હોસ્પિટલનું ભારેખમ વાતાવરણ હંમેશાં સ્વયમ્  ઉદાસીનું સર્જન કરી જતું હોય છે. આવી જ એક સવારે  સીટી હોસ્પિટલની આલિશાન કેબિનમાં  ડોક્ટરના ચહેરા સામે એકીટસે ચિંતાતુર નજરે તાકી રહેલી સુહાસ જવાબની રાહ જોઈ રહી હતી..“ડોક્ટર, સુકેતુનો રિપોર્ટ શું આવ્યો?”

“જુઓ મિસિસ મહેતા, મારી ફરજ તમને સ્પષ્ટ જણાવવાની છે એટલે દુ:ખ સાથે કહેવું પડે છે કે, મિ. સુકેતુને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. આપણે બને એટલી ત્વરાથી સારવાર શરુ કરી દેવી જોઇએ.”
અને સુહાસના માથે આભ તૂટી પડ્યું. માંડ માંડ સ્વસ્થતા મેળવીને ડોક્ટરે આપેલી સૂચનાઓ પ્રમાણે દાખલ થવાની તૈયારી બતાવીને કેબિનની બહાર પગ મૂક્યો.
એકદમ નિર્લેપભાવે રિસેપ્શનિસ્ટે ત્યારપછીના દર્દી મિસિસ આભાના નામની જાહેરાત કરી.
ફરી એ જ સંવાદ.

“ડોક્ટર, આભાનો રિપોર્ટ શું  કહે છે?”
“મિસ્ટર અજય, ડોક્ટર તરીકે કંઈ છૂપાવ્યા વગર જણાવવાની ફરજ ગણાય એટલે કહું છું કે, મિસિસ આભાની બન્ને કિડની નક્કામી થઈ ગઈ છે. ડાયાલિસિસ અને સારવાર માટે હોસ્પિટલમાં સમયસર દાખલ થઈ જવું વધુ હિતાવહ છે.”
આભા અને અજયના ચહેરા પર અકલ્પ્ય વેદના તરી આવી.
ત્યાર પછીના મહિનાઓ બંને દંપતિઓ માટે કસોટીના હતા. પણ..
“અહીયાં મરજી કોણ પૂછે છે!દર્દની માત્રા કોણ પૂછે છે!હરાજી માત્ર લાગણીની થાય છે!બાકી રોકાણની અવધિ કોણ પૂછે છે!”

સીટી હોસ્પિટલના ત્રીજા મજલે કેન્સર વોર્ડમાં સુકેતુની અને બીજા મજલે યુરોલોજી ડિપાર્ટમેન્ટના ક્રિટિકલ વોર્ડમાં આભાની સારવાર ચાલતી રહી.
બસ, અજય અને સુહાસ વચ્ચે પોતપોતાના જીવનસાથી માટે કુદરત સામે લડાઈ આપવાનું સામ્ય હતું. બંને એક જ નાવના મુસાફર થઈ ચૂક્યા હતાં.એકસરખી મનો:સ્થિતિ ધરાવતાં બે નામને કદાચ ફરજિયાત એ જ વેદનાનો સ્વિકાર કરવાનો ભાગે આવ્યો .
સીટી હોસ્પિટલની બહાર દવાઓ, ફળની દુકાન હતી ત્યાં બીજા બધા દર્દીઓના સ્વજનોની જેમ લગભગ  રોજ બંનેની અનાયસે મુલાકાત થતી. અરસપરસ પોતાની વાત અને ઉદાસીની ઔપચારિક આપ-લે થતી રહેતી. 

આજે પણ અજય નાળિયેર લેવા દુકાનમાં પહોંચ્યો ત્યારે સુહાસ ફળવાળા સાથે વાત કરી રહી હતી.“ભાઈ, બે મોસંબી, બે દાડમ આપજો અને ખાતામાં લખજો.”અનાયસે લાચાર નજર રોજની જેમ આજે પણ ફરી વળી..“મારી મીનુને સીતાફળ બહુ ભાવે હોં!”
જરા અણગમાના ભાવ સાથે દુકાનદારે કહ્યું,“રોજ આમ બોલો છો તે લઈ કેમ નથી જતાં?”
આસપાસના ઉભેલા લોકો સામે આમ સીધું જ પૂછાઈ જતાં ઓઝપાઈ ગયેલી સુહાસે સીતાફળના ઢગલા સામે નજર નાખી સ્વગત્ કહ્યું,“અરે, મારી ચાર વર્ષની મીનુને સમજાવી દેવાશે. સુકેતુની સારવાર વધુ અગત્યની નહીં!”
અજયને સુહાસના ચહેરા પર સુકેતુની માંદગી માટે ફિકર અને દીકરીને જાણે અજાણે થઈ રહેલો અન્યાય સ્પષ્ટ વંચાયો. મનમાં પોતે પણ લાચાર જ છે એવો ભાવ જાગી આવ્યો.
 
ઘડી પળમાં, પળ કલાકોમાં, કલાકો દિવસોમાં તબદીલ થયા. 
રોજની જેમ અજય દવાઓ અને નાળિયેર લેવા નીચે ઉતર્યો.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં થોડા લોકો અને એમ્બ્યુલન્સને જોઇને એ રોકાયો.બે મહિનાની સારવાર પછી જિંદગીની જંગ હારી ગયેલા સુકેતુને સ્ટ્રેચર પર અને પાછળ સપાટ ચહેરાવાળી સુહાસને જોઈ અજય સ્તબ્ધ હતો. માંડ માંડ સ્વસ્થતા કેળવી એ આભાની સારવારમાં પરોવાઈ ગયો. 
બસ, ત્યાર બાદ ફરી સમય પોતાના અંદાજમાં કોઇની શેહ રાખ્યા વગર વહેતો ચાલ્યો.
મીનુના માથે હાથ પસારતી સુહાસ ફોટામાં સ્મિત કરતા સુકેતુ સામે જોઈ રહી હતી.“આજે ત્રણ મહિના પૂરા થયા. આમ મઝધારે મુકીને તે જવાતું હશે? જિંદગી એવા વળાંક પર આવીને ઉભી છે કે આગળની કેડી મળતી નથી.”
વિચારોમાં ગરકાવ આંસુ આંસુ થઈ ગયેલી સુહાસને કાને ડોરબેલ રણકવાનો અવાજ અથડાતાં તે ચોંકી. દરવાજો ખોલતાં જ..“અરે, તમે?”“હા, હું. હોસ્પિટલના રેકોર્ડમાંથી સરનામું મેળવ્યું.”

કદાચ સહેજ અણગમા સાથે આવકાર આપીને અજયને પાણીનો ગ્લાસ ધરી રહેલી સુહાસની આંખમાં કેટલાય સવાલ વાંચી રહેલા અજયે સીધું જ કહ્યું,“આપણી વચ્ચે એવી કોઈ ઓળખાણ નથી. માત્ર વેદનાનો સંબંધ બહુ ગાઢ છે.જ્યારે જ્યારે હું મીનુના નામના ઉચ્ચાર સાથે તમારી મજબૂરી જોતો ત્યારે ત્યારે મારા મનમાં હલચલ મચી જતી. કમનસીબે આપણા જીવનસાથી થોડા થોડા સમયને અંતરે વિદાય થયા.
 
પછી આજ સુધી ઘણા મનોમંથન બાદ એક પ્રસ્તાવની હિંમત કરીને આવ્યો છું. કહું?”
સુહાસ હજી ટ્રાન્સમાં જ હતી. એ જ શૂન્યાવસ્થામાં એણે હા કહી..
“મીનુને જિંદગીભર સીતાફળ ખવડાવવાનાં લાડ કરી શકું એ હક આપશો?”
અને અજયે પોતાની સાથે લાવેલો સીતાફળનો કરંડિયો અને એક સુંદર સાડીનું પેકેટ સુહાસના હાથમાં મુક્યું.બંનેની આંખ બોલી રહી હતી..

“મારી તારી વેદના એક,
મારી તારી ચેતના એક,
જિંદગીએ આપી નવી રાહ,
આજથી મારી તારી ખેવના એક..”

લીના વછરાજાની

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: