Source : wikipedia
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વામી વિવેકાનંદ (જન્મ જયંતી 12 જાન્યુઆરી)

“મારા અમેરિકન ભાઈઓ અને બહેનો”..
હંમેશા ‘સજ્જનો અને સન્નારીઓ’ જેવા ઔપચારિક સંબોધન સાંભળવા માટે ટેવાયેલા એ લોકો ઉપરોક્ત પોતીકું સંબોધન સાંભળીને ભાવવિભોર થઈ ગયા. અને તાળીઓના ગડગડાટથી સ્વામી વિવેકાનંદને વધાવી લીધા. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં ભરાયેલી સર્વ ધર્મ વિશ્વ પરિષદમાં તેમણે ભાગ લીધો ત્યારે તેમની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી. પોતાના પ્રવચનોમાં અને ચર્ચાઓમાં નીડર અને સ્પષ્ટવક્તા એવા સ્વામી વિવેકાનંદનું જાહેરમાં આ પ્રથમ જ પ્રવચન હતું. ત્યારબાદ તેમણે એક વર્ષથી વધુ સમય અમેરિકામા ગાળ્યો હતો. અને યુરોપના દેશો તેમજ ચીન અને જાપાન સુધી ભ્રમણ કરીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિકતાની મશાલ વિશ્વના દેશો સમક્ષ પ્રજ્વલિત કરી હતી.

12 જાન્યુઆરી 1863ના રોજ, કલકત્તામાં જન્મેલા નરેન્દ્ર વિશ્વનાથ દત્ત નાનપણથી જ નીડર અને સાહસી હતા. કોલેજ કાળ દરમ્યાન શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા હતા. રામકૃષ્ણ પરમહંસના મહાપ્રયાણ બાદ તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને નરેન્દ્ર દત્ત બન્યા સ્વામી વિવેકાનંદ. અને કલકત્તાના વરાહ નગરમાં એક મકાનમાં રામકૃષ્ણ સંઘના મઠની સ્થાપના કરી. તેમના અન્ય ગુરુ ભાઈઓ પણ તેમની સાથે હતા પરંતુ ઈશ્વરના સાક્ષાત્કાર માટે તેમજ જનસેવા માટે સ્વામીજીએ ભારતભ્રમણ શરુ કર્યું. સમગ્ર ભારતને ઓળખવા માટે એક હાથમાં દંડ અને બીજા હાથમાં કમંડળ અને પોટલીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક લઈને તેઓ એકલા જ નીકળી ગયા. કાશ્મીર થી કન્યાકુમારી થઈ પગપાળા પ્રવાસ ખેડ્યો. પણ આપણે ગુજરાતીઓ ના સદ્દનસીબે તેમણે ભારત ભ્રમણ નો સૌથી વધુ સમય ગુજરાતમાં ગાળ્યો છે. તેઓ ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફર્યા છે અને ત્યાં રોકાયા છે. અમેરિકાની શિકાગોની ધર્મ પરિષદમાં જવાની પ્રેરણા અને જાણકારી પણ તેમને ગુજરાતમાંથી જ મળી હતી.

શિકાગોની ધર્મ પરિષદમાં તેમણે જે જ્ઞાન ગંગા વહાવી હતી તે જ્ઞાન તેમણે સૌરાષ્ટ્રના પોરબંદરના શંકર પાંડુરંગ પંડિત પાસેથી મેળવ્યું હતું. પોરબંદરમાં સ્વામીજી ભોજેશ્વર પ્લોટમાં આવેલા બંગલામાં નિવાસ કરતા હતા. અને ત્યાં જ પંડિતજી પાસે વેદાધ્યયન કરતા હતા. હાલના સમયમાં આ બંગલો ‘રામકૃષ્ણ મિશન ટ્રસ્ટ’ અંતર્ગત વિવિધ સેવાઓ માટે કાર્યરત છે. ત્યાં રાહત દરે આયુર્વેદિક ઔષધાલય પણ ચાલુ છે, અને પોરબંદરના ઘણા ડોક્ટરો તેમજ વૈદો તેમાં માનદ સેવા આપી રહ્યા છે. પોરબંદર થી વિદાય થતી વખતે એ વખતના પોરબંદરના મહારાજાએ સ્વામીજીનું પાઘડી પહેરાવી ને સન્માન કર્યું હતું, તેમજ બરડા ડુંગરની બે મજબૂત લાકડીઓ પણ ભેટમાં આપી હતી.

માત્ર ઓગણચાલીસ વર્ષના અલ્પઆયુષ્ય કાળમાં સ્વામીજીએ રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ ની અમૂલ્ય ભેટ આપી તેમજ ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને વિશ્વભરમાં ઉજાગર કર્યા. સ્વામીજી પોતે પણ અનિંદ્રા સહિત અનેક બીમારીઓથી ઘેરાયેલા હતા. પોતાની બીમારીઓ માટે તેમણે એલોપેથી ઉપરાંત હોમીયોપોથી તેમજ આયુર્વેદ ના ઉપચારો પણ અજમાવ્યા હતા. અને તેથી જ જામનગર ના પ્રખ્યાત ઝંડુ ભટ્ટ સાથે તેમની મુલાકાત મહત્વપૂર્ણ બની રહી હતી. તેમની સારવારથી તેમને ઘણો જ લાભ થયો હતો. સ્વામીજીના પુસ્તકો જેવા કે રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ વગેરે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”.. સ્વામીજીના આ શબ્દો આપણને હર હંમેશ પ્રેરણા આપતા રહેશે. યુવા વર્ગના આદર્શ એવા સ્વામી વિવેકાનંદને આપણા શત શત નમન.

હર્ષા ઠક્કર

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: