આથમતા સૂરજ અને 

ખિલતી સંધ્યાએ મને ઉદય થવાનો આવકાર આપ્યો. 

યુગોથી એક જ સમયે ઉદય અને એક જ સમયે અસ્ત થતો હું રોજ કેટલાંય અવિસ્મરણિય દ્રશ્યો અને ઘટનાઓને દ્રષ્ટિમાં નજરકેદ કરતો રહું છું. કેટલી જીવનવાર્તાઓનો જાણેઅજાણે સાક્ષી બની જાઉં છું.

જગતના દરેક અલગ અલગ સ્થળોએ મને રોજ કેટલીય કહાનીઓ નિહાળવા મળે. ક્યારેક રાજી થવા જેવી તો ક્યારેક બહુ  દુ:ખદ. ક્યારેક બે છેડાને લગતી વાર્તા બે દ્રષ્ટિકોણથી જોતો હોઉં. ઘણી વખત બંનેને જોડતી કડી બનવાનું મન થાય પણ કુદરતે મને પણ મર્યાદામાં કેદ રાખ્યો છે એટલે માત્ર સાક્ષી બનીને રહી ગયા સિવાય હું કંઈ કરી શકું નહીં.

એમાંય આજે તો હું પૂર્ણમાસીનો ચાંદ એટલે સોળે કળાએ ખિલેલો. 

મનમાં ને મનમાં મારી સુંદરતા પર ગર્વ કરતો કે મારા સૌંદર્યનાં તો જગતમાં ઉદાહરણ અપાય છે. મારી ચાંદનીની સાક્ષીએ કંઈ કેટલાય વચન-શપથ લેવાય છે. લાવ જરા આજની કહાનીઓ પર નજર નાખું તો ખરો! હું પૂર્ણ અવસ્થાએ પરિભ્રમણમાં નીકળ્યો પણ પરત આવતાં મારું નિતાંત સૌંદર્ય જાણે હણાઈ ગયું એવી ગાથાઓ પર દ્રષ્ટિ પડી હતી.

સહુ પહેલાં આજે જરા સતલજના કિનારે નજર માંડી હતી. નાના એવા ગામમાં કાચા પાકા મકાનની ખુલ્લી ઓસરીમાં પેલી મારા જેટલી જ નખશિખ સુંદર રાબીકૌર મારી તરફ જ મીટ માંડીને બેઠી બેઠી મારી સાથે વાતો કરતી લાગતી હતી. મેં જરા ધ્યાનપૂર્વક કાન માંડ્યા.

એક હળહળતો ગરમ નિ:સાસો સંભળાયો.

“આ હરમનને ગયે બે વર્ષ થયાં. એ તો દેશની સેવામાં લાગી ગયો છે. ક્યારેક ફોન કરે પણ ખરો. એની સાથે તારી નીતરતી ચાંદની નીચે બેસીને કરેલી વાતો બહુ યાદ આવે છે. પહેલી મુલાકાત, પહેલા પ્રેમનો એકરાર, અરે! એ મુઆ લશ્કરમાં જવાના સમાચાર, એ ગયા પછીના વિયોગની હર પળ, મારી જિંદગીમાં તારી છતી ચાંદનીએ છવાયેલી અમાવસ આ બધાનો એક માત્ર તું જ સાક્ષી છો. હવે મારી નજર દ્વારા એને સલામતી બક્ષવાની તથા 

એની રક્ષાની જવાબદારી

પણ તને જ સોંપું છું.”

હું સહેજ ઉદાસ થયો. કેમ સમજાવું કે,

“અરે! હું એમાં કાંઈ ન કરી શકું.”

અને રાબીકૌર ભીની આંખે પરશાળમાંથી ઘરની અંદર જતી રહી. હું વ્યથિત થયો ન થયો ત્યાં અપ્રતિમ સુંદર પારદર્શક ઝેલમના કિનારે નજર પડી.

બર્ફિલી પહાડીઓ જાણે બે ભૂજા ફેલાવીને મારી ચાંદનીને આવકારી રહી હતી. બેહદ ખુશનુમા વાતાવરણ હતું.

આવી જ એક પહાડી પર વસેલા નાના એવા કસ્બાના એક પરંપરાગત બાંધણી ધરાવતા ઘરની બહાર સારી એવી ઠંડીમાં હલીમા ખુલ્લા આકાશ સામે મીટ માંડીને જાણે મને જ કહી રહી હતી,

“અરેરે! તારી આ મનહૂસ ચાંદનીના ઝાંસામાં આવીને જ હું તબરેઝના પ્રેમમાં પડી. 

સાથે જીવવા મરવાના કરાર કરી લીધા ત્યારે મને જરાય અણસાર ન આવ્યો કે એ તો બહુ મલિન ઈરાદા ધરાવે છે. એનો આતંકીઓ સાથેનો નાતો પછી ખબર પડી. જન્નત જેવી ધરતીને પ્રદૂષિત કરવાવાળા એના આકાઓએ એનું મગજ સાવ કલૂષિત વિચારોથી ભરી દીધું છે. પણ મેં સાચો પ્રેમ કર્યો છે. અને મારા પાક પ્રેમનો એક માત્ર તું જ સાક્ષી છો. હવે એને સારા રસ્તે વાળવાની જવાબદારી પણ ચાંદ તારી જ હોં!”

મને સમજાયું નહીં કે આ હલીમાને હું કેવી રીતે મદદ કરી શકું? એ જ અસમંજસમાં મારી સવારી આગળ વધી. 

ત્રીજા ખૂણે હિમાલયની બર્ફિલી પહાડી પર અસહ્ય ઠંડા તાપમાન વચ્ચે પણ દેશદાઝથી દેશની સુરક્ષા કરતો હરમન મારી પૂર્ણ 

ચાંદનીના અજવાળામાં દુશ્મન પર નજર રાખી રહ્યો દેખાયો.

“કોઈ મારા દેશ પર નજર તો કરી જોવે! આ ચાંદનીની કસમ, એને પાઠ ભણાવીને જ છોડું.”

હજી મને ગૌરવ મહેસુસ થયું અને મેં એક ચંદ્રકિરણ દ્વારા પીઠ થાબડીને કહ્યું,

“વાહ જવાન વાહ.”

ત્યાં તો એ સહેજ ઉંચી ડોક કરીને મારી તરફ જોઈને સ્વગત્ ગણગણ્યો,

“એ ચાંદ, મારી રાબીને મારો પ્રેમ પહોંચાડજે. એક તું જ માધ્યમ છો અમારી વચ્ચે. ફોન તો આ માયનસ પ્રતિકુળ વાતાવરણમાં લાગે ન લાગે પણ તું રોજ અમારી વચ્ચે આવ જા કરે છે. અને જો હું શહીદ થઈ જાઉં તો રાબીને તારી ચાંદનીની શીતળ છાયામાં આશ્વાસન આપજે.”

આજે મારી કસોટી પણ પૂર્ણકળાએ હતી એવું લાગ્યું. હળવો શ્વાસ લઈને મેં સફેદ રુ જેવી આચ્છાદિત હિમપહાડીઓની પેલે પાર નજર માંડી.

ચોથો ખૂણો કેટલાક ભયાનક ઈરાદાઓને આવરીને ઊભો હતો. બરફમાં છુપાઈ જવાય એવાં શ્વેત વસ્ત્રો પણ સાવ મલિન કાળા મનવાળા કેટલાક લોકોમાં તબરેઝ પણ હતો. 

એ ખૂણો નાપાક આશયવાળા દહેશતગર્દલોકોની 

એ.કે.૪૭ થી ઘેરાયેલો હતો. 

“બસ આજ તો આ ચાંદનીમાં બરાબરનો હુમલો બોલાવી જ દેવો છે. સરકારને ખબર પાડી જ દેવી છે. આપણે સ્વતંત્ર ધરતી જોઈએ જ છે. એના માટે જે કુરબાની આપવી પડે એ કબૂલ છે.”

તબરેઝ પણ ઝનૂનમાં શપથ લઈ રહ્યો હતો એ નિહાળીને મને હલીમાની મજબૂર આંખ તાદ્રશ્ય થઈ. 

પણ..

હલીમા કરતાં તો હું વધુ મજબૂર હતો. કાશ! હું બે સવાલ વચ્ચેની કે બે ઘટના વચ્ચેની કડી બની શકતો હોત! આવા અસહાય સાક્ષી બનવાની સજા કુદરતે મને જ શું કામ આપી હશે?

અને હું! ખેર! 

મારા અસ્તિત્વથી દરેકને થતી અલગ અલગ સાવ વિરોધાભાસ ધરાવતી અસરથી ઘાયલ થયેલો, અસ્તવ્યસ્ત, મ્લાન ચાંદની સાથે મનમાં ઉઠતા કેટલાય નિરુત્તર સવાલ સાથે જ 

અસ્ત થવાની તૈયારીમાં.

  • લીના વછરાજાની.

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: