Pic - Google
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

એન્ટી મીટર સેન્ટિમીટર કેટલા મીટર દૂર છે .. “માણસાઈ” ?

આધુનિકતા ની આંધળી દોટ માં આપણે એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે, માણસાઈ ને ક્યાંય પાછળ પાડી દીધી છે. ઘણા લોકોના મોઢે વારંવાર સાંભળીએ છીએ કે, માનવતા મરી પરવારી છે!!! પરંતુ હકીકતમાં તો માનવતાને આપણે જાતે જ ગૂંગળાવી ગૂંગળાવીને મારી રહ્યા છીએ.

 ફેશન, કારકિર્દી, આધુનિકતાનું આંધળુ અનુકરણ, પશ્ચિમી સંસ્કૃતિનું વળગણ, વિભક્ત કુટુંબ જીવનશૈલી, દોડધામ ભર્યું જીવન જેવા તો કંઈ કેટલાય પરિબળો માનવતાને ગૂગળાવા કામે લાગેલા છે.

  આજની યુવાપેઢી તો સંબંધોને  મોબાઇલ થકી જ સાચવે છે અને નિભાવે છે. કોઈ બીમાર હોય કે કોઈ શુભ પ્રસંગ‌‌... બસ, બધું જ સોશ્યલ નેટવર્કિંગના માધ્યમથી. પછી, ક્યાંથી દેખાય..‌ માણસાઈ ???

માનવી માનવ બન, છોડ તારું ને મારું !!!
માનવતા ને સાવ ભૂલે ના, તો સારું!!!

🔷 આજકાલ તો ભગવાને બનાવેલા જ ભગવાનને બનાવવા નીકળ્યા છે ત્યારે લાગે કે ખરેખર માણસ ખોવાઈ ગઈ છે. ભગવાન સમક્ષ નતમસ્તક થનાર ભગવાનના નામે લાખો લોકોને લૂંટવાના ધંધા કરે ત્યારે થાય કે, ક્યાં ગઈ માણસાઇ?

🔷કેટ કેટલીય સરકારી યોજનાઓ હોવા છતાંય, જરૂરિયાત મંદ વર્ગ તો તેનાથી વંચિત જ હોય ત્યારે થાય કે કેટલી દૂર છે માણસાઈ?

🔷 સગો ભાઈ પોતાના જ ભાઈની મદદ કરવા તૈયાર ના હોય, પરંતુ ભંડારામાં લાખોનું દાન લખાવે ત્યારે થાય કે, ક્યાં છે માણસાઈ?

🔷 લાયકાત ધરાવતો ઉમેદવાર પોતાના હક થી વંચિત રહી જાય, કે બહાના કાઢી બાકાત કરી દેવામાં આવે, અને લાગવગ ધરાવતો ઉમેદવાર ફાવી જાય. ત્યારે થાય કે ક્યાં છે માણસાઈ?

🔷 પોતાના પરિવારજનોના દવાખાનાના બિલ ચૂકવવાથી કતરાતો ફરતો વ્યક્તિ, પોતાના ખોટા મોજશોખ પાછળ લાખોનો ધુમાડો કરતો દેખાય ત્યારે થાય… ક્યાં ખોવાઈ માણસાઈ?

🔷 આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી નણંદબા ને મદદ કરવાને બદલે,ભોજાઈ પોતાના તનની સુંદરતાને વધારવા બ્યુટી પાર્લર ના પગથિયાં ઘસી કાઢતી હોય ત્યારે થાય કે આ કેવી સુંદરતા? શું મનની સુંદરતા કરતાં તનની સુંદરતા વધુ મહત્વ ધરાવે છે? આવી ખોટી સુંદરતાના દેખાડાના દંભમાં માણસાઈ ક્યાં અટવાઈ???

🔷 વિશાળ ફ્લેટ કે બિલ્ડિંગમાં સાવ અડોઅડ રહેતા અથવા એક જ કોમન દીવાલ વાળા બે પાડોશી એકબીજાને ઓળખતા સુદ્ધાં ન હોય. જ્યાં માંદગીના સમયે આવા પાડોશી કરતા એમ્બ્યુલન્સ વહેલી આવી જતી હોય, એવા સંજોગોમાં થાય કે ખરેખર, માણસાઈ કેટલી બધી દૂર છે ….

🔷 સોસાયટી કે શેરીમાં રહેતા મિત્ર કે સ્વજનની આર્થિક તંગી ની જાણ છાપા કે સમાચાર પત્રથી થાય ત્યારે થાય કે, શું ખરેખર માનવતા મરી પરવારી છે???

🔷માર્ગ ઉપર કોઈ નો અકસ્માત થયેલો નજરે પડે,તો લોકો એ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સમયસર દવાખાને પહોંચાડવાની જગ્યાએ ટોળે વળીને ઘાયલ વ્યક્તિની સિસકારી કે કણસવાના અવાજને બેધ્યાન કરી એકબીજાને આ અકસ્માતની સૌથી પહેલાં જાણ કરવાની જાણે મજા લેતા હોય‌ એમ તેનું વિડીયો શુટીંગ કરે ને ફોટા પાડીને બીજાને ફોરવર્ડ કરવામાં મશગૂલ બને. કોઈ પોતાની કાર કે ગાડીમાં ઘાયલોને લઈ જવા તૈયાર ના હોય, કારણ કે કોઈની પાસે પોલીસની પુછતાછ માટે સમય નથી હોતો. ત્યાં ઊભા રહીને તમાશો જુએ અને જાણે માણસાઈના ગાલ ઉપર તમાચો જડે જાય ત્યારે થાય કે કેટલી દૂર છે માણસાઈ?

🔷 પહેલાં તો કુટુંબમાં કોઈનું દુઃખદ અવસાન થયું હોય તો સવા મહિના સુધી ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું રહેતું.એ પરિવારના સભ્યોના દુઃખમાં સહભાગી થવા લોકો એમની પાસે જતા હતા.જ્યારે આજે તો કોરોના મહામારીની મહેરબાનીથી ટેલિફોનિક બેસણા યોજાય છે. જેમાં ફક્ત પરિવારના સભ્યો જ દુઃખી હોય, બીજા પાસે તો દુઃખ વ્યક્ત કરવા માટે ‘ના’ આવવાના સચોટ, સ્પષ્ટ અને યોગ્ય બહાના જ હોય. ત્યારે માણસાઈને ક્યાં શોધવી???

🔷 ભગવાન બધે જ પહોંચી શકતો નથી એટલે એને મા બનાવી. પરંતુ માફ કરજો મિત્રો, એ મા પણ એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે કે, કમાઉ અને બેકાર સંતાન માંથી પોતાની પસંદગી કમાઉ દીકરા પર જ ઉતારે છે. ત્યારે થાય કે શું ખરેખર માનવતા મરી પરવારી છે???

 આ કડવી પરંતુ સત્ય હકીકત છે. કળિયુગ જાણે પરાકાષ્ટાએ છે. સંબંધમાં સ્વાર્થનો પગપેસારો થયો છે. અને માનવતાને જાણે ભરડામાં લીધી છે. માણસાઈની ખરડાયેલી છબી જગત સામે છે, છતાં લોકો એને સાફ કરવાના બદલે નજર અંદાજ કરી આગળ વધી રહ્યા છે.

 ચશ્માં પર જામેલી ધૂળને સહજતાથી સાફ કરી દેનાર માણસ,સંબંધો પર ઉડેલી સેપટ ખંખેરવા માટે કામવાળી નો આશરો શોધવા જાય, ત્યારે લાગે કે ખરેખર માણસાઈ કેટલી બધી પાંગળી બની ગઈ છે.

 🔷 પારકાંઓ માટે હજારો અચ્છા વાના કરનાર માણસ પોતીકાઓ સામે વામણો પુરવાર થાય ,ત્યારે થાય માણસાઈ હજુ કેટલી દૂર છે?

  ક્યાં ક્યાં શોધવી આ માણસાઈને ? મંદિર,મસ્જિદ, ગુરુદ્વારા,દેવળ..‌‌આમાં ગમે એટલા આંટા મારીશું તેમ છતાં ક્યાંય નહી જડે માણસાઈ. કેમકે હે માનવ,એ તારા હૃદયનાં જ કોઈક ખૂણામાં ધરબાઈને બેઠી છે એને ત્યાં જ શોધવી પડશે.

 સ્વયંને જરૂર પડે,તો યાદ કરે માણસાઈ !
 પર ને ખલેલ પડે, તું શીદ કરે નફ્ફટાઈ ?

-જસ્મીન પટેલ “આરઝુ”

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

અકબંધ રહસ્ય

“સાહેબ લાશને જોઇને એવું લાગે છે કે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમના પારખાં....

કરણ આજે ખૂબ જ ખુશ હતો કારણકે તે આજે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પસ્તાવાના આંસુ....

” ઓ ગોરી યું ચહેરે પે પરદા લગા કે કહા…
Read more

Leave a Reply

%d bloggers like this: