ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

🔔 સાચા સંબંધો, સાચી સમજદારી !

ગુરુપૂર્ણીમાના પાવન અવસરે આગોતરા શુભેચ્છાવંદન 👍 🌹🙏

૨૧મી સદીમાં પ્રેમનો અલગ-અલગ અર્થ હોય છે : પ્રથમ ખિસ્સા, પછી દેખાવ અને છેલ્લે હૃદયનો નંબર આવતો હોવા છતાં એવા લોકો હંમેશા એકલા પડી જતાં હોય છે જે પોતા કરતા વધારે બીજાની ચિંતા કરતા હોય છે. કોઠાસૂઝ ને વિવેકબુદ્ધિ, એ ફક્ત ઈશ્વરે આપેલી ભેટ જ નથી પરંતુ એક સજા પણ છે – કારણકે, તમારે એ બધાં લોકોને સહન કરવાં પડશે જેઓ આનાથી વંચિત છે ! અને હા, ખામોશીમાં પણ એક તાકાત એ છે કે એક પણ વખત તલવાર વાપર્યા વિના કે શબ્દ બોલ્યા વગર હજારો શબ્દોને ચૂપ કરવાની તાકાત ધરાવે છે.

પ્રશંસા માંગતા ઈશ્વરથી, નિર્ગુણ અને નિરાકારને શીખવવાનો દાવો કરતા ગુરુથી, મદદની કિંમત મૂકનારા કલ્યાણકારીથી, તમને સંકુચિત કરે તેવા પ્રેમીથી, સ્વતંત્ર વિચારનો વિરોધ કરે તેવા વાદથી, સંશયને સમજી ન શકે તેવા શ્રદ્ધાળુથી, તર્કને બુદ્ધિ ગણે તેવા બુદ્ધિશાળીથી, જિજ્ઞાસાની કદર ન કરે તેવા જાણકારથી સદા દૂરી બનાવી રાખવામાં હિત સમાયેલુ જાણવું.

પારીવારીક મૂલ્યોનું મહત્વ તેમજ દામ્પત્ય જીવનની સમજદારી માટે અત્રે પ્રસ્તુત બે દ્રષ્ટાંતકથાનું પઠન કરવું કે કરાવવું આગ્રહભર્યુ માનુ છું :

કોઈ એક પ્રદેશમાં એકદમ હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું. સૌ જીવો ટપોટપ મરવા લાગ્યા. શાહુડીના ઝુંડમાં હાહાકાર મચી ગયો. પછી બધી શાહુડીઓએ નક્કી કર્યું કે જો આપણે બધા એકબીજાને વળગીને રહીશું તો અરસપરસની હુંફને લીધે બધાના જીવ બચી જઈ શકે છે.

પછી બધી શાહુડીઓએ એકબીજાની પડખે ભરાવાનું શરૂ કર્યું. સાચે જ હૂંફને લીધે બધાને ઘણી રાહત થઈ. પણ એકબીજાના કાંટા બધાને ખૂબ વાગ્યા. અમુક શાહુડીઓ કાંટાની વેદના સહન કરવા તૈયાર ન હતી. તેમણે સંયુક્ત ન રહી, છુટા પડવાનો નિર્ણય લીધો. પરીણામ એ આવ્યું કે થોડી વેદના સહન કરીને પણ જે શાહુડીઓ જોડાયેલી રહી તે જીવી ગઈ. જે છુટી પડી તે મૃત્યુ પામી. જોડાયેલી શાહુડીઓ સમજી ગઈ હતી કે જેમ એમને બીજાના કાંટા વાગતા હતા તેમ બીજાને પણ પોતાના કાંટા વાગતા હશે પણ જીવન બચાવવું હોય તો અન્ય દ્વારા થતી થોડી વેદના સહન કરવી પણ પડે.

પરીવાર ભાંગતા જાય છે કારણકે પોતાના કાંટા દ્વારા બીજાને પણ વેદના થતી હશે તે કોઈ સ્વીકારતુ નથી, માત્ર પોતાને જ વેદના થાય છે તેમ બધા માને છે. થોડી વેદના સહન કરીને પણ સાથે રહીએ તો શ્રેષ્ઠ જીવન માટે એ જરાય મોંઘો સોદો નથી. પારાવાર, વાર પર વાર, વારંવાર, લગાતાર ને અપરંપાર થાય છતાં ય જે જોડાયેલા રહે તે પરીવાર.

પતિ પત્નિના સહજીવન પણ પ્રેરક હોવું ઘટે તે માટે આ વાત વાંચો :
સ્મિતા તેના પતિને બોલી કે, તમારે ઓછામાં ઓછી પાંચ દિવસની રજા લેવી જ પડશે. અરે સ્મિતા, સમજવાનો પ્રયત્ન કર. અત્યારે ઓફીસનું વાતવરણ ખરાબ ચાલે છે. મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારીને ના પાડવાની તકની રાહ જોઈને બેઠું છે. આવા સંજોગોમાં તેઓને સામે ચાલીને કારણ ન અપાય.

હા, તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે. અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા રિસાઈને રૂમમાં જતી રહી.

સાંજે સસરાનો ય ફોન આવ્યો – કુમાર, તમારે પાંચ દિવસની રજા તો લેવી જ પડશે. સાળાના લગ્ન છે. રજા તો લેવી પડે કે નહીં ? મેં કીધું કે, વડીલ સમજવાનો પ્રયત્ન કરો. ઓફીસનું વાતવરણ અત્યારે ખરાબ છે. મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા. આવા સંજોગમાં મારે શુ કરવું એ ખબર પડતી ન હતી. મારા પપ્પાએ પણ કીધું : મનદુઃખ થાય તેના કરતાં રજા લઈને આનંદ કરી આવ. મેં પપ્પાને પણ ઓફીસની પરિસ્થિતિ સમજાવી. પણ બાપ કોણે કીધો !? જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા. જા બેટા, આનંદ કર, તારી નોકરીને તકલીફ પડશે તો હું બેઠો છું ને ! તારૂ રૂટિન ડિસ્ટર્બ નહીં થાય, એ મારુ તને વચન છે. આવી હિંમત તો માઁ-બાપ સિવાય કોઈ જ આપી શકે નહીં.

લગ્નપ્રસંગો પૂરા કરી બીજે દિવસે હું ઓફિસે ગયો. સાંજે ઘરે આવી મેં મારો ટર્મિનેશન ઓર્ડર (નોકરીમાંથી હટાવવાનો પત્ર) સ્મિતાના હાથમાં મુક્યો. પપ્પા બોલ્યા, શું થયું ? મેં કહ્યું, કંઈ નહીં, પપ્પા. જે થવાનું હતું તે થયું. મને કંપનીએ ટર્મિનેટ કર્યો છે. હવે નવી નોકરી ફરીથી ગોતવાની. સ્મિતા ચિંતામાં પડી ગઈ.
કૂદી કૂદીને પાંચદિવસની રજાનું કહેતી સ્મિતાનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ ગયું. દુનિયા તો આપણી તકલીફ ન સમજે પણ જીવનસાથી જ જયારે આવું વર્તન કરે ત્યારે બહુ દુઃખ થાય. મેં તેને કીધું હતું – સ્મિતા, તું મહિના પહેલા તારા ભાઈના લગ્નની તૈયારી માટે જા પણ મને આગ્રહ ન કર. હું અગત્યના ફંક્શનમાં હાજરી આપી દઈશ. પરંતુ સ્ત્રી-હઠ કોને કહેવાય ?

મારી મમ્મી પણ ચિંતામાં પડી ગઈ. પણ તેણી બોલી, કંઈ વાંધો નહીં – ખાનગી નોકરીમાં તો એવું જ હોય. માનસિક તૈયાર જ રહેવાનું ! પપ્પા ફક્ત એટલું બોલ્યા કે બેટા, કોઈ ચિંતા નહીં કરતો. હજુ મારી નોકરી તો ચાલુ છે ને !

સ્મિતા અને મારા સસરાને મેં ચેતવ્યા હતા. એટલે એ લોકો કંઈ બોલી શકે તેમ હતા નહીં. સવાર પડે મને ઘરમાં બેઠેલો જૉઈ સ્મિતા અને મારા દૂર બેઠેલા સસરાને ધીરે ધીરે ચિંતાઓ વધવા લાગી. મેં કીધું કે સ્મિતા, નોકરીનો પ્રયત્ન તો ચાલુ જ છે. અત્યારે સાવ નવરા છીએ તો ચાલ, થોડો વખત તારા મમ્મી પપ્પાને ત્યાં રહેવા જઈએ. સ્મિતા તુરત જ બોલી : એમ કારણ વગર પિયર થોડું જવાતું હશે ? તેના કરતા આ સમયમાં નોકરી ગોતો. ઘરમાં બેઠા રહેવાથી નોકરી નહીં મળે. દિન પ્રતિદિન સ્મિતાના વાણી-વર્તન બદલાવા લાગ્યા. હું સમાજ અને પરિવારના, કાંચીડાની જેમ બદલતા કલરની નોંધ કરી રહ્યો હતો.

એક દિવસ સાંજે પપ્પાએ મોબાઈલ કરી તેમની ઓફિસે મને બોલાવી, મારા હાથમાં રૂપિયા ૫૦,૦૦૦/- નું કવર મૂકી બોલ્યા કે, મુંઝાતો નહીં બેટા. વધારે રૂપિયાની જરૂર હોય તો કહેજે. મારા ખભા ઉપર પપ્પાનો હાથ જાણે મારા ઇષ્ટદેવે હાથ મુક્યો હોય તેવું લાગ્યું. બચપણમાં તેડીને ફરતા તેમ મુસીબતના સમયે મને ફરી તેડી લીધો હોય એવો અનુભવ થયો. હું સમય/સ્થળનું ભાન ભૂલી પપ્પાને ભેટી રડી પડ્યો. આ રૂપિયાની મારે જરૂર નથી. પપ્પા, મારા ખરાબ અને સારા સમયમાં કોણ મારી સાથે છે એ જોવા માટે જ મેં આ નાટક કર્યું છે. મતલબ !?! પપ્પાએ પૂછ્યું. ચલો પપ્પા, કેન્ટીનમાં હું શાંતિથી બધી વાત કરું.

ચા પીતા પીતા મેં કીધું. પપ્પા મારો લીવ-રીપોર્ટ લઈ હું મારા બોસ પાસે ગયો ત્યારે તેમણે મને કીધું’તું કે સમીર, ખરેખર કેટલા દિવસ રજાની જરૂર છે ? મેં પણ સાચું જ કીધુ’તું : સાહેબ, ખરેખર બે દિવસની જ જરૂર છે. મારી પત્ની અને સસરાને ઓફીસની ગંભીરતા સમજાવી પણ એ બેઉ સમજવા જ તૈયાર નથી થતા. બોસે લીવ-રીપોર્ટ હાથમાં લીધો અને બોલ્યા કે સમીર, જીંદગીમાં નોકરી અથવા ધંધો ચાલુ હોય ત્યાં સુધી જ પરીવાર કે સંસાર આપણને ઈજ્જતથી જુએ છે. નોકરી જતી રહે પછી બધાં દિવસો રજા જ હોય છે. આ દરમિયાન લોકોનો ખરો વ્યવહાર અને વર્તન ઓળખાય જાય છે. સમીર, મારો વ્યક્તિગત અનુભવ તને કહું છું તે સાંભળ. હું પોતે નોકરી કરતો હતો ત્યારે મારી નોકરી અચાનક જવાથી મારા દામ્પત્ય જીવનમાં તોફાન આવ્યું. મારી પત્ની મારી લાંબી બેકારી સહન ન કરી શકી અને તેણે છુટાછેડા લીધા. પછી ન છૂટકે મેં ધંધામાં ઝંપલાવ્યું. આજે આ બિઝનેસને ૨૫ વર્ષ પુરા થશે. આપણી કંપનીનો ઈતિહાસ તું જાણે જ છે. મારો કહેવાનો મતલબ તું સમજી ગયો હોઈશ. દુનિયા ઉગતા સૂરજની પૂજા કરે છે. હું તારી વગર કપાતા પગારે ૩૦ દિવસની રજા મંજૂર કરું છું પણ એક શરત ! આ સાથે તને એક બનાવટી ટર્મિનેટ ઓર્ડર પણ આપું છું તે તારે લગ્નમાંથી આવી તારા ઘરે સૌને બતાવવાનો છે – જેની અસર તારા પરીવાર, મિત્રો અને સમાજ ઉપર શું પડે છે તેની નોંધ કરી તારે મને કહેવાનું. જીંદગીનો પાઠ તને કોઈ નહીં ભણાવે. મેં મારા બોસને બે હાથ જોડી કીધું : બોસ હોય તો આવા, તમારા જેવા હોવા જોઈએ.

પપ્પા, મારા બોસ સાચા છે. આજે મેં તમારી લાગણી પણ જોઈ લીધી મારી. પત્ની, સસરા તથા દુનિયાના, દરેકના વાણી વર્તનનો અભ્યાસ મેં મારી કાલ્પનિક બેકારીમાં કરી લીધો. પપ્પા, કાલથી મારો નવો જન્મ હશે. નોકરી પ્રત્યે મારી વફાદારી પ્રથમ હશે. ખરેખર જરૂર હોય ત્યારે રજા માટે કદી મારા બોસે સવાલ નથી કર્યો. તમારા હાર્ટના ઓપરેશેેન વખતે મારા બોસે જ કીધું હતું કે, માઁ-બાપની સેવા પહેલા, પછી ઓફીસ ! આવા સંજોગોમાં આપણી પણ ઓફીસ પ્રત્યે કોઈ જવાબદારી બને છે.

પપ્પા મારા નવા સ્વરૂપને જોઈ રહ્યા. હું પપ્પાને પગે લાગી બોલ્યો કે, પપ્પા, કાલથી ફરી નોકરી ચાલુ કરું છું, જે કંપની કે તેનો માલિક મારો ખરાબ સમય સાચવે તો હું એ કંપનીનો સમય કેમ ન સાચવું !? પપ્પા બોલ્યા : બેટા, આ તારા વિચારો તને ઉન્નતિના શિખર સુધી પહોંચાડશે. જીવનમાં જે વ્યક્તિ આંખોની ભાષા સમજતા શીખી જાય તેને માટે જીવન જીવવું સરળ બની જાય. મંદિરની મૂર્તિ સામે પણ ઉભવાની જરૂર નથી કારણ કે, ઘરમાં જ માઁ-બાપનું કરુણા અને પ્રેમનું ઝરણું સતત વહેતું રહે છે.

સાંજે હું ઘરે ગયો ત્યારે મારા સસરા સ્મિતાને લેવા આવ્યા હતા. સ્મિતા બેગ સાથે તૈયાર થઈ બેઠી હતી. મને કહે નોકરી મળે એટલે કહેજો. હું અત્યારે પપ્પા સાથે જાઉં છું. મેં કીધું FB ઉપર મોટી મોટી વાતો કરનારી તું, પવનની માત્ર ૧ લહેરથી જ ભાંગી પડી ? જીવનનું તોફાન હજુ ક્યાં તે જોયું જ છે !? સ્મિતા, વિપરીત સંજોગોમાં પણ મારો હાથ અને સાથ ન છોડાય તેના માટે હું જીવું છું. તું મુક્ત છે. તારી ઈચ્છા મુજબ જાય છે અને ઈચ્છા મુજબ પાછી આવજે ને એક વાત તારા ધ્યાન માટે કહી દઉં કે, ન તો હું બેકાર હતો કે ન તો હું મજબૂર હતો. કોણ કોની સાથે છેલ્લા શ્વાસ સુધી જોડાયેલુ છે એ જોવા માટે જ આ ફક્ત નાટક જ હતું. જીવન વાણી વિલાસ ઉપર નથી ચાલતું. મારી નોકરી ચાલુ જ છે. એ પણ જે કંપનીમાં હતો ત્યાં જ. વાંચકો, વાલીયા લૂંટારુની વાત યાદ કરો !

માતા-પિતાના શરણમાં રહેજો, માં-બાપની ઢળતી સંધ્યાએ તેઓના પગ પખાળજો, કદી દૂર ન કરજો, કટુ વચન પણ કે’જો. જો દુભાવશો તો તમારી આંતરડી પર દુઃખના ડૂંગર ખડકાય જાશે તથા ઠારશો તો તેમની આંતરડીમાંથી અમૃતધારાની સરવાણી ફૂટી નીકળશે, સ્વયંભૂ !

કોઈ સબંધને કદિ’ ધોખો ન આપજો
ન ગમે સબંધ તો પૂર્ણવિરામ આપજો
રાખ્યો જેમણે વિશ્વાસ ખુદથી ઘણો
તો એના ભરોસાને દગો ન આપજો
ચૂપ કે દૂર રહેવાથી ન આવે નિવેડો
ખુલ્લા મને વાતથી નિવારણ લાવજો
જીવન સફર ન હોય સરળ કયારેય
મનદુઃખ ભૂલાવી સદા સાથ આપજો !

અાવો, અાપણે સહયોગથી બચેલા શેષ દિવસોમાં પોતાના સંસ્કાર, સંસ્કૃતિ, સમર્થતા, સંવેદનાના સ્મરણો, સદ્દગુણો થકી વિશેષ વ્યક્તિત્વની પ્રતિભાની પારંગતતા માધ્યમે વડીલો અને કુળની બહુમૂલ્ય શાખના અવશેષને ઉજાગર કરી સમૃદ્ધ અને શીલવાન સમાજનું ઘડતર તેમજ ચણતર કરીએ !!

નિલેશ ધોળકિયા

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: