Pic - Google

સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને આજુબાજુ નજર કરી. છેવાડાના વિસ્તારનું સ્ટેશન હોવાથી ત્યાં ખાસ ચહેલપહેલ નહોતી.સામાન જાતે જ ઊંચકવો પડશે એમ સમજી જઈ તેણે ખીચોખીચ ભરેલા બે થેલા જમીન પર મૂકયા.એક માણસે દોડતા આવીને પૂછ્યું..”મેમાન લાગો છો? રીક્ષામાં થેલા હું ચડાવી દઉં છું, હારે તમેય ચડી જાવ ક્યો ન્યાં લગી મેકી જાવી.વીરેન સરકારી ખાતામાં આર્કિટેક હતો.જે સાઇટ પર તેની જરૂર પડે ત્યાં તેની બદલી થતી હોવાથી આવી મુસાફરી તેની આદત બની ગઈ હતી.તે રિક્ષામાં બેઠો.રીક્ષા વાળાએ પૂછ્યું…”ઉતરવું કોને ઘેર ઈ તો ક્યો એટલે હમણાં ફટ દઈને પોગડી દઉં.”વિરેન એ કહ્યું, “શશીઆભા હવેલી.”રિક્ષા વાળાએ ફરીને તેની સામે જોયું,”હમમ…”કહીને રિક્ષા ભગાવી મૂકી.સામેથી કોઈ માણસે હાથ ઊંચો કર્યો અને બે ઘડી રીક્ષા ઊભી. સામેના માણસે પૂછ્યું,”ઈ બાજુ?” રીક્ષા ચાલકે ટુંકમાં પતાવતા કહ્યું,”આ સાહેબને હવેલીએ ઉતારવાના છે.””સારું ત્યારે ઝટ પાછા ફરિયે.”કહીને એ માણસ વિરેનને જોઈને આગળ વધ્યો. રેલ્વે સ્ટેશન પર રીક્ષા ચાલકના ચહેરા પર જે ભાવ હતો એ જ ભાવ આ માણસના ચહેરા પર હતો તે વિરેન જોઈ શક્યો.

    રીક્ષામાંથી ઉતરી વિરેને પૈસા ચૂકવ્યા તેને થયું કે આ માણસ સા સામાન લેવામાં મદદ કરશે પણ એ કંઈ બોલે એ પહેલા તો તેણે રિક્ષા ભગાવી મૂકી.હવેલી પાસેથી દરિયો જોઈ શકાતો હતો.દરિયાના મોજા એમના આંગણે પધારેલા મહેમાનનું સ્વાગત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.વિરેન સાથે લાવેલી ચાવીઓ દ્વારા હવેલીનો મુખ્ય દ્વારા ખોલી અંદર દાખલ થયો. સામાન અંદર મૂકતા જ તેનું ઘ્યાન એક મોટી ફ્રેમ કરેલી તસ્વીર પર ગયું.લાંબા કાળા વાળ,સુડોળ કાયા અને હાથમાં કલાત્મક ફાનસ લઈને ઉભેલી યુવતીનું ચિત્ર તેનો ચહેરો દેખાતો ન હોવા છતાં અત્યંત સુંદર લાગી રહ્યું હતું.

પાણીમાં યુવતીનું પ્રતિબિંબ એવી સુંદર રીતે ઝીલાયું હતું કે જોનારની આંખ મટકું મારે તો એ દેવી અંતર્ધ્યાન થઈ જવાના હોય.વિરેન વિચારી રહ્યો હતો કે તેની બદલી થઇ ત્યારે જ તેને કલાના આવા સુંદર સર્જન ને માણવાનો મોકો મળ્યો છે અને હજી તો આ હવેલીમાં આવા કેટલાય સર્જન અકબંધ હશે તે બધા તેને માણવા મળશે.

 ગામના ઘણા લોકો સાથે તેની ઓળખાણ પણ થઈ ગઈ હતી.તે ઘણી વખત હવેલી વિશે અને તે ચિત્ર વિશે ત્યાંના લોકોને સવાલ કરતો પણ તેને ખાસ માહિતી મળતી નહીં.આજે સવારથી વિરેન બીચ પર કામ કરી રહ્યો હતો.

માછીમારો પોતાની હોડીઓ લાંગરીને ઘરે જઈ રહ્યા હતા.
એવામાં તેની નજર સામેથી આવતા એક વૃદ્ધ પર પડી.તેના માટે એ ચહેરો એકદમ નવો હતો.તેઓ વિરેન થી થોડે દૂર આવીને અટક્યા,ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવી અને દરિયા સામે મોં રાખીને બેસતા બોલ્યા,”નવા લાગો છો.”વિરેને આવી સ્પષ્ટ ભાષા બોલતા વ્યક્તિને આ જગ્યાએ પહેલી વાર જોયા હતા.તેના દેખાવ પરથી તેઓ સાવ સામાન્ય લાગી રહ્યા હતા. વિરને થોડા નજીક જઈને જવાબ આપ્યો,”હા.” ” હમમ…અત્યારે અહીંયા કોઈ નવો માણસ હોય એ જ હોય.”કહેતા તેઓ દરિયાને જોઈ રહ્યા હતા. વિરેનને લાગ્યું કે આ વ્યક્તિ પાસેથી નકકી માહિતી મળશે તે વૃદ્ધની બાજુમાં જ બેસી ગયો અને પૂછ્યું,”એવું કેમ?”વૃદ્ધ બોલ્યા,”ભોળી ગભરુ પ્રજા ડરે છે.ઘણી મોટી વાત છે.”વૃદ્ધ વિરેનની ધીરજની કસોટી લેતા હોય તેમ જરૂર પૂરતા જ જવાબ આપતા હતા.”મારે જાણવું છે.”વિરને મક્કમતાથી જવાબ આપ્યો. વૃદ્ધે વાત શરૂ કરી…

  "રાજા સૂરજ પ્રતાપ નામે એક રાજા હતા.તેની એકની એક દીકરી હતી "શશીઆભા".

રાજકુમારીનું રૂપ એટલે જાણે સ્વર્ગથી ઉતરેલીઅપ્સરા.તેના રૂપના કારણે રાજાએ તેના મુખને જોવા પર પાબંદી લગાવી હતી.અચાનક એક દિવસ રાજકુમારીએ જીદ કરી કે મારું ચિત્ર બનાવડાવો.હ્રદયના કટકાની જીદ આગળ રાજા હવે કરે પણ શું? રાજાએ દેશ વિદેશના ચિત્રકારો બોલાવ્યા પણ પછી મુંઝવણ થઈ કે આ બધામાંથી શ્રેષ્ઠ ચિત્ર કોણ બનાવશે એ ખાતરી કેમ કરવી? ત્યારે શશીઆભાએ એક યુક્તિ શોધી કે મા અંબાની સુંદરતમ છબી જે બનાવે એ ચિત્રકારને કામ સોંપીએ.રાજાએ સ્પર્ધા યોજી અને તેમાં જીતે તે ચિત્રકારને મોં માંગ્યું ઈનામ આપવાની ઘોષણા કરી.”વિરેન બાળકની જેમ રસપૂર્વક કથા સાંભળી રહ્યો હતો કથા આગળ ચાલી…”રાજાને આખરે એ ચિત્રકાર મળ્યો અને તેણે તેને કહ્યું કે માંગ ઈનામ ત્યારે ચિત્રકાર બોલ્યો,”આપના માટે બનાવેલું મારું ચિત્ર મારી કલાનું સર્વોતમ અને અંતિમ ચિત્ર બને એ માટે મને સમયનું બંધન ન આપતા નિજાનંદમાં કામ કરવા મળે એની આજ્ઞા આપો.”તે કલાકાર તેની કલાનું અંતિમ આવાહન કરે છે તો ભલે તેની મરજીથી કરે એમ વિચારીને રાજાએ તેને મંજૂરી આપી પણ ચોખવટ કરી કે,”રાજકુમારીનું ચિત્ર સૂર્યાસ્ત પછી દીવાના અજવાળે જ કરવાનું છે અને એ પણ તેનું મુખ ન દેખાય એવી રીતે જ, અને જ્યાં સુધી તે અહીંયા રહે ત્યાં સુધી શશીઆભાને તે જોઈ નહિ શકે.” ચિત્રકારને રહેવાની સગવડ કરી આપી.શશીઆભા નાનપણથી દરિયો જોઈને મોટી થઈ હતી પણ ક્યારેય તેને ત્યાં જવા દેવામાં નહોતી આવી માટે શશીઆભાની ઈચ્છા મુજબ પોતે પાણીમાં ઊભી હોય અને તેનું પ્રતિબિંબ પડતું હોય એ રીતે ચિત્ર બનાવવાનું નક્કી થયું.રોજ સૂર્યાસ્ત થતા જ ચિત્ર બનવાનું કામ થવા લાગ્યું. ધીરેધીરે ઘૂંટણ સુધીનું ચિત્ર બની ગયું અને હવે પ્રતિબિંબ પણ આબેહૂબ બને એ માટે સ્નાન ગૃહના કુંડમાં દીવાલ તરફ મોં કરીને રાજકુમારી હાથમાં કલાત્મક દીવો લઈને ઉભી રહી ગઈ.ચિત્રકાર પોતાની કલા સાધનામાં મશગુલ હતો એટલામાં દીવાનો પ્રકાશ સહેજ ઝાંખો થયો.રાજકુમારીએ જોયું તો તેલનું પાત્ર તો ત્યાં હતું પણ દાસી ન હતી.રાજકુમારીએ ચિત્રકારને કહ્યું, “એ પાત્ર લઈ આવો આપણે જ તેલ પૂરી દઈએ”.કુંડની વચ્ચે ઉભેલી શશીઆભાએ દીવો આપવા લંબાવ્યો.તેના હાથ અને ચિત્રકારની આંગળીઓ સ્પર્શ્યા.
સ્નાન ગૃહમાં મહેકતી ફૂલોની સુગંધમાં બન્ને એક થવા જઈ રહ્યાં હતાં ત્યાંજ ચીબરીના અવાજે બંનેનું ધ્યાન ભંગ કર્યું.દીવામાં તેલ પુરાઈ ગયું હોવાથી તેની જ્યોત વધારે પ્રજ્વલિત થઈ અને ચિત્રકારની નજર શશીઆભાના ચહેરા પર પડી.
શશીઆભાનાચહેરા પર ભયાનક ઊઝરડો હતો! શશીઆભાની આંખમાં આંસુ અને ચિત્રકારની આંખમાં સવાલ હતો આ શું?શશીઆભા સમજી ગઈ હોય એમ બોલી,”મારા રૂપના લીધે મારા પિતાજીએ જ મને…”.અને ચિત્રકારને વળગી પડી.તે પણ સમજી ગયો કે આ ઉંમરમાં તે શું ઝંખતી હતી અને દીવો બુઝાવી દીધો.સવારે જ્યારે ચિત્રકારની આંખ ખુલી ત્યારે રાજા અને તેના સિપહીઓથી તે ઘેરાયેલો હતો.એ પછી તેને રાજકુમારીના રૂમમાં લઈ જવામાં આવ્યો અને રાજકુમારી સાથે જ તેને ઝરૂખામાંથી નીચે આ દરિયામાં ફેંકી દેવામાં આવ્યો.”વિરેનએ પૂછ્યું,” તો પછી એ ચિત્ર કોઈ બીજા કલાકારે પૂરું કર્યું હશે?” વૃદ્ધ થોડા હસીને બોલ્યા,”એ પૂરું છે જ નહિ,બસ…તને જ દેખાય છે.” વિરને કહ્યું હું આ બધી વાતોમાં નથી માનતો અને તમે જે કહ્યું એ પણ મને કોઈ ઉપજાવેલી કથા જ લાગે છે આવું સાંભળીને ગામના લોકો ગભરાય એ સ્વાભાવિક છે. “સિગારેટ છે?”વૃધ્ધે પૂછ્યું.”કેવો છે આ માણસ!”વિચારતા વિરને સિગારેટ તેના હાથમાં મૂકી.
“લાઇટર”વૃધ્ધે સતાવહી અવાજે કહ્યું. વિરેન તેને લાઇટર આપતો હતો ત્યાં તેમણે ઈશારો કરીને તેની સિગારેટ સળગાવી આપવા કહ્યું. લાઇટરના પ્રકાશમાં વૃદ્ધનો ચહેરો જોતા જ વિરેનના હોશ ઉડી ગયા.એ ચહેરા પર એક ઊઝરડો ઉપસી આવ્યો હતો!.તેમાંથી તીવ્ર ગંધ આવી રહી હતી.વિરેન ઊભો થાય એ પહેલા જ તેના પગ ત્યાં ખોડાઈ ગયા.તે ચહેરો વિરેનની એકદમ નજીક આવી ગયો અને ભયાનક અવાજે બોલ્યો…”મારી શશીઆભાને જે જોઈએ તે હું આપીશ.હું તેને ખુશ રાખીશ… તું આવ્યો છે તો હવે મારી શશિઆભા તારાથી તૃપ્ત થશે.”અને વિરેન જોરદાર થપાટ સાથે ભેખડ સાથે ભટકાઈને નીચે પડ્યો.તે કંઈ સમજે તે પહેલા જ તેના ચહેરા પર પણ ઉઝરડો ઉપસી આવ્યો.દર્દથી કણસતા વિરેનને અર્ધ ખુલ્લી આંખે દરિયામાંથી કોઈ યુવતી ફાનસ લઈને પોતાની તરફ આવતી દેખાઈ. બીજા દિવસે વિરેનની અર્ધનગ્ન લાશ હવેલી પાસેથી મળી આવી.

  • ભૂમિ પંડ્યા

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

ચેપ

જૂની ખખડધજ ઓરડીમાં એક ખૂણામાં ગંગા…
Read more
ગુજરાતી સાહિત્યધર્મ અને વિજ્ઞાન

રામાયણ એક્સપ્રેસ

IRCTC ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વામી વિવેકાનંદ (જન્મ જયંતી 12 જાન્યુઆરી)

“મારા અમેરિકન ભાઈઓ અને…
Read more

Leave a Reply

%d bloggers like this: