લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા કે શોખ માટે લોકો તમને ક્રીટીસાઈઝ કરવાના જ છે ! દરેકની અંદર ‘To be seen, heard and understood’ ની એક સુષુપ્ત ઝંખના રહેલી હોય છે. પૃથ્વીના પ્લેટફોર્મ પર ઉભા રહીને પ્રતિભા, અભિવ્યક્તિ કે સુંદરતાના દમ પર, આ જગતના વિશાળ ઓડિયન્સને મંત્રમુગ્ધ કરવાની ઈચ્છા દરેકમાં હોય છે. પણ કેટલાય લોકો અભિવ્યક્તિ સુધી નથી પહોંચી શકતા કારણકે તેમને અભિપ્રાયનો ડર હોય છે.

દરેક સોશિયલ મીડિયા સાઈટ પર 90-9-1 નો નિયમ લાગુ પડે છે. એટલે સોશિયલ મીડિયા યુઝ કરનારા ૯૦ % લોકો Lurkers હોય છે. લર્કર એટલે એવી વ્યક્તિઓ જે સંતાઈને તમને જોતી હોય. તમારી પ્રતિભા, અભિવ્યક્તિ, ઉપલબ્ધિઓ કે ફોટોગ્રાફ્સ જોઈને ચુપચાપ ઓફલાઈન થઈ જતી હોય. શક્ય છે કે તમારી અભિવ્યક્તિ કે સુંદરતા જોઈને એ રાજી થતી હોય. પણ લર્કર્સમાંના કેટલાક એવા પણ હશે, જેમને સૌથી વધારે એ વાત ખૂંચતી હશે કે તમે અભિવ્યક્ત થઈ રહ્યા છો. કારણકે આ જગતનું સૌથી જરૂરી કામ એટલે કે ‘અભિવ્યક્ત થવું’, એ જ કેટલાક લોકો નથી કરી શકતા.

૯ % લોકો પ્રતિક્રિયા આપે છે. એમનો ગમો-અણગમો તમારી સાથે શેર કરે છે. ‘ડિફરન્સ ઓફ ઓપિનિયન’ રજૂ કરે છે. પણ સોશિયલ મીડિયા યુઝ કરનારા ફક્ત ૧ % લોકો ‘કન્ટેન્ટ ક્રિએટર્સ’ હોય છે. આ ૧ % માં આવતા એ લોકો છે, જેમની અભિવ્યક્તિ પર બાકીના ૯૯ % લોકોનું ‘ગોસિપ ગુજરાન’ ચાલે છે.

આ પ્લેટફોર્મ જેટલા લોકો અભિવ્યક્ત થઈ રહ્યા છે, એ દરેકને મારી વિનંતી છે કે જગતની પરવા કર્યા વગર તમારી વાત દિલ ખોલીને રજૂ કરો. કેટલાક લોકોને સૂરજના ઉગવા અને આથમવા સામે પણ વિરોધ હશે. જેઓ યોગદાન નથી આપી શકતા, તેઓ અભિપ્રાય આપે છે. પણ કોઈએ આપેલો અભિપ્રાય, ક્યારેય પણ તમારી વાસ્તવિકતા બનતો નથી. આપણી વાસ્તવિકતા, વર્થ અને વિશ્વ આપણે નક્કી કરીએ છીએ.

So, forget about the world and just express yourself. કોઈપણ કારણસર વ્યક્ત ન થવું, એ જાત પર કરેલો સૌથી મોટો અત્યાચાર છે. વિશ્વ તમને સાંભળી રહ્યું છે. અન્યના અભિપ્રાયના ડરે, જાતમાં દાટેલી લાગણીઓ હંમેશા ઘાતક હોય છે.

આ દુનિયામાં રહેલી તકલીફોથી એટલી પીડા નથી થતી, જેટલી પીડા એ તકલીફો કોઈને ન કહી શકવાથી થાય છે. ફક્ત પીડા જ નહિ, આનંદ અને ખુશીઓની એ દરેક ક્ષણ જે કોઈની સામે વ્યક્ત નથી કરી શકાતી, એ આપણી અંદર એક ખાલીપાનું સર્જન કરતી હોય છે.

કેટલાક લોકો માટે સૌથી કપરું ચઢાણ ઓડિયન્સમાં રહેલી ખુરશીથી સ્ટેજ સુધીનું હોય છે. અને કેટલાક માટે ફેસબુક કે ઈન્સ્ટાની વોલ સુધીનું.

અભિવ્યક્તિ પ્રાણ-પોષક છે. એ દરેક વ્યક્તિમાં નવો પ્રાણ ઉમેરે છે. સ્ટેજની ઉપર હોય કે પડદાની પાછળ, સોશિયલ મીડિયાની વોલ પર હોય કે ક્લોઝ્ડ ફ્રેન્ડસ સાથે શેર કરેલી સ્ટોરીમાં, જાહેરમાં હોય કે કોઈ અંગત સ્વજનની હાજરીમાં પણ અભિવ્યક્તિ આપણા સહુનો ઓક્સીજન છે. આઈ.સી.યુમાં કોમામાં રહેલા કોઈ બ્રેન-ડેડ દર્દી અને આપણામાં તફાવત ફક્ત અનુભૂતિ અને અભિવ્યક્તિનો જ હોય છે. જો આપણી જાતમાંથી અનુભૂતિ અને અભિવ્યક્તિ બાદ કરીએ, તો આપણે પણ કોમામાં જ જીવીએ છીએ.

હાવભાવ કે પ્રતિક્રિયા વગરના કોઈ નગરમાં બેભાનાવસ્થામાં રહેલા આપણા માટે સભાન બનવાની એક જ તક છે, અભિવ્યક્તિ. એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. ગીત સંગીત નૃત્ય લેખન નાટક ચિત્ર કે પછી ફક્ત ગમતી વ્યક્તિને કાનમાં કહેલા શબ્દો. પણ અભિવ્યક્તિથી અળગો રહી ગયેલો માણસ, કેટલાય ચોમાસા પછી પણ કોરોધાકોર રહી જતો હોય છે.
-ડૉ. નિમિત્ત ઓઝા

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: