Source : Wikipedia
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ – ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના દિવસે થયો હતો તેથી સિંધી લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવણી કરતા હોય છે. સવારે વહેલા ઉઠીને સાંઈ ઝૂલેલાલના મંદિરે દર્શન કરવા જાય પછી ત્યાં ભેરણા સાહેબની પૂજા થાય. છેજ (ગુજરાતી ગરબા જેવું) રમે. ભેરણામાં  ઘઉંના લોટ માંથી દીવો બનાવેલો હોય છે, ફૂલ-ફળ અને અગરબત્તી હોય છે. જે ઝૂલેલાલનું પ્રતીક માનવામાં આવે છે. ઝૂલેલાલ એ સિંધીઓના ઇષ્ટદેવ છે.  એમની ભેરણામાં જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ચેટીચંદ નિમિત્તે વરઘોડો નીકળે છે. જેમાં સિંધી ગીતો પર રમઝટ જામે છે, તૈરી ( મીઠા ભાત) અને ચણાનો પ્રસાદ હોય છે.  પછી એ જ્યોતને જળમાં પરવાન (વિસર્જન) કરવામાં આવે છે.

સિંધ પ્રદેશમાં મીરકશાહ નામનો એક ક્રુર રાજા હતો. જે ત્યાંની સિંધી પ્રજાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો અને જો એ ના કરે તો એમને મારી નાખતો. પ્રજાએ એની પાસેથી અમુક સમયની મુદત માંગી અને બધા લોકો સિંધુ નદીના કિનારે ભેગી થઈને ૪૦ દિવસ સુધી પૂજા કરવા લાગ્યાં.  જ્યારે એ આ ૪૦ દિવસના ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે એમણે ઘણી બાબતોનો ત્યાગ કર્યો હતો. જેવી કે, જમીન પર જ સૂવું, ડુંગળી- લસણ ન ખાવું, સફેદ વસ્તુઓ નહિ ખાવાની, ચામડાની વસ્તુઓ નહીં વાપરવાની….  ૪૦દિવસ પછી નદીમાં એક નર મોટી માછલી દેખાઈ એની પર એક આકૃતિ દેખાઈ અને આકાશવાણી થઈ કે, હું જલ્દી જ મીરકશાહના અત્યાચારથી તમારું રક્ષણ કરવા માટે જન્મ લઈશ.  ગીતાજીનાં ૭ અધ્યાયના ૪ શ્લોકમાં  ભગવાને કહ્યું છે ને,
યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત।
અભ્યુત્થાનમધર્મસ્ય, તદાત્માનં સૃજામ્યહમ્ ॥  જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું.

ચૈત્ર સુદ બીજના દિવસે  માતા દેવકી અને પિતા રતનરાયના ઘરે ઉદયચંદનો જન્મ થયો. મીરક શાહએ ઘણીવાર ઝૂલેલાલને મારવાની કોશિશ કરી દર વખતે એ નિષ્ફળ ગયો. એ નાની ઉંમરમાં એમણે મીરખશાહના અત્યાચારથી સિંધી પ્રજાને મુક્ત કરી. ઝૂલેલાલને લાલસાંઈ, જીન્દપીરના નામથી પૂજવામાં આવે છે. તેમને  વરુણદેવ કહેવામાં છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આયો લાલ સભઈ ચૌ ઝૂલેલાલ ની જય બોલતા હોય છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગે ભેરણાનું આયોજન થતું હોય છે.
શક સંવત અનુસાર હિંદુઓનું નવું વર્ષ આજથી શરૂ થાય છે.
નવા વર્ષની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ.
નયે સાલ જ્યું સભીન ખે લખ લખ વધાયું.

  • ઉર્વશી ઠક્કર

%d bloggers like this: