ગુજરાતી સાહિત્ય

અખાભગતના છપ્પા….

(૧) તિલક કરતા ત્રેપન ગયા, જપમાળાના નાકાં ગયાં ગયા,

તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ,

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

(૨) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,

એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

(૩) આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?

ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઉડવાનું જોર,

અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે ?

(૪) જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,

અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા,

ના થાય ઘેસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

(૫) આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,

કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,

ઊંડો કૂવો ને ફાટી બોક, અેમ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક….

આવા જિંદગીને કટાક્ષ કરતા છપ્પા લખનાર અખા ભગત વિશે જાણીએ.

*અખા ભગતના જીવન વિશે….*

અખા રહિયાદાસ સોની જે અખા ભગત અથવા આખોના નામે ઓળખાતા હતા. જેઓ વ્યવસાય સોની હતા અને સાથે સાથે કવિ પણ હતા. જેમનો  જન્મ આશરે ૧૫૯૧ માં ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના જેતલપુર નામના સ્થળે થયો હતો.અખા ભગતે અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ દેસાઇની પોળનું એ મકાન 

‘ અખાના ઓરડા ‘ તરીકે જાણીતું છે. જીવનની શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પરંતુ માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો ધર્મ પરથી વિશ્વાસ ઉઠી ગયો. ત્યારબાદ તેમણે એક ગુરૂનું શરણ લીધું પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ ગુરૂ પણ ઢોંગી છે ત્યારે તેમને મનમાં એમ થયું કે આ સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય જ ચાલે છે. આ સાથે જ તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું અખાના છપ્પામાં સમાજમાં ચાલતા આડંબરો પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. તેમણે કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક કાવ્ય સંગ્રહો આપ્યા હતા. જેમાં છપ્પા, સોરઠા, અખેગીતા, અનુભવ બિંદુ જેવા અનેક સંગ્રહનો સમાવેશ થાય છે. પોતાના જીવનકાળ દરમ્યાન સમાજને વિશાળ કાવ્યસંગ્રહોની ભેટ આપી અખા ભગતે ૧૬૫૬ માં અમદાવાદ જિલ્લામાં પોતાની જીવનલીલા સંકેલી લીધી.

સંદર્ભ : વિકિપીડિયા.

સંકલન : તૃપ્તિ વી પંડ્યા”ક્રિષ્ના”, ભાવનગર.

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: