છેલ્લા કેટલાય સમયથી વાચવાનું મન નહોતું થતું. લખવાની આળસ આવતી’તી. કારણ હતું ‘કમ્પેશન ફટીગ.’ છેલ્લા બે-ત્રણ મહિનામાં દર્દીઓ, સ્વજનો અને મિત્રોની હાલત જોઈને, એક અજીબ પ્રકારની બેચેની રહ્યા કરતી. અજંપો રહેતો. ઝાડ પરથી બોર પડે, એમ ટપોટપ ખરી પડતા પરિચિતોના સમાચાર સાંભળીને જીવન પરથી ભરોસો ઉઠી ગયેલો. યુદ્ધ-મેદાનમાં ચારે તરફ ફેલાયેલી લાશો જોઈને, ક્યારેક આપણા બચી ગયાનો અફસોસ થાય ! એમના મૃત્યુ કરતા, આપણા જીવતા હોવાનો ખરખરો કરવાનું મન થાય.

પાનાં ભરીને આવતી શ્રદ્ધાંજલિઓ, સ્મશાનમાં જામેલી ભીડ અને સોશિયલ ડીસ્ટન્સીંગનો ખ્યાલ રાખ્યા વગર બાજુબાજુમાં સૂતેલા મૃતદેહોને જોઈને એક સવાલ સતત થયા કરતો કે ‘આપણે શું કામ જીવીએ છીએ ?’

આ સવાલનો જવાબ આજે સવારે મળ્યો જ્યારે વાવાઝોડાને કારણે પડી ગયેલા ઝાડના ખાડામાં, એક વૃદ્ધને વૃક્ષારોપણ કરતા જોયા. ઘરથી દૂર સડકના કિનારે આવેલી કોઈ બિનવારસી જગ્યા પર ઉનાળામાં તડકામાં, એ વડીલ છાંયો વાવી રહ્યા હતા. હું થોડીવાર ત્યાં ઉભો રહ્યો. વાવાઝોડાથી થયેલી તારાજી પર જીવ બાળવાને બદલે, એ વડીલ પૂરી શ્રદ્ધાથી એક નવો જીવ ઉછેરી રહ્યા હતા.

વિનાશક ભૂતકાળને ઈગ્નોર કરીને તેઓ જે ખંત, પ્રેમ અને ઉત્સાહથી એ કામ કરી રહ્યા હતા, એના પરથી એટલું તો નક્કી હતું કે તેમને જગતની સર્જનાત્મક શક્તિઓમાં વિશ્વાસ છે.

આ બન્યાના થોડા જ સમય બાદ ક્લીનીકમાં એક એવું યુગલ મળવા આવ્યું, જેઓ ‘ચાઈલ્ડ પ્લાન’ કરી રહ્યા હતા. એમની સાથેના વાર્તાલાપ દરમિયાન જાણવા મળ્યું કે પત્ની એટલે કે ‘future mother’એ કોવીડમાં પોતાના બંને પેરેન્ટ્સ ગુમાવી દીધેલા. મા-બાપના શોકને પાછળ મૂકીને, તેઓ એક નવા જીવનું સર્જન કરવા જઈ રહેલા.

આ બંને ઘટનાઓ બન્યા પછી એટલું તો સ્પષ્ટ છે કે કુદરતની ક્રુરતાનો જવાબ આપવાની આ જ શ્રેષ્ઠ રીત છે. વાવાઝોડું હોય કે કોવીડ, જો એનું કામ અત્યારે ઉજાડવાનું હોય તો આપણી જવાબદારી ઉગાડવાની છે. એક આફ્રિકન કહેવત મારી પ્રિય છે, ‘વિસ્તરી રહેલા વન કરતા, એક ઝાડનું પડવું વધારે અવાજ કરે છે.’

ફૂલ ઉગવાનો અવાજ નથી થતો, બોમ્બ ફૂટવાનો અવાજ થાય છે. કોઈ સ્ત્રી ગર્ભધારણ કરે ત્યારે અવાજ નથી થતો, પણ કોઈ મૃત્યુ પામે ત્યારે ચીસો સંભળાય છે. આ જગતમાં જેટલું વિકસી અને વિસ્તરી રહ્યું છે, એ બધું જ શાંત છે. અવાજ એ જ પ્રવૃત્તિઓ કરે છે, જે વિનાશકારી છે. આ જગતમાં રહેલા સર્જનાત્મક લોકો, કલાકારો, સજ્જનો અને સદગૃહસ્થો મૌન છે અને વિનાશક વૃત્તિઓ વાચાળ. પણ આ જગતની સાર્થકતા એના ઘોંઘાટથી નહીં, એના મૌનથી નક્કી થાય છે. સોશિયલ મીડિયા હોય કે ન્યુઝ ચેનલ, એ બધા ઝાડ પડવાના અવાજો છે. માનવતાનું મૂલ્યાંકન એ અવાજો નક્કી નહીં કરે. એ મારું અને તમારું મૌન નક્કી કરશે. કારણકે વિસ્તરી રહેલું વન હંમેશા શાંત હોય છે.

ચાલી રહેલા કારસ્તાનો, કૌભાંડો, દુર્ઘટનાઓ અને કરુણતાથી આ વિશ્વ અનેકગણું વિશાળ અને વધારે સુંદર છે. અને સુંદરતા અવાજ નથી કરતી. ક્યાંક ફૂલને વળગેલું ઝાકળનું ટીપું શરમાયું હશે, તો ક્યાંક કોઈ બાળક ચાલતા શીખ્યું હશે. કોઈ સંસ્થાએ નિરાશ્રિતોને આશરો આપ્યો હશે, તો ક્યાંક ગુપ્તદાન કરનારા મૂંછમાં મલકાયા હશે. કોઈએ વૃક્ષારોપણ કર્યું હશે, તો કોઈએ પરોપકાર. આ બધું જ વિસ્તરી રહેલું વન છે. કરુણા મૂંગા મોઢે કામ કરે છે અને નફરત ચીસો પાડીને. નકારાત્મકતા અને નિરાશાથી જ્યારે પણ મન ઘેરાય જાય, ત્યારે આસપાસ રહેલા વૃક્ષોનો અવાજ સાંભળવો. તેઓ ચુપચાપ વૃદ્ધિ પામી રહ્યા છે. સાથે આપણો અંતરાત્મા પણ.

-ડૉ. નિમિત્ત ઓઝા

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: