કવિતા કોર્નરગઝલ

બળ મળે!

ક્યાંકથી એકાદ એવી કળ મળે,
વેદના સંતાડવાનું બળ મળે!

કાં તરું એવી સપાટી દે ખુદા;
કાં એવો ડૂબાડ જેમાં તળ મળે!

થઈ શકે ઉદ્ધાર મારો શક્ય છે;
જો હું ખોવાયો હતો એ સ્થળ મળે!

આંખ મળવાથી જ એ રાજી રહ્યા;
હું દુવા કરતો રહ્યો, અંજળ મળે!

સો તરસ એમાં છીપાવી લઈશ હું;
આંખ ભીંજે એટલું જો જળ મળે!

શું હયાતીનું કરું હું પારખું?
આયનામાં એકધારું છળ મળે!

શ્વાસમાં તારા સ્મરણની હાજરી;
જેમકે ફૂલો ઉપર ઝાકળ મળે!

કોક દી મનમાં મને પણ થાય છે;
હું હસું બે-ચાર એવી પળ મળે!

હસ્તરેખાથી ‘અગન’ શું ફાયદો?
ભાગ્યમાં જો એકલી અટકળ મળે!

-‘અગન’ રાજયગુરુ

Related posts
અછંદાસકવિતા કોર્નર

ખેલ…!!!

ભર બજારે મેળા લાગતાં જોયા અહીં તો…
Read more
અછંદાસકવિતા કોર્નર

કોણ ઉગારે ?

મુંછ મરડતા મહીપતિ કે,ભુપ ભલે હોય…
Read more
કવિતા કોર્નરગઝલ

"આગમન છે"

અશ્રુ ધરબાવી હૃદયમાં રાહ જોવે નયન…
Read more

Leave a Reply

%d bloggers like this: