Our Columnsસંબંધોનો સ્પર્શ

सुन रहा है ना तू, रो रही हूँ मैं..

“આશિકી 2” ફિલ્મનું આ ગીત સંદીપ નાથની કલમે લખાયેલું છે આપણે વાત ફિલ્મની કે ગીતની નહીં પણ આ વાક્યમાંથી સરી પડતા અર્થની કરવાની છે.

“ડોકટર મેડમ સ્વરૂપનું આવું રૂપ મેં ક્યારેય જોયું જ નથી, એ હંમેશા હસતી ખિલખિલાતી અને મોજ મસ્તીમાં જ રહેતી, પણ હમણાં હમણાં એ માણ માણ હસે છે, મારી સાથે વાત કરે તો તેમાં સંવાદ ઓછો વિવાદ અને ફરિયાદ વધુ હોય છે..મને સમજાતું નથી કે આમાં મારી ભૂલ છે તો છે ક્યાં ? અમારા લગ્નને દોઢ વર્ષ થયું પણ મને ખબર જ નથી પડતી કે ધીરે ધીરે મેં ચાહેલી સ્વરૂપ કયાં જતી રહી !” સ્વરૂપ અને સાગરની પ્રેમકથામાં ભળી ગયેલી ખારાશને દરિયાની માફક ઠાલવતા સાગર બોલ્યો.
મારી નજર સાગરની બાજુમાં બેસેલી સ્વરૂપ પર ગઈ એના ચહેરા પરના હાવભાવો પર બહુ ફર્ક ન્હોતો જેવી રીતે આવીને બેસી હતી એમની એમ જ હતી, ખાલી આંખોમાં એક વાદળ ભરાતું હતું અને તે કોઈ પણ સમયે વરસી પડે એમ હતું.

સાગર અને સ્વરૂપની કથામાં પ્રવેશીએ તો બંનેના પ્રેમલગ્ન હતા તે બંને એકબીજાને છ મહિનાથી ઓળખતા હતા, પરિવારના સભ્યો મળ્યા એમને પણ બધું ઠીક લાગ્યું એટલે રંગેચંગે પતી ગયું, લગ્ન થયા સ્વરૂપ હવે પ્રેમિકા મટી પત્ની થઈ, કોઈની પુત્રવધૂ તો કોઈની ભાભી થઈ, કોઈની કાકી અને કોઈની મામી થઈ, વર્કિંગ વુમનમાંથી એ હોમમેકર થઈ.

સ્વરૂપ સાથેની વ્યક્તિગત ચર્ચામાં સાગરના લગભગ બધા સવાલોના જવાબો મળી ગયા, સ્વરૂપનું રૂપ બદલાવાનું મુખ્ય કારણ હતું એક દબાણ.. એક એવું દબાણ કે જે તેણે જાતે જ ઊભું કરેલું એ જ્યારથી પિર્યશી મટીને પત્ની થઈ ત્યારથી એ સાગર અને એના પરિવારમય થઈ ગઈ હતી, એ પોતાની ઈચ્છાઓને ઓપ દઈને પણ પરિવારની જરૂરિયાત – લાગણી – માંગણી બધું જ સાચવી લેતી, એ ક્યારેય ઇમ્પ્રેશન જમાવવા કામ ન્હોતી કરતી પણ જ્યારે જ્યારે પરિવારના સભ્યો તેનાથી ઇમ્પ્રેશ થતાં તો તેને ગમતું, માટે એ વધુ કાળજી અને વધુ દરકાર કરતી, પોતાના સ્નેહીઓની આંખમાં રાજીપો જોવામાં તેણે હંમેશા પોતાની આંખની નીચે પડતાં કુંડાળાની અવગણના કરી, સાગર સાથેનો સંબંધ સાચવવા પણ તે વધુ પ્રયાસો કરવા લાગી અને છેવટે આ વર્તન બધાને કોઠે પડી ગયું હવે જ્યારે જ્યારે સ્વરૂપ તરફથી વધુ પડતી સવલત ન મળે ત્યારે ત્યારે સાસુના મોઢાનો રંગ બદલાઈ જાય, સસરા જરાક મોટેથી બે શબ્દ કહી પણ દે, દિયર અને નણંદ કામનો થપ્પો કરી દે..આ બધાની વચ્ચે સ્વરૂપ પોતાને ફસાઈ ગયેલી સમજવા લાગી..એને સતત સંઘર્ષ થતો કે જો અગાઉની જેમ મારું વર્તન ચાલવા દઈશ તો હું મારી જાતને ગુમાવી દઈશ અને જો એમ નહીં કરું તો, હું સાગર અને પરિવારના સભ્યો માટે અણમાનીતી થઈ જઈશ અને મારું પિયર લજવાશે..મનમાં ઊભા થયેલા આ સારા અને સાચા વર્તનના યુદ્ધ વચ્ચે સુડી વચ્ચે સોપારી સાગરની થતી.. સંબંધમાં આંખનો રંગ ગુલાબી ગમે પણ તે જ રંગ જ્યારે રાતોચોળ થાય ત્યારે ખટકવા લાગે.

આ કેસમાં આમ જ હતું એટલે સ્વરૂપ અને સાગરની સાથોસાથ ફેમિલીનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું..એમને એ વાત સમજાવવામાં આવી કે ઘરમાં આવનાર વહુ એનું એક આગવું અસ્તિત્વ ધરાવે છે અને એ અસ્તિત્વને અખંડ રાખવું આપણી નૈતિક જવાબદારી છે..સ્વરૂપને સમજાવવામાં આવ્યું કે જાત બાળીને જેમ તીરથ ના થાય એમ જ જાત બાળીને કે જાત ભૂલીને ન જીવાય.

હર વર્ષે ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉત્સાહભેર ગલી, ખાંચે અને દુનિયાના ખૂણે – ખૂણે પોતપોતાની ઢબ અનુસાર ઉજવાયો..પણ એક પ્રશ્ન મારા મનમાં ખૂંચ્યા જ રાખે છે..કે આજે જ્યારે આપણે સ્ત્રીના એમ્પાવરમેન્ટ અને વ્રકીંગ વુમન વગેરેના બણગા ફૂંકયે છીએ..ત્યારે ખરેખર સ્ત્રીને આ બધી સવલત લાભકર્તા છે ?

અત્યારની સ્ત્રીની સ્થિતિ મને વધુ કફોડી લાગે છે કેમ કે તેને સતત ધ્યાન રાખવાનું છે..કે ક્યાંક એના વર્તનમાં એ પૈસા કમાઈ છે એવું અભિમાન છલકાઈ ન જાય..ક્યાંક ઓફિસના મેઈલમાં પતિનું મિલ ઠંડુ ન થઈ જાય.. સાસુમા એ રાખેલી મંદિરની પૂજામાં અગત્યની મિટિંગ રહી ન જાય..ઓફિસના ડેસ્કમાં ક્યાંક બાળકનો ઉછેર દબાઈ ન જાય..એના એકાદ વર્તનથી એના માવતર ક્યાંક લજવાઈ ન જાય.

છેલ્લો કોળિયો : સ્વરૂપ જેવી સ્ત્રીઓનું રૂપ હેમખેમ રહે અને એમનું રૂપ અને સ્વરૂપ યથાવત રહે તો દરેક દિવસ મહિલા દિન જ સમજવો.

_ડૉ. હિરલ જગડ

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: