જૂની ખખડધજ ઓરડીમાં એક ખૂણામાં ગંગા ડોશી ન જાણે કેટલાય વર્ષોથી મૃત્યુની રાહ જોતા કમાડ વગરની બારી પાસે બેઠા હતા.
ગંગા ડોશી હાથમાં ત્રીસેક વર્ષથી એની આંગળીઓ સાથે ચોંટી ગયેલી તુલસીની માળાને અનાયાસે ફેરવતા હતા. કાયમ થોડી ભીની રહેતી આંખોને ખંડિત મૂર્તિ પર એકીટશે માંડીને ડૂમા અને ઉધરસવાળા ધીમા અવાજ સાથે એના ઠાકોરજીને કહી રહ્યા હતા.
“કેય સે કે બહુ મોટો રોગસાળો ફાટી નીકળ્યો સે. માણહથી માણહને સેપ લાગી જાય સે. સાર સાર હાથ આઘા માણહને ઝપટમાં લઈ લે સે…
આવા કાળ જેવા વખતમાં તે હુ જોઈને આ ડોહીને ઝીવતી રાખી સે?
પણ તું ય એમાં હુ કરે નહિ? સેપ લાગે એટલું ય કોઈ પાહે આવે જ સે ક્યાં?”
-હાર્દિક મકવાણા “હાર્દ”