પ્રિય પ્રેમ,

            મારો પત્ર વાંચીને તને ખુશી તો નહી જ થાય પણ તોય મારી યાદ તો તને આવશે જ. હું જાણું છુ તું તારી દુનિયામાં ખુબ ખુશ છે અને તારો સાથ આપવાવાળા અઢળક લોકો છે. મેં પણ તને મારી સાથે રાખ્યો હતો.

તને યાદ છે એ દિવસો જ્યારે મને અને તને બન્નેને નફરત સાથે રહેવુ ના ગમતુ. હું ગુસ્સે થતી તો તું મને સમજાવતો કે જ્યાં હું હોઉં ત્યાં ગુસ્સો, ઈર્ષા, નફરત આ બધાને કોઈ સ્થાન નથી. તારી સાથે દરેક સવાર રોમાંચિત ઉગતી અને સાંજ પણ સુંદર લાગતી. તારી સાથે હતી ત્યારે તો મને બધું જ સારું લાગતું. હું બધા પર વિશ્વાસ કરી શકતી હતી. તને ગમે એવી કવિતા લખતી. મારો દરેક શબ્દ તારી સાથે જ જોડાયેલો રહેતો હતો. મને સપનાં જોવા ગમતા હતા. ફિલ્મ જોવાની મજા આવતી. ચોકલેટ ખાવાની પણ ખુશી થતી. રાહ જોવી ગમતી. ચોરીછૂપીથી કોઈ ને જોવુ ગમતુ. એના માટે આખો દિવસ હાજર રહેવું ગમતું. એના વિચારોમાં ખોવાયેલા રહેવાની મજા આવતી હતી. જેટલો સમય સાથે બેઠા હોઈએ એ સમયને લખવાની પણ મજા આવતી હતી. જન્મદિવસ હોય કે દિવાળી, મિત્રતા દિવસ હોય કે વેલેંટાઈન ડે બધે મને પ્રેમ તારી હાજરી નો અહેસાસ થતો. તારી સાથે હતી એટલે વાદળ, ફુલ, પંખી, સુરજ, ચા, રસ્તા, શહેર, આંખો, સ્મિત, વરસાદ, તડકો, ઠંડી, મેદાન, ખેતર, વગડો, પાણી, રાત, ચંદ્ર, તારાઓ, મંદિર, ગીત સંગીત, ગણિત, પુસ્તક, બારી, રંગ, બધું જ જાણે મારું હોય એવુ લાગતુ હતુ. મને આ બધાથી પણ અઢળક પ્રેમ હતો. મે તારી સાથે રહીને એક વાત તો શીખી લીધી હતી કે તારા વગર મને આમાંથી કોઈ પણ મળ્યુ ના હોત અને આજે જ્યારે તું નથી તો એ સમજાઈ રહ્યુ છે કે તારા વગર મારું કોઈ અસ્તિત્વ જ નથી.

જ્યારે તું મારી સાથે હતો ને પ્રેમ ત્યારે તો મને બધું જ ગમતુ. અમુક લોકોની આંખો અને અમુક લોકોની વાતો ગમતી. અમુક લોકોની સાથે બેસવું ગમતુ અને અમુક લોકોની સાથે ચાલવું ગમતુ. અમુક લોકોનું સ્મિત અને અમુક લોકોનું સંગીત ગમતુ. ટૂંકમાં મને બધા જ પસંદ આવતા હતા. ખામી નીકાળવાની તો આદત નથી મને પણ મને બધાની ખુબીઓ શોધવાની મજા આવતી હતી. મને ગીત સાંભળવાની, ગઝલ લખવાની, ચોકલેટ આપવાની, બધી વાતો કહેવાની અને જમવાની પણ મજા આવતી. મને તારી સાથે એમનો અવાજ ગમતો, રુવાબ ગમતો, સવારની શરૂઆત ગમતી, લાંબી રાત પછી થતી મુલાકાત ગમતી, સાથે ચાલવું ગમતુ, હાથ પકડી બેસવું ગમતુ, ક્યારેક ઝઘડવુ પણ ગમતુ અને ક્યારેક મનાવવુ ગમતુ, નવી નવી ભેટ લાવવાનુ ગમતુ, પોતાની જાતને સમય આપવાનું ગમતુ,

પણ પ્રેમ જ્યારથી તું મારી સાથે નથી મને તો કોઈથી વાત કરવું ય નથી ગમતુ. ના હું પહેલાની જેમ વાર્તા લખુ છું કે ના મારી કોઈ નવી પ્રવૃતિ હોય છે. મારી અંદર જે ઉત્સાહ તારે કારણે હતો એ તારી સાથે જતો રહ્યો છે. કલાકો સુધી મોબાઈલ હાથમાં હોવા છતાં કોઈ થી વાત નથી કરતી. ફિલ્મો પણ નથી જોતી અને ગીત પણ નથી સાંભળતી. ના ક્યાંય નવી જગ્યાએ જાઉં છું કે ના કોઈ નવા મિત્રો બનાવું છું. મંદિર ગયાને પણ ઘણો સમય થઈ ગયો. ત્યાં બેસીને તને યાદ કર્યા ને જાણે વર્ષો વીતી ગયા છે. તારા વગર ઘણું બધું બદલાઈ ગયું છે. હું હવે પહેલાની જેમ કોઈની સામે ખુલીને વાત નથી કરતી, હસી મજાક નથી કરતી અને ચોકલેટ તો કોઈને નથી આપતી. પહેલાં મારી પાસે ચોકલેટ આપવા માટે રહેતી હવે બસ એ પડી જ રહે છે કોઈને આપવાનું પણ મન નથી થતું. કોઈને મળવા જવાનો જરા ય ઉમળકો જ નથી હોતો.

પ્રેમ તું નથી તો હું કંઈ જ નથી. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવ. આ નફરતથી હું બધા સંબંધ તોડી દઇશ. ગુસ્સાને એના મોસાળમાં મુકી આવીશ. તું કહીશ એ બધા નો વિશ્વાસ કરીશ. બધાની સાથે તારી જેમ ખુશીથી રહીશ. તને હંમેશા બધાની સાથે વહેંચતી રહીશ અને તને જે નથી ગમતુ એવુ કોઈ પણ કામ નહિ કરું. બસ તું એક વાર પાછો આવી જા. તને આદર પણ આપીશ. નવા લોકોને મળતા હું ડરીશ નહી અને જુના લોકોને ભુલી જવાના વ્યર્થ પ્રયાસ નહીં કરૂ. તું કહીશ તો લડીશ અને તું કહીશ તો ઝુકી જઈશ. કોઈ જતું હશે તો તને નહી ધમકાવું અને કોઈના કહેવાથી તારો સાથ પણ નહી છોડુ. તારામાં મારો વિશ્વાસ રાખીશ.

બસ, મારામાં તું આવી જા. જેમ પહેલાં મારા દિલ અને દિમાગ રહેતો હતો અને બધાની આંખમાં મને દેખાતો હતો એમ ફરી પહેલાં જેવું કરી દે બધું.

પ્રિય પ્રેમ તારા વિના બધી સફળતાઓ અધુરી છે, દોસ્તી અધુરી છે, મારી વાર્તા પણ અધુરી છે, મારા જીવનની બધી સફર અધુરી છે. તું આવી ને આ અધુરાશ ભરી દે.

હું તારી રાહ જોઈ રહી છું, તું ઝડપથી આવી જા.

લિં.
તારા વિના અધુરી હ્દયની લાગણી.

  • કોમલ ડેરિયા.

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: