નમસ્કાર મિત્રો,
આપણે આજે માનવજીવનમાં અને જાતકની કુંડળીમાં મંગળ ગ્રહનું શું મહત્વ છે અને તેની શું અસરો હોય છે તેના વિષે ચર્ચા કરીશું. મંગળ એટલે આપણું લોહી, ભાઈ, પેટ અને આપણી હિંમત. લાલ કિતાબમાં મંગળને “શસ્ત્રધારી સેનાપતિ”ની ઉપમા આપવામાં આવી છે. આપણે ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે મેળાપક મેળવતી વખતે મંગળ અતિશય ભાર મૂકી દઈએ છીએ. જો કુંડળીમાં મંગળ કોઇ અશુભ સ્થાનમાં હોય કે કોઈ અશુભ ગ્રહ સાથે હોય અથવા કોઇ અશુભ ગ્રહની દ્રષ્ટિથી પીડિત થતો હોય અથવા તો કુંડળીના પહેલા, ચોથા, સાતમા, આઠમા કે બારમા સ્થાનમાં હોય તો આપણે એને “માંગલિક” કે “મંગળદોષ”નું નામ આપીને એ જ મંગળને ખરાબ બતાવીએ છીએ, જેનું નામ જ મંગળ છે એટલે કે જેનું કામ જ બધું શુભ કરવાનું છે એને જ આપણે રદ સમજી લઈએ છીએ અને આ જ એક કારણ છે જેના લીધે ઘણા બધા લગ્ન પ્રસંગો તૂટતા હોય છે. મને તો એ જ નથી સમજાતું કે જેનું નામ જ મંગળ છે એ કોઈનું અમંગળ કરી જ જેવી રીતે શકે ??? આજે આપણે આ ભ્રાંતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું. આપણે આ વર્ષો જૂના મંગળના ભયમાંથી બહાર નીકળવાની જરૂર છે. એ વાત શત પ્રતિશત સત્ય છે કે અશુભ મંગળના પરિણામો ભયાનક હોય છે પરંતુ જો સમયસર મંગળના ઉપાયો કરવામાં આવે તો આ જ મંગળ તમારું જીવન મીઠું બનાવી દે છે, તો ચાલો, સમજીએ આ મંગળને…

માનવજીવનમાં સાહસ, હિંમત, પરાક્રમ, ક્રોધ, ઈર્ષ્યા, ભાઈબંધુ, મિત્રો, નાભિ, પેટ અને તેની અંદરના ભાગો – આ તમામ બાબતો ઉપર મંગળનું આધિપત્ય છે. ખાવું-પીવું ભાઈબંધુઓની સેવા, ભાઈઓ સાથેના સંબંધો, લડાઈ, યુદ્ધ, કકળાટ અને ઝઘડા, શારીરિક પીડા, સ્ત્રીઓને માસિક ધર્મ અને તેને લગતી બાબતો અને સમસ્યાઓ – આ બધું જ મંગળના આધિપત્યમાં આવે છે. માનવજીવનમાં 28 થી 33 વર્ષની ઉંમર એ મંગળનો સમય ગણવામાં આવે છે.

કુંડળીમાં મંગળ ગમે એટલો ખરાબ હોય પણ જો માણસ પોતાની વિચારસરણી હકારાત્મક રાખે, દાન ધર્મ કરે, ભંડારા યોજે અથવા તેમાં શક્ય તેટલું યોગદાન પણ આપે તો પણ જાતકનો મંગળ આપોઆપ શુભ ફળ આપનારો થઈ જશે પછી ભલે ને તે ગમે તે અશુભ સ્થાનમાં કેમ ન હોય. એ જ રીતે કોઈનાથી ઈર્ષ્યા કરવામાં આવે અથવા તો કોઈ બીજી વ્યક્તિની પ્રગતિથી જલન પામીને એ વ્યક્તિને બરબાદ કરવામાં આવે અથવા તો તેને બરબાદ કરવા માટે તંત્ર-મંત્ર જાદુટોણાંનો પ્રયોગ કરવામાં આવે તો કુંડળીનો શુભ મંગળ પણ બરબાદ થઈ જાય છે. અશુભ કે ઉગ્ર મંગળને શાંત કે શુભ કરવો એ કદી પણ અશક્ય નથી માટે મંગળ જેવા ગ્રહ થી ક્યારે પણ ડર રાખવો નહીં.

લાલ કિતાબમાં મંગળની બે અવસ્થા બતાવવામાં આવી છે – મંગળ બદ અને મંગળ નેક. જો જાતકની કુંડળીમાં સૂર્ય અને બુધ ની યુતિ હોય તો જાતકનો મંગળ નેક અવસ્થામાં હોય છે અને જો સૂર્ય અને શનિની યુતિ હશે તો જાતકનો મંગળ બદ અવસ્થામાં હોય છે.

નેક મંગળ ભાઈબંધુઓનું સુખ, પરિવારના સભ્યોનું સુખ, સંતાનનું સુખ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે છે. કુંડળીમાં એકલો બેઠો નેક મંગળ સિંહ સમાન હોય છે. કુંડળીમાં જે ગ્રહો ઉત્તમ અવસ્થામાં હોય તેમને પોતાની મદદ પહોંચાડીને મંગળ પોતાના શુભ પ્રભાવની સાબિતી આપે છે. ઉદાહરણ તરીકે જો જાતકની કુંડળીમાં ચંદ્ર ઉચ્ચનો હશે તો મંગળ તેની માતાના સુખમાં અને ધન વૃદ્ધિ માં વધારો કરીને પોતાનો શુભ પ્રભાવ સાબિત કરશે.

મંગળ બદ કુંડળીમાંના મંદા ગ્રહના અશુભ પ્રભાવમાં વધારો કરીને પોતાના અશુભ પ્રભાવની સાબિતી આપશે. ખાસ કરીને આ પ્રભાવ 28 થી 33 વર્ષની ઉંમર દરમિયાન પોતાની ચરમ સીમાએ રહેશે. ઉદાહરણ તરીકે કોઈ જાતકની કુંડળીમાં શનિ નીચ સ્થાનમાં કે મંદો છે અને એ જાતક ૪૮ વર્ષ પહેલા પોતાનું મકાન બનાવે છે તો એ જાતકની આર્થિક પરિસ્થિતિ તાત્કાલિક ધોરણે ખરાબ થશે અને ગેસ કબજીયાત, આંતરડા તથા શનિને લગતા પેટની અંદરના અવયવોને તકલીફ આપીને પોતાનો ક્રૂર સ્વભાવ જાહેર કરશે.

સામાન્ય રીતે મંગળ બદ “લોહીના બદલે લોહી”ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જો આ બદ મંગળને સૂર્ય, ચંદ્ર કે ગુરુની મદદ મળે તો તે અશુભ પ્રભાવ નહીં આપે. એ સિવાય કુંડળીમાં જો કોઈ બે પાપી ગ્રહો જેમ કે શનિ રાહુ કે શનિ કેતુ અથવા કોઇ પણ બે શત્રુ ગ્રહો જેમકે બુધ કેતુ કે સૂર્ય શુક્ર, મંગળની સાથે યુતિમાં (એટલે કે ત્રિગ્રહી યુતિ હોય તો) હશે તો આ મંગળ બદ પોતાનો અશુભ પ્રભાવ નહીં આપે. જો મંગળ બદને ધ્યાનમાં રાખવામાં ન આવે તો જ્યારે તે પોતાની ચરમસીમાએ હોય ત્યારે તો જાતકને વિચારવાનો પણ સમય નથી આપતો અને જાતક બરબાદ થઈ જાય છે. ઉપરથી જો આ કુંડળીમાં બુધ અશુભ હોય મંગળ વધુ ખરાબ ફળ આપે છે. આ માટે જ્યારે ખબર પડે કે કુંડળીમાં મંગળ બદ અવસ્થામાં છે તો તરત જ મંગળ ના ઉપાયો શરૂ કરવા જેથી મંગળના અશુભ ફળથી બચી શકાય અને શુભતા પ્રાપ્ત કરી શકાય. જો મંગળ સારા સ્થાનમાં હોય તો પણ જાતકે મંગળના ઉપાયો કરવા જોઈએ જેથી તેની શુભતામાં સતત વધારો થતો રહે.

આદિત શાહ
83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: