જિંદગીભર એકબીજાના રહ્યા.
તે છતાં પણ આપણે અળગા રહ્યા.
જિંદગીભર આપણે અળગા રહ્યા,
તે છતાં પણ એકબીજાના રહ્યા!
તે છતાંયે એ બની રહ્યા હમસફર,
રસ્તા છો ને બેયના જુદા રહ્યા!
આપણી જ આ જિંદગીની વાર્તા,
આપણે આપણને બસ કહેતા રહ્યા!
કોઈએ કીધું જ નહોતું “આવજો”
બે ય ડોબા! તો ય રાહ જોતા રહ્યા!
સાવ ઠરેલી આગમાં પણ શી રીતે,
જિંદગીભર આપણે તપતા રહ્યા?
ભૂલી જઈશું એકબીજાને હવે!
સાવ જુઠા વાયદા કરતાં રહ્યા.
ક્યાં જવું છે ક્યાં વિચાર્યું ‘તું કદી!
હાથમાં નાખીને હાથ ફરતા રહ્યા.
-હાર્દિક મકવાણા “હાર્દ”