Our Columnsમાસ્તરની વાર્તા

સુહાગણ

“લાજ શરમ નેવે મૂકી છે. ધર્મની વિરોધમાં આવી રીતે તો થોડું નીકળી પડાઈ.” શહેરની એક સ્વચ્છ સોસાયટીના જાગૃત અંજલીબેન બોલ્યા.

“કેમ એવું તો શું કર્યું છે આણે?” સોસાયટીમાં નવા રહેવા આવેલા નીમાબેન બોલ્યા.

“શું નથી કર્યું એ પૂછો? આખી સોસાયટીની વાતો થાય છે આજુબાજુના એરિયામાં.”

“દેખાવે તો સામાન્ય લાગે છે, કોઈ ગેરકાનૂની કામ કરે છે?”

“ધર્મકાનૂની કહો નીમાબેન, હું તો મારા છોકરાને એના ફ્લેટની આજુબાજુ ફરકવા પણ ના દઉં. શું ખબર મારા છોકરા પર પણ આના જેવા સંસ્કાર આવી જાય.”

“તમે ક્યારના એના સત્તર હજાર વાંક ગણાવો છો, મૂળ વાત તો કરો.”

“નીમાબેન, એના પતિની મૃત્યુ હજી ગયા મહિને જ થઈ છે. એ વિધવા છે, જોવો એના લક્ષણ લાગે છે કોઈ બાજુથી વિધવા જેવા?”

“પણ એણે તો સુહાગણનો ચાંદલો, મંગળસૂત્ર બધુ જ પહેરી રાખ્યું છે કદાચ તરત બીજા લગ્ન કરી લીધા હશે.”

“ના.. ના તમે નવા છો એટલે તમને નથી ખબર કોઈ બીજા લગ્ન નથી કર્યા.”

આ બધી વાતો સોસાયટીના અમુક પુરુષો પણ સાંભળી જાય છે એ વાતમાં સાથે સાથ પુરાવે છે.

“સાચું બિચારા નરોત્તમદાસ, દયા આવે એના પર જુવાનજોત છોકરો ખોયો અને સાથે આવી ખરાબ ચાલ ચલણ વાળી વહું મળી.” સેક્રેટરી દક્ષેશભાઈ બોલ્યા.

“સાચું એકદમ સાચું કહ્યું તમે નરોત્તમદાસની આટલી ઇજ્જત આ બાઈએ ધૂળમાં મેળવી દીધી.” ગોપાલભાઈએ હાજરી પુરાવી.

“દક્ષેશભાઈ, તમારે કાંઇક તો કરવું જ પડશે આનું. સોસીયટીમાં ઇજ્જતદાર લોકો રહે છે, આવી બાઈના કારણે અમારા છોકરા પર પણ અસર થાય.” અંજલીબેન સાડીનો છેડો વાળી બોલ્યા.

“હા.. હા. કાયમી નિવેડો લાવો હવે, નરોત્તમદાસ માટે ઘણી મનમાં ઇજ્જત છે પણ આવું નહીં ચલાવી લઈએ. મિટિંગ બોલાવો આજે ને આજે જ.” એકસ્વરે બધા બોલી ઉઠ્યા.

“તમે બધા શાંતિ રાખો, આ થોડો નાજુક વિષય છે મિટિંગમાં બધા સામે ચર્ચા ના કરી શકીએ. આખરે એ એક સ્ત્રી છે અને આપણે એની ગરિમા જાળવવી જોઈએ.” દક્ષેશભાઈએ થોડી માનવતા દર્શાવી.

“તો ચાર પાંચ લોકો ચાલો એમના ઘરે અને સમજાવીએ કે વિધવા છે તો વિધવા બનીને રહે, આમ સજી ધજીને ફરે નહીં અને આપણાં ધર્મ અને આપણાં રીતિ રિવાજોનું અપમાન કરે નહીં.” ગોપાલભાઈ ગુસ્સે થઈ બોલ્યા.

“ગોપાલભાઈ, તમે તો ધર્મરક્ષા પાર્ટીના અધ્યક્ષ છો ને તો બોલાવો તમારા બધા કાર્યકર્તાને અને પાઠ ભણાવો આ ધર્મવીરોધી બાઈ ને.” ચોકીદારે બળતામાં ઘી હોમી દીધું.

“હું શું કહું છું આપણે એમને મળવું જોઈએ અને એમનો પક્ષ જાણવો જોઈએ, આમ સીધું એના પર આવા આરોપ ના લગાવવા જોઈએ.” નીમાબેન થોડા નરમ પડ્યા.

“હવે ચર્ચા વિચારણા કાંઇ જ નહીં સીધા જઈએ એના ઘરે અને એમને ચેતવણી આપી દઈએ કે સમાજે  જે વિધવા માટેના નિયમો બનાવ્યા છે એ મુજબ રહે બાકી આ સોસાયટીમાંથી એમને રવાના કરવામાં આવશે.” દક્ષેશભાઈ આગેવાન બની બોલ્યા.

સોસાયટીના સાત આઠ લોકો મળી સાંજના સાત આઠ વાગ્યા આસપાસ નરોત્તમદાસના ઘરે પહોંચ્યા. ડોરબેલ વગાડ્યો. દરવાજો હેમાંગીએ ખોલ્યો.

“નમસ્કાર, નરોત્તમદાસ.” દક્ષેશભાઈએ બે હાથ જોડી કહ્યું.

“અરે, આવો આવો દક્ષેશભાઈ અચાનક તમે બધા અમારા ઘરે. શું કાંઇ તકલીફ?”

“તમારી વહું હેમાંગીબેન એ અમારી સૌથી મોટી તકલીફ.” દક્ષેશભાઈએ હેમાંગી સામું જોઈને કહ્યું.

“બેટા, આ લોકો શું કહે છે?” નરોત્તમદાસએ હેમાંગીને પૂછ્યું.

“હા પપ્પાજી, હું આ લોકોની જ રાહ જોતી હતી, મને ખબર જ હતી કે આજે નહીં તો કાલે સોસાયટીમાં મારી વાતે હોબાળો થશે જ.”

“હેમાંગીબેન, આ તમને શોભા નથી દેતું, તમારા જીવનમાં આટલું મોટું દુ:ખ આવ્યું એનાથી અમને પણ દુ:ખ  છે પણ તમે લાજ શરમ નેવે મૂકીને એ એક સુહાગણની જેમ ફરો એ ભારતીય નારીને ના શોભે.” નીમાબેન બોલ્યા.

“હું માનું છું કે સમાજે વિધવા માટે નિયમો બનાવ્યા છે પણ આ જ સમાજે વિધવા પુનર્લગ્ન કરવા માટે મંજૂરી આપી છે, વિધવાને નવું જીવન મળી રહે તે માટે બધી વ્યવસ્થા કરી છે.”

“તો તમે બીજા લગ્ન પણ કરી લીધા?” અંજલીબેનએ આંખો પહોળી કરી પૂછ્યું.

“મારા પતિ દેવેશ મારી સાથે જ છે, પતિએ આપેલી જ આ બધી નિશાની છે ને આ ચાંદલો, આ મંગળસૂત્ર, આ રંગબેરંગી બંગડીઓ. હા માનું છું કે એમનું અવસાન થઈ ગયું છે એ દેહથી મારી સાથે નથી પણ આત્માતો અમર છે ને!. અમારો સંબંધ દેહથી પર છે, અમે મનથી જોડાયેલા છીએ. હું નથી માનતી કે એ મને છોડીને ગયા છે, એકવીસમી સદી છે અને એમાં સમાજે વિધવા પુનર્લગ્નની પરવાનગી આપી છે તો આ સમાજ એ જ વિધવાને એની ઈચ્છા મુજબ જીવવાનો અધિકાર કેમ ના આપે? આખરે તો હું પણ લોકશાહીમાં જ રહું છું, મારુ પણ પોતાનું અસ્તિત્વ છે. સમાજે મને આ રૂપમાં સ્વીકાર કરવી હોય તો કરે પણ મારા માટે મારા પતિ મારી સાથે જ છે અને હમેશાં રહેશે, એ મને આમ જ સજેલી જોવા ઇચ્છતા હતા એટલે એમની ઈચ્છા પૂરી કરવી એ મારી ઈચ્છા છે. દક્ષેશભાઈ, તમારે મને કાઢી મૂકવી હોય તો પણ ભલે પણ હું મારા પતિ સાથે જ છું અને હમેશાં આમ જ આવી જ રીતે રહીશ.” હેમાંગીએ મક્કમ થઈ મનની વાત કહી દીધી.

સોસાયટીના બધા લોકો આ જવાબ સાંભળી અવાક બની ઘરની બહાર નીકળી ગયા.

સુનિલ ગોહિલ “માસ્તર”   
 

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: