Hand is writing calligraphic letter starting with dear using old pen on yellow paper

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેની તોલે કોઈ આવી ન શકે. મૌન રહી સઘળું સમજાવી જાય અને અઢળક સ્નેહ વરસાવે. 

આદરણીય પિતાજી,
                   દિકરીનું વ્હાલ પિતા પર કાયમ વરસે છે ત્યારે દરેક પુરુષમાં તે પિતાની છબી નિહાળવાનો પ્રયત્ન કરે છે. મારા માટે તમે આદર્શ વ્યક્તિ છો. પિયરનાં આંગણામાં પતંગિયાની માફક નાચતી ને કુદતી હું સાસરે જઈને પણ માતાપિતાની વહાલસોઈ ગોદને ભૂલી નથી. કહેવાય છે કે, “પિતાને વહાલી દિકરી ને મા ને વહાલો દિકરો”.
                દરેક પિતા માટે વહાલનું અંતિમબિંદુ તેની દિકરી જ હોય છે એ ન્યાયે મેં તમારો અઢળક પ્રેમ મેળવ્યો છે. મારી સમગ્ર જીદ તમારી ત્રેવડ હોય કે નહોય તો પણ પૂરી કરવાની કોશિષ કરી છે. મારી આંખોમાં આંસુનું ટીપું પણ આવવા દીધું નથી. તમારી ઓછુ બોલવાની પ્રકૃતિ, મૌન રહીને પણ સઘળું કહી દેવું, સમજી જવું, સમજાવું એ મેં મારા જીવનમાં પણ વણી લીધું છે. કદાચ વાણી દ્વારા વ્હાલ કરવાની તમને ફાવટ નહીં હોય તોપણ તમારી સ્નેહ નીતરતી આંખો અને વ્હાલભર્યા હાથનો સ્પર્શ મને સર્વશ્રેષ્ઠ બનાવવામાં ભાગ ભજવે છે.
                 મારી દરેક મુશ્કેલીમાંથી હું તમારો હાથ ઝાલીને બહાર આવી જતી. અવ્યક્ત પ્રેમને પામવા મુશ્કેલ નથી એ મને તમારા આચરણે સમજાવી દીધું છે. મારી વેદના તમારી આસપાસ ફરતી રહે છે. તમને એટલે જ હું દુઃખી જોઈ શકતી નથી. ક્યારેક તમારો એવો ચહેરો ન ઈચ્છા હોવા છતાં પણ નજર સામે આવે છે ત્યારે મારી આંખો ભરાઈ આવે છે. હું પણ તમારી દીકરી છું આથી તમારી સામે તો નહીં પણ ઘરનાં એક ખૂણામાં જઈને મારું દિલ હળવું કરી લઉં છું.
                તમે પૂછ્યું, “બેટા, લગ્નમાં શું જોઈએ છે”? મેં કહ્યું, ” તમારા અઢળક આશીર્વાદ અને પ્યારભરી મીઠી નજર જોઈએ છે જે હું મારા પાનેતરનાં પાલવમાં ભરીને લઈ જઈ શકું. યાદ આવે તમારી તો એ પાલવમાં તમારો ચહેરો જોઈ શકું. મારા જીવનનો આનંદ તમારી સાથે વણાયેલો છે તો તમે ખૂશ તો હું પણ ખૂશ. મારા માટે તમે યોગ્ય જમાઈને પસંદ કર્યો છે જે મને સંપૂર્ણ સહકાર સાથે પિયરની યાદોને વાગોળવામાં સાથ આપે છે. તમારા પ્રત્યેની ચિંતામાં મને, “સૌ સારું થઈ જશે. હું છું ને” એમ કહે છે. હું ખરેખર તમારી ઋણી છું તેમાંથી ક્યારેય મુક્ત નહીં થાઉં અને થવા માંગતી પણ નથી.
                પિતાજી તમારી જીવનસંધ્યાએ મેઘધનુષી રંગો કાયમ છવાયેલાં રહે એવી કામના રાખું છું. કોઈ વેદના તમારી નજીક પણ ન ફરકે એવી ઇચ્છા રાખું છું. તમને સદા સુખી જોવા માંગુ છું. કાયમ તમારી ખબર પૂછતી રહીશ. તમારી આ લાડલીને આશીર્વાદ આપતાં રહેજો. તબીયત સાચવજો. હું પણ ત્યાં આવીને તમારી સંભાળ લેતી રહીશ.
મારી લાગણીઓને આ સ્વરચિત કવિતા દ્વારા વ્યક્ત કરું છું.

હૈયાને હિંડોળે ઝુલાવે એ પિતા,
લાગણીઓ વરસાવે એ પિતા,
આંગળી ઝાલી ચલાવે એ પિતા,
રમુજી ટુચકા કહી હસાવે એ પિતા,
મારા કાર્યોને બીરદાવે એ પિતા,
સાચી વાતને સમજાવે એ પિતા, 
મારા અંતરને જગાવે એ પિતા, 
તેમના વિરહે રડાવે એ પિતા, 
કેટલાય રહસ્યો બતાવે એ પિતા, 
“સખી” જેમની તોલે કોઈ ન આવે એ પિતા. 

                આપની સ્નેહાભિલાષી રેખાનાં પ્રણામ 

બાંહેધરી : આ પત્ર મારો સ્વરચિત છે એની હું બાંહેધરી આપું છું.

રેખા પટેલ

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: