આપણે આઝાદીના ૭૫ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી. “વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા” (કવિ શ્યામલાલ) ની પંક્તિઓ ને સાર્થક કરી બતાવી. દુનિયાની સૌથી મોટી લોકશાહી હાલમાં આઝાદીના “અમૃત મહોત્સવ” ની ઉજવણીમાં વ્યસ્ત છે. આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ અંતર્ગત “નેશન ફર્સ્ટ, ઓલવેઇઝ ફર્સ્ટ” નું થીમ આપ્યું છે, જે અંતર્ગત આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓ થશે.
અંગ્રેજોની ગુલામી ના યાતનામય અઢીસો વર્ષ બાદ પણ ૭૫ વર્ષમાં તો ભારત ફરીથી સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ દેશોની ગણનામાં સ્થાન પામ્યું છે. આ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે અનેક લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. લાલા લજપતરાય સહિત કેટલાયે લોકો અંગ્રેજોના બેફામ લાઠીચાર્જ થી શહીદ થયા. તો કેટલાય લોકોએ જેલમાં રહીને અસહ્ય યાતનાઓ વેઠી. ભગતસિંહ સહિતના નવ યુવાનો હસતા હસતા ફાંસીને માચડે ચઢીને શહીદ થયા, તો વળી કઈ કેટલા લોકોએ ધડા ધડ ગોળીબાર સામી છાતીએ જીલ્યા છે. નિર્દયી અને નિર્મમ યાતનાઓ સામે લડીને અંતે આપણે સ્વતંત્રતા રૂપી મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ શક્યા છીએ.
લગભગ અઢી દાયકા સુધી દેશની અમૂલ્ય સંપત્તિ લૂંટીને, દેશના અર્થતંત્રને ડામાડોળ અવસ્થામાં પહોંચાડયા બાદ અંગ્રેજો એ દેશનું સુકાન આપણને સોંપ્યું… સોંપવું પડ્યું. પરંતુ તે વખતની સ્થિતિ સંભાળવી ખુબજ મુશ્કેલ હતી. સૌ પ્રથમ બધા જ રજવાડાઓને એકત્રિત કરીને લોકશાહી નું નિર્માણ કરવું. તથા એક રાષ્ટ્રનું નિર્માણ કરવું. એકજ બંધારણ લાગુ કરવું, તેમજ અર્થતંત્રને વેગવંતુ બનાવવા જેવા અસંખ્ય પડકારો ઉભા હતા. અને આજના દિવસે આ બધી જ સમસ્યાઓ માંથી આપણે સાંગોપાંગ પસાર થઈને આપણો દેશ અડીખમ ઉભો છે.
સંસ્કૃતિ, ભાષા, પોશાક, રીતરિવાજ તેમજ ખાનપાનમાં વિવિધતા હોવા છતાં પણ “વસુધૈવ કુટુંબકમ” ની ફિલોસોફી ધરાવતો આપણો ભારત દેશ, વિકાસ ના માર્ગે વાયુવેગે આગળ વધી રહ્યો છે. હા, અમુક ખામીઓ રહી ગઈ છે તેમજ ઘણા પ્રશ્નો પણ અડીખમ છે. તેમ છતાં દેશ અડગ રહીને પ્રગતિ સાધી રહ્યો છે.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના રૂપી મહા સંકટનો સામનો કરી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે આ વાયરસ આપણી વચ્ચે લગભગ દશ વર્ષ સુધી રહેશે. આપણો ભારત દેશ આ નવી આફત સામે લડવા પણ કટિબદ્ધ છે. આપણા વૈજ્ઞાનિકો ની જહેમતથી આપણે સ્વદેશી વેક્સિન તૈયાર કરી લીધી છે તે અનેરી સિદ્ધિ જ છે ને!
આપણા પુરાણો તથા રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો માં રહેલા ઉમદા મૂલ્યો હંમેશા આપણું માર્ગદર્શન કરતા રહે છે.
“શીખ હમ બીતે યુગો સે નયે યુગ કા કરે સ્વાગત” ટીવી શ્રેણી મહાભારતની આ પંક્તિ મને હંમેશા આકર્ષતી જ રહી છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ કે સમગ્ર વિશ્વ હંમેશા પોતાની ભૂલોમાંથી કંઇક શીખીને આગળના સમયમાં સાવધાની વર્તી શકે છે.
જય ભારત.. જય હિન્દ..
હર્ષા ઠક્કર