Our Columnsગુજરાતી સાહિત્યધર્મ અને વિજ્ઞાનધર્મ વિશેષ

શું પશુ-પક્ષીઓમાં ધર્મનો માર્ગ હશે? મનુષ્ય સિવાયના અન્ય જીવો કયો ધર્મ પાળતાં હશે? ભાવિ પેઢીને ધર્મ વિષેનું જ્ઞાન સમજાવવું કેમ અત્યંત જરૂરી છે?

મનુષ્ય સિવાયના બધાજ જીવો સંપૂર્ણપણે પોતાના સ્વભાવને આધારે જીવે છે, બાહ્ય પરિબળોની કોઈજ અસર વગર. પોતાના નિત્ય કર્મો કુદરતી રીતે હજારો વર્ષોથી કોઈજ જાતના ફેરફાર વગર કર્યા કરે છે, અલબત્ત સ્વાર્થી મનુષ્ય એમના જીવન અને પ્રદેશને ખલેલ ન પહોંચાડે તો! પશુ-પક્ષીઓ પોતાના સમુદાય સાથે જ રહે છે અને પોતાના કર્મને આધારે જીવન ગુજારે છે. શિકાર પણ ખોરાક અને સ્વરક્ષા માટેજ કરે છે. એ જીવોને હાયબ્રીડ એટલે શું એ સમજાતું નથી, એ તો મનુષ્યની ઉપજ છે. એ જીવો જે કુળ અને જાતિમાં જન્મે છે એમાંજ પોતાના જીવનને સાર્થક માની અંત પામે છે. પશુ-પક્ષીઓમાં સ્વાભાવિક રીતેજ એકતા હોય છે. ધર્મવાદ, જાતિવાદ, પ્રદેશવાદ એમને પજવતા નથી. તો પછી પ્રશ્ન એ થાય કે કેમ મનુષ્ય વર્ષોના વર્ષોથી ધર્મ, જાતિ અને સંપ્રદાયના નામ પર લડી રહ્યો છે, મારી રહ્યો છે અને મરી રહ્યો છે ? સર્જનહારનું ઉત્તમ સર્જન હોવા છતાં, અન્ય જીવો સાપેક્ષે શ્રેષ્ઠ તર્કશક્તિ હોવા છતાં કેમ સમસ્ત માનવજાત ધર્મના નામ પર હંમેશા સંઘર્ષ, મારામારી, કે સંગ્રામમાં સપડાયેલી જ રહે છે? એનું એકજ કારણ છે કે માણસ અન્ય જીવો જેવો ધર્મનિષ્ઠ નથી. અન્ય જીવો માત્ર એકજ ધર્મને જાણે છે, માને છે, અને પાળે છે, એ છે “સ્વધર્મ”. જયારે માણસ પોતાનો ધર્મ શોધવાં,એમાં સંશય કરવાં,એના પર દલીલ કરવાં, કયો ધર્મ સાચો, કયો ચડિયાતો,કયો ધર્મ સ્વિકારવવો અને ક્યાં ધર્મનો વિરોધ કરવો એના વિશ્લેષણ માંજ સમગ્ર જીવન વ્યતીત કરે છે.

ધર્મના વિષય પર એક નહિ અનેક પુસ્તકો લખી શકાય અને લખાયાં પણ છે. દરેક વિચારક પોતાના આગવા દૃષ્ટિકોણથી કે પૂર્વગ્રહથી, તટસ્થતાથી કે સંકુચિતતાથી, અભ્યાસથી કે અવલોકનથી ધર્મ વિષે સાચી, ખોટી, મનઘડિત, છીછરી કે ઊંડી માહતી પ્રદાન કરે છે. આ માહિતીના અગાધ સમુદ્ર માંથી આપણે જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. પરંતુ જ્ઞાન માત્ર ‘અનુભવ’ થીજ મળે છે, એ સત્ય જૂજ લોકોજ કહી શકે છે. કારણ કે જે એ સત્ય કહે છે એ લોકો બીજાને ‘સ્વાવલંબી’ બનાવે છે. આજની દુનિયામાં ધર્મગુરુઓ, પોપ્સ, પયગંબરો લોકોને ભયભીત કરવામાં અને જાત પરથી વિશ્વાસ ગુમાવતાં જ શીખવે છે કારણ કે તો જ એમનો ધંધો ચાલે છે, સંપ્રદાય પાંગરે અને એમની સત્તા સ્થપાય છે. અવલોકન,અનુસરણ કે વિરોધથી માત્ર બબાલ કે ઝગડાજ થાય છે. અલૌકિક અનુભવ આધ્યાત્મિક માર્ગ (યોગ અને ધ્યાન) અને ભક્તિથી થાય છે. ધર્મ અને આધ્યાત્મ અલગ નથી. બંનેનો હેતુ આત્માની મુક્તિનો જ છે. પતંગ મસ્ત રંગબેરંગી, ચમકતી કે લાંબી પૂંછડીવાળી હોય પણ જો આકાશમાં ઊંચે ઉડે નહિ તો એના દેખાવનો કોઈજ અર્થ નથી એવીજ રીતે જો ધર્મને ઊંડાણપૂર્વક સમજવામાં ન આવે તદુપરાંત અમલમાં મુકવામાં ન આવે તો ધર્મનો કોઈ જ અર્થ નથી. ગીતાજી હજારો વર્ષોથી છે, એની વાંચી ઘણાં એ હશે પણ અભ્યાસ કેટલા એ કર્યો હશે? એની સમજણ અમલમાં કેટલા એ મૂકી હશે? એના પર વિચારમંથન કેટલા એ કર્યું હશે છે? વિવાદો તો રોજે થાય છે કારણ કે દલિલ કરવી સહેલી છે અને એનો અભ્યાસ,સ્વીકાર અને સમર્પણ અઘરું છે. કોઈપણ ધર્મ તરફી કે વિરોધી બાબતો પર પોતાનું પ્રદાન આપવા માટે ધર્મનું પ્રાથમિક જ્ઞાન અને એનું જીવનમાં આચરણ હોવું ખૂબ જરૂરી છે. આપણે માહિતીને જ્ઞાન સમજી પોતાની જાતને છેતરવી ન જોઈએ. બાળક જયારે જન્મે ત્યારે એ જાતિ કે ધર્મ વિષે અજ્ઞાત હોય છે. જે ઘર, જાતિ, સંસ્કૃતિ, અને ધર્મમાં એનો ઉછેર થાય છે એજ એ જાણે છે. આપણેજ જો આપણી સંસ્કૃતિ અને ધર્મના મૂળમાં નથી ઉતર્યા તો ભાવિપેઢીઓ માટે વટવૃક્ષ કેવી રીતે બનાવીશું?
સંત કબીર કહે છે-
जिन खोजा तिन पाइया, गहरे पानी पैठ,
मैं बपुरा बूडन डरा, रहा किनारे बैठ।
જેઓ જીવનમાં હંમેશાં પ્રયત્ન કરે છે, તેઓ કંઈક જરૂર મેળવે છે, જેમ કોઈ મરજીવો ઊંડા પાણીમાં જાય છે, તે અમૂલ્ય મોતી પણ મેળવે છે અથવા બીજું નાનું-મોટું કંઈપણ. પરંતુ કેટલાક લોકો પાણીમાં ડૂબી જવાના ડરથી એટલે કે નિષ્ફળતાના ડરથી કંઇ કરતા નથી અને કિનારે જ બેઠા રહે છે.
કબીરે કહ્યું તેમ જો આપણે ઊંડા નહિ ઉતરીએ તો અત્યંત મૂલ્યવાન જ્ઞાન ક્યારેય પ્રાપ્ત નહિ થાય. પશ્ચિમી દેશો પોતાના ધર્મનું, તહેવારોનું માર્કેટિંગ એ રીતે કરે છે કે આજના છોકરાઓને હેલોવીન ખબર છે પણ મહાશિવરાત્રીનો મહિમા નથી ખબર. આપણે બસ તહેવારો ઉજવવામાં વ્યસ્ત છીએ એ ઉજ્વવા પાછળનું તાત્પર્ય શું છે એ જાણવામાં કે નવી પેઢીને સમજાવવામાં કોઈજ રસ નથી. એટલેજ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ રૂઢિચુસ્ત લાગે છે, ફેન્સી નહિ ! આપણી ભાવિપેઢીને અંગ્રેજી ની સાથે સાથે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને એનો મહિમા સમજાવવો એટલોજ જરૂરી બની ગયો છે કારણ કે કહે છે ને ‘જો દિખતા હૈ વહી બિકતા હૈ’. આપણાં ઘરમાં આપણાં ધર્મના ગ્રંથો ન હોય આપણી વિચારસરણી ન પ્રવર્તતી હોય તો જે દેખાશે એજ સમજાશે. ધર્મ સમજવો તહેવારો ઉજવવા કરતાં વધારે મહત્વનું છે કારણ કે આપણે ‘ક્રિસ્મસ’ પણ ઉજવીશું અને ‘જન્માષ્ટમી’ પણ એક માત્ર મજા માટે છે અને બીજા પાછળ એક ઊંડું જ્ઞાન અને અસીમ મહિમા છે. એ ફર્ક ભાવિ પેઢી ને સમજાવવો અત્યંત જરૂરી છે.
કૃષ્ણ કહે છે:
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः

અહીં દલિલ કરનારાઓ અને સંકુચિત માનસવાળાઓ એવોજ અર્થ કાઢે કે બીજા ધર્મો( ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે અને હિન્દુમાં-બ્રાહ્મણ, વૈષ્ણવ, શુદ્ર અને ક્ષત્રિય) ભયાવહ છે. અહીં પરધર્મોનો મતલબ છે જે પોતાના સ્વભાવ, મૂળપ્રકૃતિ કે અંતઃકરણથી વિરુદ્ધ છે તે. જે ધર્મમાં તમારા સ્વભાવ કે અંતઃકરણ પ્રમાણે શ્રદ્ધા ન બેસે એ પરધર્મ છે. એને અનુસરવું એ અપરાધ છે. ઉદાહરણ તરીકે નોન-વેજ મિત્ર ખાઈ છે એટલે ખાવું, ટ્રેન્ડ છે એટલે ખાવું એ અપરાધ છે. જો નિર્દોષ જીવને મારી ખાવાથી તમારો આત્મા ગ્લાનિ નથી અનુભવતો અને ઇન્દ્રિયોને ક્ષણભરનો આનંદ મળે છે તો ખાવ પણ એ તામસી પ્રકૃતિ છે એ જાણીને ખાઓ. ગીતાજી નો સંદેશ એકજ વાત પર કેન્દ્રિત છે. ‘સ્વધર્મ’ એટલે કે પોતાના આત્માને, પોતાના સ્વભાવને, પોતાની શ્રદ્ધાને સંપૂર્ણ રીતે જાણો. કોઈનાથી પ્રભાવિત થઈને ધર્મને સમજ્યા વગર એને અનુસરવું એ અપરાધ છે. સ્વાર્થ માટે, સત્તા માટે કે દુન્વયી લાભ માટે પોતાના ધર્મથી વિરુદ્ધ જવું એ અધર્મ છે. આપણો જન્મ આપણાં કર્મો અને ધર્મ વિષે ઘણું-ખરું કહે છે. પશ્ચિમી સંસ્કૃતિ એકજ ભવમાં માને છે જયારે ભારતીય સંસ્કૃતિ અમર આત્મામાં, એટલે આપણો જન્મ આપણાં ભૂતકાળની સ્મૃતિઓ, અભિલાષાઓ અને કર્મની ગતિ પરથી નિર્ધાર થયો છે. આપણે જો આપણાં ગુણોને પારખીયે, એનાં ઊંડાણમાં જઈએ તો સમજાશે કે આપણો આત્મા અંતે તો “સમયજ્ઞ રત્ન” કે ‘આત્મજ્ઞાન’ મેળવવા જ ઝંખે છે. આત્મા ઇન્દ્રિઓના સંયમથી અનાસક્ત બની એક સ્તરથી ઉંચ્ચ સ્તરે ગતિ કરી મુક્તિ મેળવવાં અને અનંતમાં વિલીનીકરણ પામવાં મથ્યાં કરે છે. સ્વર્ગ, જન્નત કે હેવન ને પામવાં માટે ધર્મ આચરવો એ ભયાવહ છે. ધર્મ તો શાશ્વત છે અને મોક્ષ કે મુક્તિજ એનું ડેસ્ટિનેશન છે. જયારે ધર્મગુરુઓ, પયગંબરો કે સ્વામીઓ ધર્મના નામ પર લાલચ આપે, ધર્મ-પરિવર્તન સૂચવે એટલે સમજવું કે બ્રહ્માંડ સાથે એ અનન્ય રીતે જોડાયેલા નથી. જો એ ધર્મને સમજતાં હોય તો ક્યારેય ધર્મ-પરિવર્તન માટે ન સૂચવે. દરેક નદીનો અંત સમુદ્રમાં જ છે, પરંતુ દરેક નદી પોતાનો અનન્ય માર્ગ લઈને સાગર સુધી જાય છે, એ બીજી નદીને અનુસરતી નથી કે નથી એની ગતિમાં કોઈ ફેરેફાર કરતી. એ પોતાના સ્વભાવ પર અને કર્મ પર અડગ રહી સાગરને ભેટે છે. દરેક ધર્મ અંતે મુક્તિ માટેની સફર છે. એનાં રસ્તાઓ જુદા હોઈ શકે પણ એનાં માટે ધર્મને બદલવાની કોઈજ ફરજ નથી. કોઈ વ્યક્તિ કે ગુરુ ધર્મ-પરિવર્તનની વાત કાં તો અહમને કારણે અથવા તો પોતાના સમુદાય, સંપ્રદાય, અને અનુયાયીઓ વિસ્તારવાં, ફેલાવવાં, અને તમારો એનાં માટે ઉપયોગ કરવાજ કરે છે એ જાણવું જરૂરી છે.
Kill therefore with the sword of wisdom the doubt born of ignorance that lies in thy heart. Be one in self-harmony, in Yoga, and arise, great warrior, arise. -Shri Krishna

જાતિવાદ અને ધર્મવાદ નવા નથી પણ આવનારી નવી પેઢી માટે કેમ ધર્મને સમજવું અતિ અગત્ય નું છે? અહીં, હાલમાંજ એક કિસ્સો બન્યો જયારે કોલેજના એક પ્રોફેસરે એક છોકરા ઉપર રેસિસ્ટ કોમેન્ટ કરી.એનું કહેવું હતું કે ભારતીય છોકરો થઇ ચાઈનીઝ છોકરીને ફસાવે છે. તારે તારી રેસની છોકરી સાથે જ સંબંધ રાખવો જોઈએ.હવે આ છોકરો હાફ-ફિલિપિનો અને હાફ- ભારતીય હતો જયારે છોકરી હાફ-થાઈ અને હાફ-ચાઈનીઝ હતી. આમાં કઈ જાતિ અને કયો ધર્મ? કોને કેહવું અને કોને સમજવું? ભારતની બહાર ઇન્ડિયન, ચાઈનીઝ, અમેરિકન, પાકિસ્તાની …અને ભારતની અંદર ગુજરાતી,તમિલ, મરાઠી, બંગાળી અને હિન્દુ, મુસ્લિમ,શિખ, ખ્રિસ્તી….! આવનારી પેઢી હાયબ્રીડ પેઢી બનશે અને એટલેજ કોમ્લેક્સ બનશે. જ્ઞાતિ, ધર્મ અને ગુણોનું મિક્સચર. આજે જેટલી સમસ્યાઓ છે એનાં કરતાં કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ અવશ્ય આવશે. ગ્લોબલાઈઝેશન યુ નો! જો રૂઢિચુસ્ત રીતે એને ઉકેલીશું તો ગાંઠ ખુલશે નહિ વધુ ગુચવાશે. એને સમજદારીથી, સાયન્સથી અને ધર્મના ઊંડાણ ભર્યા અભ્યાસથી સુલજાવવી પડશે. નાનપણથી આપણાં ગ્રંથોનો અભ્યાસ કરાવવો જરૂરી બનશે. સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીનું સમીકરણ અને સમાનતા સમજાવવા પડશે, કારણ કે એમાં એવા પ્રૂફ છે જે સહેલાયથી સમજાય છે. માત્ર પરંપરાઓ પળાવવાથી નહિ ચાલે, એ ટ્રેડિશન પાછળનું વિજ્ઞાન પણ સમજાવવું પડશે. સ્વધર્મ સમજવો અને એને પાળવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. ધર્મ પરિવર્તન કરવું ગુનો નથી પરંતુ પોતાના ધર્મ વિષેની અજ્ઞાનતા એ ગુનો છે. વળી, બળજબરી કે દગાથી ધર્મ-પરિવર્તન કરાવવું તો ગુનો જ છે. હું જૈન છું અને નાગરમાં પરણી છું છતાં મને કયારેય એવી તકલીફ નથી પડી કે હું નવકારમંત્ર ન બોલી શકું કે મારા છોકરાને એ ન શીખવી શકું. પણ મારો ધર્મ મને માત્ર જૈન જ શીખવવું એમ પણ નથી કેહતો. જૈન, નાગર અને અંતે હિન્દુ હોવું એ મારો સ્વધર્મ છે. આપણાં છોકરાઓને આપણે સમજાવવુંજ રહ્યું કે એનાં માતા-પિતાની શ્રદ્ધા કયા ધર્મમાં અને કેમ છે? ભવિષ્યમાં અન્ય ધર્મ અપનાવો કે નહિ, પરધર્મ પાળતી વ્યક્તિ જોડે પરણવું કે નહિ, તદ્દન જુદા સંપ્રદાયની વ્યક્તિ સાથે પોતાના આગવાં વ્યક્તિત્વ અને સંસ્કારથી જીવી શકાશે કે નહિ એનો નિર્ણય એ કોઈ સંશય વિના તોજ કરી શકશે જો એને પોતાના ધર્મની બરાબર ખબર હોય, એની ગહનતા, અનન્યતા,અને અપાર મહિમામાં નો એને ખ્યાલ હોય. બીજા ધર્મની લાક્ષણિકતાઓ એ અપનાવી શકશે કે નહિ, એને ન્યાય આપી શકશે કે નહિ એનો નિર્ણય એ ‘સ્વધર્મ’થી કે વ્યક્તિગત રીતે કરી શકશે. ધર્મ બરડ ન હોવો જોઈએ. આપણાં ધર્મમાં કરોડો દેવી-દેવતાઓ છે, કારણ કે અનેક રૂપ એ ‘અનંત’ નિરાકાર’ ‘શાશ્વત’ ની જ અભિવ્યક્તિ છે.
सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति || ૩-33||
બુદ્ધિશાળી લોકો તેમની પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે, કારણ કે બધા જીવ તેમના પ્રાકૃતિક વૃત્તિથી ચાલે છે. દમનનો શું ફાયદો?

આવનાર પેઢીને એ સમજાવવું ખૂબજ અગત્યનું છે કે પોતાના ધર્મના મૂળ સાથે જોડાયેલા રહે, વૃક્ષ ગમે તેટલું ફાલે પણ જો મૂળિયાં મજબૂત ન હોય તો એ પડી જ જશે. આપણો ધર્મ એ આપણી માતા છે. આપણે ભલે આત્મનિર્ભર બની જીવતા શીખી જઈએ પણ જયારે પછડાઇયે ત્યારે ઝીલવાં માટે માતા-પિતા અને ધર્મરૂપી માતાજ હરહંમેશ હાજર હશે. પોતાના આત્મા અને સ્વભાવની આગવી લાક્ષણિકતાઓને સમજો અને એને અનુરૂપ ચાલો. ગેર માર્ગે દોરનારા દિવસે ને દિવસે વધતાં જ જશે. પોતાના કર્મનો માર્ગ અને સત્યનો માર્ગ કદી પણ ન છોડો. બસ, સ્વધર્મના સથવારે ચાલો.

મિત્તલ નાણાવટી

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
Our Columnsધર્મ વિશેષ

મનસાદેવી

મનસાદેવી એ ભગવાન શંકરની પુત્રી છે.
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more

Leave a Reply

%d bloggers like this: