૧) “ઊંટ કહે : આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે.
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા;
ભેંસના તો શિર વાંકા શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ;
અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.”
૨) “હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો,
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માઁ તું.”
૩) “કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,
વણ તૂટેલો તાંતણે ઉપર ચડવા જાય.”
૪) “પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં,
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બુરી વેચે વિવેકે.”
૫) “છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધો મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.”
“લોકહિત ચિંતક” તરીકે ઓળખાતા અને અનેક પ્રકારની પ્રચલિત રચનાઓ કરનાર કવિશ્રી દલપતરામનો જન્મ ૨૧, જાન્યુઆરી ૧૮૨૦ ના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાએ તમને દેવનાગરી લિપિના મૂળાક્ષરો શીખવ્યા હતા અને ત્યારથી જ તેમને સામવેદનો અભ્યાસ કરવા લાગ્યા. નવ વર્ષની વયે દલપતરામે વઢવાણની માવજી પંડ્યાની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. તેઓ કર્મકાંડ સાથે જોડાયેલા હોવાથી ‘ડાહ્યા વેદિયા’ તરીકે ઓળખાતા હતા.
બાળપણથી જ દલપતરામને પદ્ય રચનાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. જેમાં તેઓ પ્રાસાનુપ્રાસ અને દોહરા છંદની કવિતાઓ લખતા હતા જે આજે પણ ગુજરાત રાજ્યની શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે સ્વામી દેવાનંદ પાસેથી અલંકાર અને છંદની કેળવણી લીધેલી અને ત્યારબાદ તેમને સહજાનંદ સ્વામીના દર્શન થયા અને તેમાં પ્રીતિ થતાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. “ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી” તરીકે ઓળખાતા એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસને ગુજરાતી ભાષાની કેળવણી આપવા દલપતરામ અમદાવાદ આવ્યા. ગુજરાતી ભાષા શીખતાં શીખવતા તેઓ બંને મિત્રો બની ગયા.
ફાર્બસે દલપતરામની મદદથી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી જેમાં દલપતરામ મંત્રીપદે રહ્યા હતા અને ફાર્બસ દ્વારા તેમને “કવીશ્વર” નું બિરૂદ આપવામાં આવ્યું હતું, પરંતુ અનાયાસે તેમને આંખની તકલીફ થતાં તેઓએ તેમાંથી નિવૃત્તિ લીધી હતી. તેઓ નાનાલાલ જેવા કુશળ કવિના પિતા હતા.
તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક રચનાઓ કરી હતી. ૧૮૪૫ માં તેમણે પોતાની પ્રથમ કવિતા “બાપાની પિંપર” લખી હતી. દલપતરામે પોતાની રચનાઓને પદ્ય અને ગદ્ય એમ બંને શૈલીમાં લખી હતી. તેમની નોંધપાત્ર રચનાઓમાં ‘દલપત પિંગળ’, ‘મિથ્યાભિમાન’, ‘વેન ચરિત્ર’, ‘હુન્નરખાનની ચઢાઈ’, ‘માંના ગુણ’, ‘દલપત કાવ્યો ૧-૨’, ‘ભૂત નિબંધ’, ‘જ્ઞાતિ નિબંધ’, ‘બાળવિવાહ’, ‘લક્ષ્મી નાટક’, ‘ફાર્બસ વિરહ’, ‘દૈવજ્ઞ દર્પણ’, ‘દલપત પિંગળ’, ‘કરુણ પ્રશસ્તિ’, ‘તાર્કિક બોધ’, ‘કાવ્ય દોહન’, ‘શામળ સતસઈ’, ‘કથન સપ્તશતી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે “હોપ વાચનમાળાની” કામગીરીમાં પણ ઘણી મદદ કરી હતી.
દલપતરામે ૧૮૭૦ માં મિથ્યાભિમાન લખ્યું હતું. જેનું ઉપશિર્ષક ‘ભૂંગળ વિનાની ભવાઈ’ હતું જે હાસ્ય નાટક છે. જેમાં જીવરામ ભટ્ટ(જે રતાંધળાથી પીડિત હતા), રઘુનાથ(જીવરામ ભટ્ટના સસરા), સૂત્રધાર, રંગલો જેવા મુખ્ય પાત્રોનો સમાવેશ થાય છે. આ નાટકમાં જીવરામ ભટ્ટ જ્યારે તેમના સસરાના ઘરે જાય છે ત્યારે જીવરામ ભટ્ટ રતાંધળા હોવાના કારણે તેમને જે મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જેવી રીતે પોતાના રતાંધળાપણાને છુપાવવાનો વ્યર્થ અને નિરર્થક પ્રયત્ન કરે છે તેનું હાસ્યત્મક વર્ણન આ નાટકમાં કરવામાં આવે છે.
દલપતરામે પોતાના જીવનકાળ દરમિયાન સમાજ માટે પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ, બાળલગ્ન વિરુધ્ધ અનેક લેખો લખ્યા હતા. તેમણે પોતાના ‘વેનચરિત્ર’ પુસ્તકમાં વિધવા પુનઃ લગ્નનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. સમાજ સુધારા માટે અગ્રણી ભાગ ભજવનાર દલપતરામે ૨૫,માર્ચ ૧૮૯૮ ના રોજ અમદાવાદ ખાતેથી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
સંકલન :- તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”