ એમના માટે મોટી વાત હતી.

બધું સરખું ચાલી રહ્યું હતું પણ એક દિવસ અચાનક ટીનાના પપ્પાને હાર્ટ અટેક આવ્યો. તેમને હોસ્પિટલ લઈ ગયા. ટીના અને તેના મમ્મી ખૂબ ચિંતિત થઈ ગયાં હતાં. ડોક્ટરે આવીને કહ્યું, “તેમને આની પહેલા પણ માઇનર હાર્ટ અટેક આવી ગયા છે જેની તેમને ખબર નહોતી. આ એટલે થયું કારણ તેમની નળી બ્લોક થઈ ગઈ છે. ઓપરેશન કરવું પડશે. ત્રણ લાખ રૂપિયા થશે.”

આ સાંભળી ટીના અને તેની મમ્મીની માથે તો જાણે અસમાન તૂટી પડ્યું. ત્રણ લાખ રૂપિયા તો તેઓએ કદી જોયા પણ ન હતાં. ફરી ત્યારે ટીના કહે છે, “મમ્મી આજે જો તમે મારી વાત માની હોત અને મારી જેમ નાસ્તિક રહ્યાં હોટ તો આ દિવસ ન જોવો પડત.” તેની મમ્મી ટીનાને પૂછે છે, “એવું શું કામ?” ટીના ગુસ્સે થઈને કહે છે, “પપ્પા દર અઠવાડિયે 25 રૂપિયાનું નારિયેળ ચઢાવા જતાં. વરસમાં કુલ 52 શનિવાર આવે. 52 ગુણીયા 25  થાય 1300 રૂપિયા. છેલ્લા 40 વર્ષથી 1300 રૂપિયા પપ્પા વાપરે છે જેના કુલ થાય 52000 રૂપિયા. તું પણ 40 વર્ષથી નારિયેળ ચઢાવે છે. બન્નેના મળીને થાય 104000 રૂપિયા. આવી જ રીતે અનેક પૂજાની વસ્તુઓમાં હજુ 1 લાખ રૂપિયા તો વાપરિયા જ હશે. 2 લાખના પૈસા આજે આપણી પાસે હોત જો તમે નાસ્તિક હોત. 1 લાખ ઉધાર લઈ શકત. આ બધી તમારા બન્નેની ભૂલ છે. હવે તું શું કરીશ? જવાબ દે મને કેવી રીતે મારા પપ્પાને બચાવીશ?” આ સાંભળી તેની મમ્મી ચોકી ગઈ. અને કહ્યું, “તો આજે મને હજુ 10 રૂપિયા વાપરવા દે અને દીવો કરવા દે. મને પણ મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. કંઈક ઉપાય તો નીકળશે જ.” આમ બોલી તેઓએ ભગવાનની સામે દીવો કર્યો અને પ્રાર્થના કરી. થોડી વાર પછી તેઓને એક ફોન આવ્યો, ” હું મનોજ બોલું છું. ટીનાના પપ્પાનો બાળપણનો મિત્ર! મેં એટલે ફોન કર્યો હતો કારણ મારે તેને ફરી પોતાના પૈસા આપવાના હતા. કેટલાં વર્ષ પહેલાં મારો ધંધો બચાવવા તેને મને થોડાં પૈસા ઉધાર આપ્યાં હતાં. એ ધંધો આજ ખૂબ વધી ગયો. આજે હું વ્યાજ સાથે તે પૈસા પાછા આપવા માંગુ છું. આપ આવીને પૈસા લઈ જાઓ.” આ સાંભળી ટીનાની મમ્મી ખૂબ ખુશ થઈ ગઈ. ફટાફટ પૈસા લાવી અને ડોક્ટરને આપ્યાં. ઓપરેશન થવા લાગ્યું. ત્યારે ટીનાની મમ્મી ટીનાને કહે છે, “ભક્તિમાં મૂલ્ય નહિ, પ્રેમ જોવાનો હોય. જ્યારે પણ જરૂર પડશે ત્યારે મારો ભગવાન મને મદદ કરી જ લેશે. તે અમૂલ્ય છે. તેમની લીલા અપરમ પાર છે.” ટીના કઈ ના બોલી શકી. 

ઓપરેશન થઈ ગયું અને તેના પપ્પા સાજા થઈ ગયા. થોડા દિવસ પછી ફરી નારિયેળ ચઢાવા ગયાં. અને ન તેમની ભક્તિ ઓછી થઈ, ન ટીનાની ગણતરીઓ કે કેટલા પૈસા ભક્તિમાં વપરાય છે.

છેલ્લે ભક્તિ અમૂલ્ય રહી અને તેઓનું પરિવાર ખુશીથી રહેવા માંડ્યું.

નિતી સેજપાલ “તિતલી”

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: