“આતા દૂધમાં તો ઘણો હવાદ સે. દુજણી હારી ગોતી લાયા તમે તો.” સોમાશંકરએ ગાય પર હાથ ફેરવતા કહ્યું.
“ગોતી નથ, આ મારી ગવરી સે ને એનું જ વાસરડું સે. તમે બોવ વરહે આયા તે યાદ નૈ હોય.” આતાએ મૂછ પર વળ ચડાવીને કહ્યું.
“આલે.. લે આ તો ઈ બસોળિયું સે આપણી ગવરીનું! ગવરી તો દૂધની દાણ હતી ઝ હવે આય તમારે તો પાસે આંગળિયું ઘીમાં. નામ હુ રાખ્યું સે આનું? અને ગવરી કાં સે સરવા ગય સે કે હુ?”
“ગવરી તો જનમ આપી પરલોક સિધારી ગૈ, એટલે ગવરીની યાદમાં આનું નામ ગવરી ઝ પાડી દીધું.”
“ભાયરે કરી આતા, ગવરી તો તમારો ઝીવ હતો. હસે ઝેવી પરભુની ઈસા. કેટલા લિટર આપે દી નું?”
“પંદરેક લિટર ઝેવું આયપી દે, પણ હવે હું બોવ વેસતો નથ. હું મારા સોરુડાની ઝેમ બસ હાસવું સુ.”
“હાસુ ઈ જ સે આતા. ક્યાં તમારા સોકરા કૈ બાઝું હમણાં?”
“મોટો સે ઈ વિલાયતમાં સે, એક તો ભાઈ ઈ હંધા ગામના નામ મને હૈયે રે નૈ. હું તો પસી વિલાયતમાં સે ઈમ કૈ દવ.”
“ઈંગ્લેંડમાં છે મોટા મામા અને નાના મામા દિલ્લીમાં છે.” વેકેશન કરવા આવેલા નૈતિકે કહ્યું.
“આવ ભાણા આવ, આ મારે દેવકીનો નાનો દીકરો, ઇંગરેજીમાં ઝ બોલે.” આતાએ પાછા મૂછના વળ ચડાવ્યા.
“આતા, બોવ રાજીપો થયો તમને ને તમારા પરિવારને આમ ખુસ ઝોઈને. હવે રામ રામ કરું આતા, વાળુંનો વખત થાવાં આયો. તમી પણ આવઝો મારી ડેલીએ, એક અથવાડ્યું તો રોકાણ સે જ, હારે જ સા ના હબડકા ભરસું.”
“હારું.. હારું ભૈ ટેમ રે તો સોકક્સ આવી.” આતાએ રામ રામ કરીને રવાના કર્યા.
“દાદુ, જો મોટા મામાનો ફોન આવ્યો. લ્યો વાત કરો.” નૈતિકે ફોન આપતા કહ્યું.
“એલા, કેટલી વાર કીધું તને આ દાદુ હું કેસ મને આ મને દાદુ કે એમાં ઝિવડું હોય એવું લાગે. આતા બોલતો હો.” આતાએ ફોન સાચવતા કહ્યું.
“આતા તો સાવ ડાઉન માર્કેટ જેવું લાગે, દાદુ ક્લાસ લાગે ક્લાસ અને હવે ફોનમાં વાત કરો.” નૈતિક બોલીને જતો રહ્યો.
“બોલ દીકરા કેમ સે વિલાયતમાં તારે? તારી આ ખાણી પીણીની હોટલ કેમ હાલે?” આતાએ ખબર અંતર પૂછ્યા.
“જય શ્રી ક્રિષ્ના આતા, બધુ બરાબર ચાલે છે. તમારી સાથે એક બઉ જરૂરી વાત કરવી હતી.”
“હા તે બોય્લ ને હાંભળું જ સુ.”
“આપણે ચાર બફેલો અને ત્રણ કાઉ છે..”
“હે.. ભૈ સાબ તું વિલાયતી નૈ દેસીમાં બોય્લ.” આતાએ અટકાવીને કહ્યું.
“સોરી.. સોરી.. આપણી પાસે ચાર ભેંસ અને ત્રણ ગાય છે, એમાંથી ચારેય ભેંસ તો હવે કાંઇ દૂધ દેતી નથી, બે ગાય પણ કાંઇ કામની નથી રહીં. એક જ છે તો મારે ત્યાં એક ઇન્વેસ્ટર છે એ માંસ માટે લાખો રૂપિયા આપવા તૈયાર છે અને અહિયાં ઈંગ્લેન્ડમાં ગાય અને ભેંસના માસની બઉ ડિમાન્ડ છે. બીફ કહેવાઈ એને બીફ. આતા, મારી હોટેલમાં લાખોનો ફાયદો થઈ શકે એમ છે, શું તમે માનશો એ ગાય અને ભેંસને કતલખાને મોકલી આપશો? બાકીનું બધુ જ હું સંભાળી લઇશ. આતા, જો આ ડીલ સેટ થઈ ગઈ ને તો તમને પણ અહિયાં બોલાવી લઇશ અને નાના ભાઈને પણ અહિયાં સેટ કરી દઇશ. લાઈફ સેટ થઈ જશે.” મોટા દીકરાએ એક શ્વાસે બોલી દીધું.
“તારી મા એ તને ધવરાવાનું બંધ કયરું પસી તું આ આટલો મોટો કેવી રીતે થયો ઈ ખબર સે તને?” આતાએ નેણ ચડાવીને પૂછ્યું.
“તમે શું કહેવા માંગો છો આતા?”
“એ સુ કેવા માંગો સો વાળી, આ ગાયું ભેહુ મૂડી સે મારી, ઝીવ સે મારો ને ભૂલી ગયો લાગે સે કે આ ગાયુંના દૂધથી ઝ આ વિલાયતમાં જઈને બેઠો સ. માંસનો ધંધો કરવો સે? સરમ નો આવી બાપને આવો ફોન કરતાં પણ? તારે તારી મા ને વેસવી સે?”
“મારી મા! ગાય ભેંસ એક એનિમલ છે આતા એને તમે મારી મા કેમ કહી શકો?”
“એ તારી હગી તારી ઉપમાતા સે, આય રૈ ને ઝે દૂધના ગલાસ ઢીસ્યા સે ઈ આ તારી મા નું દૂધ હતું, એમ જ માની લે એનું ધાવણ હતું. ઝીવ પણ કેમ હાલે મા ને કતલખાને.. માર થી તો બોલાતું પણ નથ ને તું તારી માયું ને કાપવાની વાતુ કરે સો.”
“આતા, ઈમોશનલ વાત ના કરો આ પ્રોફિટની વાત છે. પૈસા કમાવવાની તક છે. તમારે તમારા દીકરાને આગળ નથી વધવા દેવો?”
“હવે કેટલો આગળ વધી ભૈ? મા ને કાપીને વેસવાની વાત કરે સો, એક કામ કર આજ થી ભૂલી ઝા કે તારો એક આતા હતો કારણ હું તો આ ઘડીએ ઝ ભૂલી ગયો કે મારો એક દીકરો પણ સે.” આતાએ નીચે પડી ગયેલી એની મૂછોને ફરી વળ દઈ ફોન કાપ્યો અને તબેલા પાસે જઈ ઉપમાતાને ઘાસ ખવડાવી બાજુમાં પડેલી ડોલમાં રહેલા પાણીને માથે રેડી છોકરાના નામનું નાય લીધું.
સુનિલ ગોહિલ “માસ્તર”